પાકિસ્તાનના કરાંચીમાં બનશે સ્વામીનારાયણ મંદિર

  • November 19, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક સમયે પાકિસ્તાનમાં અસંખ્ય હિન્દુ મંદિરો હતા  પરંતુ કાળક્રમે તે નાશ થતા ગયા. મુસ્લિમ વસ્તીને કારણે પાકિસ્તાનમાં હિન્દુ મંદિરો પર આક્રમણ કરીને તેનો નાશ કરી દેવાયો. હવે ત્યાં ગણ્યાગાંઠ્યા હિન્દુ મંદિરો બચ્યા છે. ત્યારે હવે કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું.


કરાંચીના સિંધ પ્રદેશમાં આ મંદિર આવેલું છે. 147 વર્ષ પહેલા કાલુપુર સંપ્રદાય દ્વારા આ સ્વામીનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા સમયે ભગવાન સ્વામીનારાયણની એક મૂર્તિ રાજસ્થાનના ઝાલોરના ખાણ ગામ ખાતે સ્થાપિત કરાઈ હતી. જ્યારે અન્ય એક મૂર્તિ કરાંચીના મંદિરમાં જ રાખવામા આવી છે. આજે પણ આ મંદિરમાં મૂર્તિ સચવાયેલી છે. 147 વર્ષ પહેલાં બ્રિટિશરોએ કરાચીના બંદરઘાટ પર મંદિર માટે 99 વર્ષના ભાડાપટ્ટે જમીન આપી હતી, જેનો સમય પૂરો થયો બાદ લીઝ રિન્યુ કરવા કેસ દાખલ કરવામાં આવ્યો છે.


હાલમાં આ મંદિર સિંધી હરિભક્તો દ્વારા સાચવવામાં આવે છે. કરાંચીના સિંધ પ્રદેશના લોકો તેની જાળવણી કરે છે. વર્ષ 1979 બાદથી ભારતથી કોઈ સ્વામીનારાયણ સંત ત્યાં ગયા નથી. હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધાસ્વામીની મૂર્તિ છે, જેની રોજ પૂજા કરાય છે. આ મંદિરમાં તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે.


પાકિસ્તાનના સ્વામિનારાયણ મંદિરના એડવોકેટ સુરેશ જ્હમતભાઈ જણાવ્યા અનુસાર, આવનારા સમયમાં મંદિરના પ્રાંગણમાં બાળકીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. મંદિરના કુલ ક્ષેત્રફળ 32000 સ્ક્વેર ફુટમાં આ ભવનનું નિર્માણ કરવામાં આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરના નિર્માણ કાર્યમાં સરકાર બદલાવાના કારણે મંદિર નિર્માણનું કાર્ય અટકતુ હતું પરંતુ, સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા કાયદાકીય રીતે લડત આપી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાવવામાં આવ્યું છે. આ માટે ગુજરાતથી બે સ્વામીનારાયણ સંતો પાકિસ્તાન પણ જશે. ત્યાંના મંદિરના નવનિર્માણ કાર્યમાં ડી. કે. સ્વામી અને ધર્મસ્વરૂપદાસજી સહભાગી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application