બર્ધનચોકમાં વર્ષો બાદ તંત્રનું સંયુકત મેગા ઓપરેશન: દબાણ દુર

  • June 10, 2023 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી બન્યા આક્રમક: જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સતત હાજર: રોડની બંને બાજુ ઓટલા તોડીને ડામર રોડ બનાવી દેવાશે: એસ.ટી. અને સીટી બસ બર્ધનચોકમાંથી પસાર કરાવાશે: ગઇકાલે ૩૦થી વધુ પથારાવાળાઓને હટાવાયા: મજબુત પોલીસ બંદોબસ્ત: આજે પણ કાર્યવાહી

જામનગર શહેરની મઘ્યમાં આવેલ અને બર્ધનચોક નામે ઓળખાતા રસ્તાને કલીયર કરવા માટે ગઇકાલે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં બર્ધનચોકમાં દબાણ હટાવ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી, જે મોડી રાત્રી સુધી ચાલી હતી, આજે પણ સવારથી વધારાના દબાણો અને ઓટલા દુર કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી, કોઇની શેહ-શરમ વિના આ કામગીરી કરાશે તેવો નિર્દેશ ગઇકાલે જ જિલ્લા પોલીસ વડાએ આપી દીધો છે, એટલું જ નહીં એકાદ-બે દિવસમાં એસ.ટી. બસ અને સીટી બસ શરુ કરી દેવામાં આવશે, ગઇકાલે રાત્રે કેટલાક પથારાવાળા અને દુકાનદારો ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી, ત્યારે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કોઇને પરેશાન નહીં કરાય પરંતુ ગેરકાયદેસર બોર્ડ કે દબાણો હશે તે દુર કરાશે. બીજી તરફ મ્યુ.કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે તત્પર છે અને આગામી દિવસોમાં દુકાનદારોની પણ મીટીંગ બોલાવવામાં આવશે અને પથારાવાળઓને વૈકલ્પીક જગ્યા ફાળવવા આયોજન ઘડવામાં આવ્યું છે.
ગઇકાલે સાંજે બર્ધનચોકમાં મહાપાલિકાની એસ્ટેટ ટીમના મુકેશ વરણવા, નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ સહિતના અધિકારીઓ બર્ધનચોક દોડી ગયા હતાં અને તેની સાથે મામલતદાર વિરલબેન પણ હાજર રહ્યા હતાં, એટલું જ નહીં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આખો મામલો સંભાળી લીધો હતો અને સતત બે કલાકથી વધુ સમય તેઓ બર્ધનચોકમાં હાજર રહ્યા હતાં. વેપારીઓએ ફટાફાટ દુકાન બંધ કરી દીધી હતી, કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બર્ધનચોકમાં પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો, એટલે કે કોર્પોરેશન, પોલીસ તંત્ર અને કલેકટરનું તંત્ર આ મેગા ઓપરેશનમાં જોડાયું છે.
બર્ધનચોકમાં વર્ષોથી ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાતી નથી, વર્ષો પહેલા તે વખતના મ્યુ.કમિશ્નર અશ્ર્વિનીકુમારે આ વિસ્તારમાં મેગા ઓપરેશન કરીને મોટાભાગના દબાણો હટાવી સીટી બસ અને એસ.ટી. બસ શરુ કરાવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ દુકાનની બહાર દુકાનદારોએ મોટા ઓટલા બનાવ્યા હતાં તે તોડી પડાયા છે અને કેટલાક દુકાનદારો તો પોતાના દુકાનના આંગણામાં જગ્યા ભાડે આપીને પથારાવાળાને બેસવા આપે છે અને રુા.૫૦૦ થી ૨૦૦૦નું રોજનું ભાડુ કમાય છે.
થોડા સમય પહેલા મેયર બીનાબેન કોઠારીએ પણ એસ્ટેટ શાખાના અધિકારીઓને સાથે રાખીને બે-ત્રણવાર દબાણો દુર કરાવ્યા હતાં, પરંતુ આ કાર્યવાહી માત્ર ૩૦ થી ૩૫ મીનીટ થઇ હતી, ગઇકાલે તંત્રનો જાણે કે સંયુકત પ્રયાસ હોય એવું દેખાયું હતું, મ્યુ.કમિશ્નરના જણાવ્યા મુજબ કોઇપણ જાતની શેહ-શેરમ કે ભેદભાવ વિના આ તમામ ગેરકાયદેસર બાંધકામો દુર કરાશે અને રસ્તો ખુલ્લો કરાશે, આગામી દિવસોમાં સુભાષ શાકમાર્કેટમાં પણ કેટલાક લોકો દ્વારા ફુટપાથ પર દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો પણ દુર કરવામાં આવશે.
ગઇકાલે એસ્ટેટ શાખાની ટીમે અનેક દુકાનદારોની લોખંડની જારી તોડી પાડી કબ્જે કરી હતી અને ૩૦થી વધુ પથારાવાળાના માલ-સામાન પણ કબ્જે કર્યો હતો, આ વખતનું મેગા ઓપરેશન વ્યવસ્થિત હોવાનું જણાય છે ત્યારે લોકો આ વિસ્તારમાંથી ચાલી શકે અને આ રસ્તો કલીયર થાય તે માટે તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઇએ, આગામી દિવસોમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ વેપારીઓની પણ મીટીંગ બોલાવશે અને કોર્પોરેશન દ્વારા પથારાવાળાઓ માટે રંગમતી નદીના પટ્ટમાં તેમજ અન્ય સ્થળે જગ્યા આપવા વિચારણા થઇ રહી છે.
**
ગઇકાલે મેગા ઓપરેશન શાંતિપૂર્ણ રહ્યું: વેપારીઓએ પણ આપ્યો સહકાર
બે-ત્રણ દિવસની મીટીંગ બાદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીએમસી ભાવેશ જાની, એસ્ટેટના મુકેશ વરણવા, મામલતદાર વિરલબેન તથા અન્ય લોકોએ વ્યવસ્થિત પ્લાન કરીને આ બર્ધનચોકનું ઓપરેશન કર્યુ હતું, ત્યારે આ ઓપરેશન સમયે કોઇપણ જાતની માથાકુટ ન થાય તે માટે અગાઉથી જ એલસીબી, એસઓજી અને અન્ય પોલીસને સાથે રાખીને આયોજન કરાયું હતું, ત્યારે શાંતિપૂર્ણ આ ઓપરેશન થયું છે, બર્ધનચોકની કાયમી સમસ્યાનો ઉકેલ આવે તે માટે તંત્ર દ્વારા સંયુકત પ્રયાસ કરવા જોઇએ અને વેપારીઓએ પણ સાથ સહકાર આપવો જોઇએ.
**
મોડી રાત્રે કેટલાક વેપારીઓ અને પાથરણાવાળાઓ ધારાસભ્ય સાથે ટેલીફોનીક વાતચીત કરી
ગઇકાલે આ મેગા ઓપરેશન ચાલું હતું ત્યારે ૭૯-મત વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની ઓફીસે કેટલાક વેપારીઓ અને પથારાવાળાઓ ગયા હતાં અને રજૂઆત કરી હતી, પરંતુ ધારાસભ્ય હાજર ન હોય તેમની સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી, આજકાલ સાથેની વાતચીતમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે, મને કેટલાક લોકોના ફોન આવ્યા હતાં અને મે તેમને કહયું હતું કે, જે ગેરકાયદેસર બોર્ડ, ઓટલા કે દબાણ હશે તેને દુર કરાશે પરંતુ કોઇને ખોટી રીતે હેરાન-પરેશાન નહીં કરાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application