BREAKING NEWS

અરવલ્લી કેસમાં સુપ્રીમે પોતાના જ નિર્ણય પર લગાવી રોક: ખાણકામ અંગે સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી

  • December 29, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાના કેસમાં પોતાના જ 20 નવેમ્બરના ચુકાદા પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. હવે આ કેસની વધુ સુનાવણી 21 જાન્યુઆરીએ કરવામાં આવશે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષજ્ઞ સમિતિની ભલામણ અને તેના પર સુપ્રીમ કોર્ટે કરેલી તમામ ટિપ્પણી સ્થગિત કરી છે. આગામી આદેશ સુધી સમિતિની કોઈ પણ ભલામણ લાગુ કરાશે નહીં. સમગ્ર કેસમાં આગામી 21મી જાન્યુઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરિમાળાની વ્યાખ્યા કે પરિભાષાને માન્યતા આપી હતી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે 100 મીટરથી ઊંચા પહાડોને જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. જે બાદથી જ સમગ્ર વિવાદ શરૂ થયો હતો. સુપ્રીમ કોર્ટના આજના આ આદેશથી પર્યાવરણપ્રેમી તથા અરવલ્લી બચાવો આંદોલન કરી રહેલા લોકોની મોટી જીત થઈ છે.

સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, કે સમિતિના રિપોર્ટ તથા તેના પર કોર્ટે કરેલી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. એવામાં આ રિપોર્ટ અને કોર્ટના આદેશ લાગુ કરતાં પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર મૂલ્યાંકનની જરૂર છે. સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા, રાજસ્થાન, દિલ્હી સહિત તમામ સંબંધિત રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને નોટિસ આપી છે.


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આ 5 સવાલ પૂછ્યા

1. શું અરવલ્લીની વ્યાખ્યા માત્ર 500 મીટર ક્ષેત્ર સુધી સીમિત કરવાથી સંરક્ષિત ક્ષેત્ર સીમિત થઈ જાય છે?

2. શું નવી વ્યાખ્યાના કારણે નોન-અરવલ્લી વિસ્તારોમાં નિયંત્રિત ખાણકામ માટે અવકાશ વધશે?

3. જો બે અરવલ્લી ક્ષેત્રની ઊંચાઈ 100-100 મીટરથી ઊંચી છે પણ બંને વચ્ચે 700 મીટરનું અંતર છે, તો શું તે વચ્ચેના વિસ્તારમાં ખાણકામની અનુમતિ મળી જશે?

4. આ સમગ્ર પ્રક્રિયામાં પર્યાવરણને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય?

5. જો નિયમોમાં કોઈ ચૂક છે તો શું અરવલ્લી ગિરિમાળાની મજબૂતાઈ જાળવી રાખવા વ્યાપક મૂલ્યાંકન જરૂર છે?


શું છે સમગ્ર વિવાદ?

કેન્દ્રીય પર્યાવરણ વિભાગની એક સમિતિએ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી હતી કે 100 મીટર કે તેથી ઊંચાઈના પર્વતો જ અરવલ્લી ગિરિમાળા માનવામાં આવે. આ ભલામણને 20મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે માન્યતા આપી હતી. જે બાદથી જ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. લોકોને ભય છે કે આમ તો અરવલ્લીના પહાડો નષ્ટ થઈ જશે અને માફિયાઓ બેફામ ખાણકામ કરશે. ભારે વિરોધ અને વિવાદ વધતાં જોઈ કેન્દ્ર સરકારે 24મી ડિસેમ્બરે નવો આદેશ જાહેર કરી કહ્યું હતું કે અરવલ્લીમાં નવા ખાણકામની મંજૂરી આપવામાં આવશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application