દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રકૃતિના પર્યાયઃ પોલીસ સબ ઈન્સપેક્ટર આશાબેન વદર

  • June 07, 2021 10:51 AM 

"વિશ્વ પર્યાવરણ દિવસ" ની ઉજવણીઃ - ખંભાળિયામાં છેલ્લા બે વર્ષમાં 1500 થી વધુ વૃક્ષોનું કર્યુ જતન -

     "પર્યાવરણએ પંચ મહાભૂતનું એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલું છે અને આપણા પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં કરેલા ઉલ્લેખ અનુસાર પંચ મહાભૂત એ ઈશ્વરનો જ અંશ છે. પ્રકૃતિ એ એક માત્ર એવો ભગવાન છે જે વૃક્ષો, જમીન, પાણી તથા કુદરતી સુંદરતાના રૂપમાં નરી આંખે જોઈ શકાય છે અને જેના થકી જ આપણું અસ્તિત્વ છે. આપણે પ્રકૃતિનું સન્માન નહીં કરીએ તો પ્રકૃતિ આપણી કદર કરવાનું છોડી દેશે. કોરોનાકાળમાં સર્જાયેલ પરિસ્થિતિએ આપણને પ્રકૃતિનું મહત્વ સમજાવ્યું છે. પ્રકૃતિ પ્રત્યેની આત્મીયતા એ જ પરમ સુખ છે"- આ શબ્દો છે મહિલા પોલીસ ઈન્સપેક્ટર આશાબેન વદરના.

   દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામ ખંભાળિયા ખાતે રીઝર્વ પોલીસ સ્ટેશનમાં આશાબેન વદર મહિલા પોલીસ સબ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે, અને તેમના પતિ ગિગન ભરતભાઈ ઓડેદરા બ્રિટીશ આર્મી સાથે જોડાયેલા છે. તેમને બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેમના માટે તો ઈશ્વર કે અલ્લાહ જે ગણો તે બધુ પ્રકૃતિ જ હતું. તેવામાં તેઓ અભ્યાસ બાદ પોલીસ વિભાગમાં જોડાયા અને શરૂઆતમાં અમદાવાદ ખાતે ફરજ બજાવ્યા બાદ આશરે બે વર્ષ પહેલા ખંભાળિયા રીઝર્વ પોલીસ સ્ટેશનમાં જોડાયા. અહીંની પથ્થર મિશ્રિત વેરાન ભૂમિને જોઈ પ્રકૃતિના પર્યાય એવા આશાબેનમાંના પ્રકૃતિ પ્રત્યેના આત્મિયતા ભર્યા સબંધને ઠેસ પહોંચી અને તેમણે પોલીસ સ્ટેશન અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષોનો ઉછેર કરી અણીયારા પથ્થરની ભૂમિને હરીયાળી બનાવવાનો જાણે સંકલ્પ જ લઈ લીધો.

   આશાબહેને પથ્થર અને ખડકાળ પ્રદેશ જેવા પરેડ ગ્રાઉન્ડ અને વેરાન લાગતા પોલીસ સ્ટેશનને એક હરીયાળો બાગ બનાવવા માટે પોલીસ પરિવાર સાથે મળીને પથ્થરોની ભૂમિમાં માટીનું પુરાણ કરાવી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું. પરંતુ એક તો આ પથ્થરોની ભૂમિ, એમાંય તે પાણીની અછત ! વૃક્ષોનું જતન કરવું તો કઈ રીતે એ મોટો પ્રશ્ન આશાબહેનની સામે આવી ઉભો થયો. પ્રકૃતિને ભગવાન માની ચૂકેલા આશાબહેન પણ હાર માને તેમ ન હતા. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ આશાબહેન અને તેમના સ્ટાફે ફરજ બાદના સમયે સતત મહેનત કરી આસપાસના વાડી-વિસ્તાર ધરાવતા ખેડુતોની મદદ મેળવી પાણી અને ખાતરની સહાય મેળવી વૃ્ક્ષોનું જતન કરવાનું શરૂ કર્યું. આ દરમ્યાન તેમને બ્રિટીશ આર્મી સાથે જોડાયેલા તેમના પતિએ પણ પથ્થરોની ભૂમિમાં વૃક્ષોનો ઉછેર કરવા અંગે સલાહ – સૂચનો આપી પોતાની પત્નીના સ્વપ્નને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

    આજે પણ પાણીનું તળ ઊંચું લાવવા અને પર્યાવરણને બચાવવા તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા યોગદાન આપી રહ્યા છે. આ માટે તેઓ કુંડાઓ, પોલીસ સ્ટેશનમાં રહેલ એવી તમામ નકામી વસ્તુઓ જેમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય તેવી વસ્તુઓને ફેંકવાની જગ્યાએ તેમાં જ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણનુ જતન કરી રહ્યા છે. આમ કરતા કરતા તેમણે છેલ્લા બે વર્ષમાં આશરે 1500 વધુ વૃક્ષોનું જતન કરી મોટા કર્યા છે. જેમાં ઉમરો, પીપળો, કણજી, વડલા (વડ), રાયણ, વાંસ, આંબળા, ગુલમહોર, સિસમ, ખાટી આંબલી, જાંબુ, લીંમડો, નાળીયેરી સહિતના અલગ-અલગ ફુલછોડ અને બાગાયતી વૃક્ષો વાવ્યા છે.

     પ્રકૃતિ પ્રેમી આશાબહેને જણાવ્યું હતું કે, પર્યાવરણને નુકસાન કરવું તે ઈશ્વરને દુઃખ લગાડવા જેવું છે અને પર્યાવરણનું જતન કરવું એ ઈશ્વરની ભક્તિ કરવા બરાબર છે. પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી છે. વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષ થકી જીવન ઉજીયાળા આથી પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો આવશ્યક અને અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડ છોડી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપે છે, આથી પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરીકની જવાબદારી છે.

   આ બાબતે વાત કરતા તેમના જ સ્ટાફના લોક રક્ષક વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમે છેલ્લા નવ મહિનાથી આશાબહેન સાથે જોડાયેલા છીએ. તેઓ દરરોજ સવારે અને સાંજે આશરે બે કલાક ફક્ત વૃક્ષોનું જતન કરવામાં જ પસાર કરે છે. તેમની સાથે કામ કરતા કરતા અમને પણ પ્રકૃતિનું મહત્વ સમજાયું છે. અમે અહીંયા આશાબહેનના માર્ગદર્શન હેઠળ ગાય-ભેંસના ગોબર એટલે કે, દેશી ખાતર એકઠું કરી વૃક્ષોની માવજત કરીએ છીએ. આશાબહેન હંમેશા પ્રકૃતિનો આદર કરવો અને વૃક્ષોનું જતન કરવું તેમ કહેતા હોય છે જેનો ખરો અર્થ આજે અમે વાવેલા વૃક્ષો મોટા થતા જોઈ અમને સમજાય છે. જો લોકો પણ આવી જ રીતે વૃક્ષોનું જતન કરશે તો મને નથી લાગતું કે કોઈને એસીની જરૂર પડે. વૃક્ષારોપણ કરવું એ માનવજાતિ માટે ઉમદા કાર્ય બની રહેશે. આવો આજે સૌ સંકલ્પ લઈએ દર વર્ષે એક-એક વૃક્ષનું જતન કરીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)