જામનગરના પોશ વિસ્તારમાં જુગારના અખાડામાંથી ૭ મહિલાની અટક

  • December 05, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોકુલદર્શન સોસાયટીમાં મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબી ત્રાટકી : ૬૮ હજારની રોકડ અને સાહિત્ય જપ્ત : સિકકા પાટીયે બે જુગારી ઝબ્બે

જામનગરમાં રણજીત સાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક મહિલા સંચાલિત જુગારધામ પર એલસીબીએ દરોડો પાડી જુગાર રમાડતી મહિલા સહિત કુલ સાત મહિલાઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ ૬૮ હજાર અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જયારે સિકકા પાટીયા પાસે જાહેરમાં તિનપતીની મોજ માણતા બે શખ્સો પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમના ક્રિપાલસિંહ, ધાનાભાઇ, કિશોરભાઇને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં રણજીત સાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટી પ્લોટ નંબર ૧૩/૬ શેરી નંબર -૨ માં રહેતા જશવંતીબેન પરસોત્તમભાઈ રાબડીયા નામની  મહિલા દ્વારા પોતાના રહેણાક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહયું છે, અને શહેરની આસપાસની સોસાયટીમાંથી કેટલીક મહિલાઓએ એકત્ર થઈને જુગાર રમવા માટે આવી રહી છે. જે ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે ઉપરોક્ત રહેણાક મકાન પર એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.
 જે દરોડા દરમિયાન મકાન માલિક મહીલા સહિતની કુલ સાત મહિલાઓ ગંજી પાના વડે જુગાર રમી રહેલી નજરે પડી હતી. જેથી એલસીબી ની ટીમે મકાન માલિક જસવંતીબેન પરષોત્તમભાઈ રાબડીયા ઉપરાંત યુવાપાર્કમાં રહેતી પ્રભાબેન ઉર્ફે હંસાબેન મંગાભાઈ ચાવડા, ગોકુલનગરની જયશ્રીબેન પ્રવીણભાઈ પાણખાણીયા, શીતલબેન રમેશભાઈ જાડેજા-મેર,  ન્યુ સાધના કોલોનીમાં રહેતી મંજુબેન હસમુખભાઈ ટાંક તેમજ પટેલ કોલોની-૯માં રહેતી શાંતિબેન રાજુભાઈ વિસાવડીયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬૮,૨૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે. શહેરના પોશ વિસ્તારમાં જુગારધામ પકડાતા ચકચાર મચી ગઇ હતી.
જુગાર અંગેનો બીજો દરોડો મોટી ખાવડી વિસ્તાર સિકકા પાટીયા ખાતે પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ધીરુભાઈ મનજીભાઈ સોલંકી તેમજ બેડના જસરાજ ઉર્ફે છોટીયો ઘેલાભાઈ માતંગની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૬,૪૭૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મેઘપર પોલીસે કબજે કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application