સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ જારી કરીને નોટિસ ફટકારી છે. સાઉદી અરેબિયામાં રહેતા એક ભારતીય વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે સીબીએસઈને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે, તેઓ સાઉદી અરેબિયાના વિદ્યાર્થીઓના ધોરણ ૧૨ના પરિણામ (Result) નો વિવાદ આગામી શુક્રવાર ૧૨ જૂન સુધીમાં કોઈપણ સંજોગોમાં ઉકેલી નાખે. જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ બિશ્નોઈની ખંડપીઠ સમક્ષ થયેલી આ સુનાવણી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દાનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.
કોર્ટમાં વિદ્યાર્થીઓ વતી એડવોકેટ વિનીત જિંદલે અરજી દાખલ કરીને પક્ષ રજૂ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતાં આગામી સુનાવણી શુક્રવાર ૧૨ જૂનના રોજ નક્કી કરી છે અને ત્યાં સુધીમાં બોર્ડને યોગ્ય ઉકેલ લાવવા જણાવ્યું છે.
પરિણામ ન આપવું એ કલમ ૧૪ અને ૨૧નું ઉલ્લંઘન
સુનાવણી દરમિયાન એડવોકેટ વિનીત જિંદલે ધારદાર દલીલો કરતા કોર્ટને જણાવ્યું હતું કે, બોર્ડની આ લાપરવાહી વિદ્યાર્થીઓના ભવિષ્યને સીધી રીતે બગાડી રહી છે. અરજદારનું કહેવું છે કે CBSE દ્વારા વિદ્યાર્થીને બ્લેન્ક (કોરી) માર્કશીટ આપવી અથવા તેનું પરિણામ જાહેર ન કરવું, તે ભારતીય બંધારણના આર્ટિકલ ૧૪ (સમાનતાનો અધિકાર) અને આર્ટિકલ ૨૧ (જીવવાનો અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું ખુલ્લું ઉલ્લંઘન છે. આ દલીલ સ્વીકારીને સુપ્રીમ કોર્ટે બોર્ડને આકરા પગલાં લેવા કહ્યું છે.
શું છે આખો વિવાદ?
આ સમગ્ર મામલો સાઉદી અરેબિયાની અલ જુબૈલ સ્થિત સીબીએસઈ માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રાંશુ જીગર કુમાર પટેલ સાથે જોડાયેલો છે. પ્રાંશુએ આ વર્ષે ધોરણ ૧૨ની ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષા (સુધારાત્મક પરીક્ષા) માટે કુલ ૫ વિષયોમાં ફોર્મ ભર્યું હતું.
પરીક્ષાઓ ચાલી રહી હતી તે દરમિયાન જ મિડલ-ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધની પરિસ્થિતિ અને અસુરક્ષાને કારણે પ્રાંશુ માત્ર ૨ વિષયની જ પરીક્ષા આપી શક્યો અને બાકીના ૩ વિષયની પરીક્ષા આપતા પહેલાં જ ખાડી દેશોમાં (Gulf Countries) ૧૨મા બોર્ડની બાકીની પરીક્ષાઓ સત્તાવાર રીતે રદ્દ કરી દેવામાં આવી.
યુદ્ધના કારણે પરીક્ષા રદ્દ થયા બાદ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સીબીએસઈએ પ્રાંશુનું રિઝલ્ટ જાહેર કરવાને બદલે ત્યાં 'Result Later' (પરિણામ પછી જાહેર થશે) એવું લખી દીધું. પ્રાંશુએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે બોર્ડનું આ વલણ પક્ષપાતી અને અતાર્કિક છે. પરિણામ ન મળવાને કારણે તેની કોલેજ એડમિશનની પ્રક્રિયા અટકી પડી છે અને તે ભારત કે વિદેશની કોઈ પણ કોલેજમાં ક્યાંય દાખલ થઈ શકતો નથી, જેનાથી તેનું આખું વર્ષ બગડવાની અણી પર છે.
ખાડી દેશો માટે સીબીએસઈની શું હતી પોલિસી?
નોંધનીય છે કે ખાડી દેશોમાં યુદ્ધના કારણે જ્યારે પરીક્ષાઓ રદ્દ કરવી પડી, ત્યારે CBSE એ આ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ મૂલ્યાંકન નીતિ (Evaluation Policy) જાહેર કરી હતી. આ નીતિ હેઠળ, જે વિષયોની પરીક્ષા રદ્દ થઈ હતી તેના ગુણ વિદ્યાર્થીના આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાયેલી સેમેસ્ટર પરીક્ષાઓ અને પ્રી-બોર્ડ પરીક્ષાઓના પ્રદર્શનના આધારે આપવાના નક્કી થયા હતા. આમ છતાં પ્રાંશુ જેવા ઇમ્પ્રૂવમેન્ટ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવી દેવાતાં હવે સુપ્રીમ કોર્ટે બોર્ડની ઝાટકણી કાઢી છે.