ટી-20 વર્લ્ડ કપ 2026ના 8મા સુપર-8 મુકાબલામાં ભારતે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા છે. આ ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ભારતીય બેટ્સમેનોએ ખોટો સાબિત કરી દીધો છે.
રેકોર્ડબ્રેક ઇનિંગ્સ અને ઈતિહાસ
ટીમ ઈન્ડિયાએ આ મેચમાં અનેક જૂના રેકોર્ડ ધ્વસ્ત કર્યા છે. વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોર 260 રનનો છે (શ્રીલંકા વિ. કેન્યા, 2007). હવે ભારત 256 રન સાથે બીજા ક્રમે આવી ગયું છે.
ભારતનો પોતાનો નવો રેકોર્ડ
ટી-20 વર્લ્ડ કપમાં ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ અગાઉ 2007માં ઈંગ્લેન્ડ સામે ભારતે 218 રન બનાવ્યા હતા, જેમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા હતા.
અભિષેક અને હાર્દિકની તોફાની ફિફ્ટી
ભારતની આ વિશાળ રન સંખ્યા પાછળ યુવા અને અનુભવી ખેલાડીઓનું સચોટ યોગદાન રહ્યું છે. અભિષેક શર્માએ ઓપનિંગમાં આક્રમક બેટિંગ કરતા માત્ર થોડા જ બોલમાં 55 રન ફટકારી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. તેમજ હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરોમાં ઝિમ્બાબ્વેના બોલરોની બરાબરની ધોલાઈ કરતા અણનમ 50 રન બનાવ્યા હતા. હાર્દિકની સાથે સાથે તિલક વર્માએ હાર્દિકને સાથ આપતા તિલકે પણ આક્રમક મિજાજમાં અણનમ 44 રનની ઇનિંગ રમી હતી. મહત્વનું છે કે ઝિમ્બાબ્વે તરફથી 4 બોલરોને 1-1 વિકેટ મળી હતી, પરંતુ તેઓ રનની ગતિ રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા.