નિર્દોષ છોડાયા પછી ભૂલી જવાના અધિકાર અંગે નિર્ણય કરશે સુપ્રીમ

  • July 25, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે કોઈ આરોપી ફોજદારી કેસમાં નિર્દોષ છૂટ્યા પછી તેને ભૂલી જવાના તેના અધિકાર હેઠળ ડિજીટલ પ્લેટફોર્મ સહિત પબ્લિક ડોમેનમાંથી કોર્ટના ચુકાદાઓને હટાવવાની માંગ કરી શકે કે નહિ. જો કે, સંબંધિત મામલામાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકતા, સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે આવા કેસોમાં કોર્ટના આદેશથી સમગ્ર નિર્ણયને જાહેર ક્ષેત્રમાંથી હટાવવાથી ગંભીર પરિણામો આવી શકે છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ બેંગ્લોર સ્થિત કાનૂની ડેટાબેઝ વેબસાઈટ ઈન્ડિયન કાનૂન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. કંપ્નીએ કહ્યું કે હાઈકોર્ટે તેને તેની વેબસાઈટ પરથી નિર્ણય હટાવવા માટે કહ્યું છે, જે બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કરાયેલ વ્યક્તિની ઓળખ જાહેર કરી રહ્યું હતું. બેંચે કહ્યું કે, કોર્ટ આ આદેશ કેવી રીતે આપી શકે? જાહેર મંચ પરથી આવા નિર્ણયને દૂર કરવાના આદેશના ગંભીર પરિણામો  આવશે. સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવ્યો હતો. બેન્ચે કહ્યું, આ દરમિયાન, મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશો સ્થગિત રહેશે. અમારે કાયદો ઘડવો પડશે. વેબસાઈટ માટે હાજર રહેલા એડવોકેટ અબીહા ઝૈદીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટનો નિર્ણય બંધારણની કલમ 19(1) હેઠળ અરજદાર અને સામાન્ય જનતાને અપાયેલી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિકૂળ અસર કરે છે. ઝૈદીએ કહ્યું કે, કેરળ અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે ભૂલી જવાનો કોઈ અધિકાર નથી, જ્યારે હાલના કેસમાં મદ્રાસ હાઈકોર્ટે તેનાથી વિપરિત વલણ અપ્નાવ્યું છે. તેથી વિવિધ હાઈકોર્ટના વિરોધાભાસી નિર્ણયોથી કાયદા સામે જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application