BREAKING NEWS

સનરાઈઝ સ્ટીલના વેપારી સાથે આરપી સ્ટીલના બે શખ્શોની ૧.૫૧ કરોડની ઠગાઈ

  • March 13, 2026 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના પંચવટી મેઈન રોડ પર કસ્તુરી પ્રાઈડ બિલ્ડિંગમાં રહેતા અને સનરાઈઝ મલ્ટી સ્ટીલ નામની કંપની ધરાવતા વેપારી સાથે આર.પી. સ્ટીલ નામની પેઢી ધરાવતા બે વેપારીએ પ્રથમ માલ મંગાવી સમયસર પેમેન્ટ આપી વેપારીનો વિશ્વાસ કેળવી લીધા બાદ ૧.૫૧ કરોડનો માલ મંગાવ્યા પછી હાથ ઉંચા કરી લેતા બંને શખ્સોએ છેતરપિંડી કર્યાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ હતી.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના પંચવટી મેઇન રોડ પર રહેતા અને સનરાઈઝ મલ્ટી સ્ટીલ નામની કંપની ધરાવતા સંજયભાઈ વલ્લભભાઈ પાણ એ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સંજયભાઈએ જણાવ્યું છે કે તેની કંપનીમાં મહેન્દ્ર આરદેસણા અને તેનો નાનો ભાઈ અલ્પેશ ડિરેક્ટર છે. ૨૦૧૯માં કંપની શરૂ કરી હતી. ૨૦૨૧થી સ્ટીલનું ઉત્પાદન અને વેંચાણ શરૂ કર્યું હતું.


૨૦૨૫નાં માર્ચ મહિનામાં બંને આરોપીઓએ તેનો સંપર્ક કરી સ્ટીલ લેવાની વાત કરી હતી. જેથી બંને આરોપીઓને તેની કંપનીની ઈસ્કોન મોલમાં આવેલી ઓફીસે બોલાવ્યા હતા,તે વખતે આરોપીઓએ કહ્યું કે તેમની આર.પી. સ્ટીલ નામની પેઢીની ઓફીસ વાવડી રોડ પર છે.


હાલ તેમને માઇલ્ડ સ્ટીલ અને કાર્બન સ્ટીલનાં રાઉન્ડ બારની જરૂરીયાત છે,પરિણામે આરોપીઓની સાઈટ પર તપાસ કરતા સ્ટીલ પડ્યું હતું. જેથી વિશ્વાસ આવ્યો હતો, શરૂઆતમાં આરોપીઓએ સ્ટીલ લઈ તેનું સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ કેળવી લેતા તા.૩-૪-૨૦૨૫થી તા.૪-૧-૨૦૨૬ સુધી આરોપીઓને રૂા.૩.૭૪ કરોડનો માલ મોકલ્યો હતો. જેની સામે આરોપીઓએ રૂા.૧.૫૦ કરોડ અને આગળનાં બિલનાં રૂા.૭૨ હજાર મળી કુલ રૂા.૧.૫૧ કરોડ ઉપરાંત બીજી રકમ આપી હતી.


બાકી રહેતા રૂા.૧.૫૧ કરોડ અનેક વખત ઉઘરાણી કરવા છતાં આપતા ન હતા, એટલું જ નહીં પોતાનું પેમેન્ટ કોઈ જગ્યાએ સલવાઈ ગયાનું રટણ કરતા હતા,પેમેન્ટ માટે ઘણા વાયદા કર્યા હતા. આખરે તેના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા શંકા ગઈ હતી. જેથી ગત જાન્યુઆરી માસમાં આરોપીની સાઈટ પર જતા તે બંધ મળી હતી. ત્યાં કોઈ માલ પણ ન હતો,મિલ્કતનાં માલિક સંજયભાઈએ કહ્યું કે આરોપીઓએ આ જગ્યા ભાડે રાખી હતી. જે ખાલી કરી જતા રહ્યા હતા.


આ સ્થિતિમાં આરોપી રૂષીકેશનાં ગોંડલ રોડ પરના ગીતાનગર શેરી નં.૫માં આવેલા મકાને તપાસ કરતા કોઈ મળ્યું ન હતું. તેના વિશે બીજી કોઇ માહિતી પણ મળી ન હતી. વધુ તપાસ કરતા તેની જેમ અન્ય વેપારીઓ સાથે પણ ગોંડલ, શાપર અને અમદાવાદમાં માલ લઈ પૈસા નહીં આપ્યાની માહિતી મળી હતી. જેથી બંને આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News