BREAKING NEWS

સુરત SBI બેંક લૂંટ કેસમાં મોટો ખુલાસો: બિહારની જેલમાંથી રચાયું હતું 50 લાખની લૂંટનું કાવતરું, બેની ધરપકડ

  • May 06, 2026 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં ગત ૨૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ થયેલી ૫૦ લાખ રૂપિયાની સનસનીખેજ લૂંટના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ લૂંટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયેલા છે. આ સમગ્ર ગુનાનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત છે, જે હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં કેદ છે. જેલમાં હોવા છતાં તેણે મોબાઈલ કે અન્ય માધ્યમોથી ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની આ બેંકને ટાર્ગેટ બનાવવાનું આયોજન કર્યું હતું. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં થયેલી ૧૪ કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટ જેવી મોટી ઘટનાઓમાં પણ સંડોવાયેલો કુખ્યાત ગુનેગાર છે.


ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન અને ધરપકડ

સુરત પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લઈને 7 PI અને 100 જેટલા પોલીસ જવાનોની અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે શહેરના 1000થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. જેમાં લૂંટારુઓએ વાપરેલી ત્રણ બાઈક (સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચે) પર નકલી નંબર પ્લેટો હોવાનું માલૂમ પડ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી. જે બાદ પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત ત્રણ દિવસ સુધી લોકેશન બદલતા શુભમને અયોધ્યાથી ઝડપી પાડ્યો હતો. શુભમની પૂછપરછમાં તેના સાગરીત વિકાસ સિંહનું નામ ખુલતા તેને પણ યુપીના ગોંડા જિલ્લામાંથી દબોચી લેવાયો છે.


નકલી દસ્તાવેજો અને બે મહિનાની રેકી

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ અત્યંત પ્રોફેશનલ છે. લૂંટને અંજામ આપતા પહેલા તેઓએ બે મહિના સુધી સુરતમાં જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં આશરો લીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આરોપીઓએ ભાડે મકાન રાખવા માટે નકલી આધારકાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ બે મહિના દરમિયાન તેઓએ બેંકની ગતિવિધિઓ અને ભાગવાના રસ્તાઓની વારંવાર રેકી કરી હતી. લૂંટમાં વપરાયેલી બાઈકો પૈકી એક ખટોદરાથી ચોરી કરી હતી, જ્યારે બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી તૈયાર કરી હતી.


મોટી લૂંટનો હતો ઈરાદો

આરોપીઓની કબૂલાત મુજબ, તેમનો ઈરાદો માત્ર 50 લાખ નહીં પરંતુ 2 થી 3 કરોડ રૂપિયા લૂંટવાનો હતો. આ હેતુથી તેઓ પાંચ મોટી બેગ લઈને બેંકમાં ઘૂસ્યા હતા. જોકે, તે સમયે કેશ કાઉન્ટર અને કેશ વાનમાં અપેક્ષા કરતા ઓછી રકમ હોવાથી તેઓએ માત્ર ૫૦ લાખથી સંતોષ માનવો પડ્યો હતો. ભાગતી વખતે વધારાની ખાલી બેગ બોજ સમાન લાગતા તેઓએ બાઈક પાસે જ ફેંકી દીધી હતી.


ઝડપાયેલા શુભમ ઠાકુર સામે બિહારમાં હત્યા અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ પાસેથી 93,000 રૂપિયા અને ત્રણ મોબાઈલ કબજે કર્યા છે. સુરત પોલીસ હવે બિહારની જેલમાં બંધ માસ્ટરમાઇન્ડ કુંદન ભગતનો ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કબજો મેળવવા કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. બાકીના 49 લાખ રૂપિયા અને ગેંગના અન્ય ફરાર સભ્યોને પકડવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application