કોરોનાથી ભયભીત મોટીબાણુંગારમાં લૉકડાઉનથી સૂમસામ

  • April 05, 2021 10:47 PM 

કોરોના પૉઝિટીવના બે ડઝનથી વધુ કેસ આવતાં શનિવાર રાતથી એક સપ્તાહનો સ્વૈચ્છિક બંધ: ગામમાં કોરોનાને લઈને ખૌફનો માહોલ

જામનગર-રાજકોટ હાઈ-વે ઉપર આવેલા નાના એવા મોટી બાણુંગાર ગામમાં તાજેતરમાં જ કોરોનાના બે ડઝનથી વધુ કેસ નોંધાતા ગ્રામજનો અને પંચાયતના સદસ્યો ચોંકી ઉઠ્યાં હતાં અને તાકિદની અસરથી કોરોનાનું સંક્રમણ આખા ગામમાંથી નેસ્તોનાબૂદ કરવા માટે તાકિદની બેઠક યોજી સ્વૈચ્છિક લૉકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેના પગલે શનિવારે રાત્રિના 8:00 વાગ્યાથી ગ્રામજનોએ સ્વૈચ્છિક બંધ પાળ્યું છે અને ગામમાં સૂમસામ ભાસી રહ્યો છે. અત્રે નોંધનિય છે કે, કોરોના પૉઝિટીવના બે ડઝનથી વધુ કેસ નાના એવા ગામમાં જાહેર થયાં બાદ વહિવટી તંત્ર કે આરોગ્ય તંત્ર તરફથી કોઈ વિશેષ મદદ મળી નથી, તમામ પગલાં ગ્રામજનોએ જાતે લીધાં છે અને પોતે તકેદારી રાખી રહ્યાં છે. જે લોકો પૉઝિટીવ આવી રહ્યાં છે એમને હોમ કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે.

જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં તાજેતરમાં જ એક સાથે બે ડઝન જેટલાં કોરોના પૉઝિટીવના કેસ પ્રકાશમાં આવતાં ગ્રામજનોની સાથે ગ્રામ પંચાયતના સદસ્યો પણ ચોંકી ઉઠ્યાં  હતાં. બીજી બાજુ આટલાં કેસ નોંધાયા પછી પણ વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં આવતાં ગ્રામપંચાયતના સદસ્યો દ્વારા ગામમાંથી સંક્રમણ નેસ્તોનાબૂદ કરવા માટે ગ્રામજનો સાથે એક તાકિદની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામને સ્વયંભૂ રીતે એક સપ્તાહ સુધી બંધ રાખી કોરોનાનું સંક્રમણ મિટાવવા માટે દવાનો છંટકાવ તથા સાફ-સફાઈ સહિતની બાબતો સ્વૈચ્છિક રીતે હાથ ધરવામાં આવી હતી.

મોટી બાણુંગાર ગ્રામ પંચાયતના સરપંચ કિરણબેન તથા સદસ્યો અને ગામના અગ્રણીઓ તથા આગેવાનો દ્વારા ગત્ શનિવારે રાત્રિના 8:00 વાગ્યાથી તા.10 સુધી સ્વૈચ્છિક લૉકડાઉનના લેવાયેલા નિર્ણયના પગલે શનિવાર રાત્રિથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શનિવારની રાત્રિથી જ સમગ્ર ગામમાં બહારગામથી આવતાં લોકો માટે નો એન્ટ્રી તેમજ સગા-સંબંધી કે ગ્રામજનો બહારગામથી આવે તો તેઓને ટેસ્ટ કરાવી ગામમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા તેમજ કોરોના હોય તો તે પરિવારને કોરેન્ટાઈન કરવાની નીતિ આરંભવામાં આવી છે.

મોટીબાણુંગાર ગામમાં જાહેર કરાયેલા લૉકડાઉનના પગલે દરેક ગ્રામજનોએ બંધ દરમિયાન ઘરમાં રાખવામાં આવતી જીવન જરિયાતની ચીજ વસ્તુઓ, શાકભાજી, રાસન, ઘઉંનો લોટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરી છે. ગ્રામ પંચાયતના આદેશ અનુસાર ગ્રામજનો લૉકડાઉનને સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છે. સમગ્ર ગામમાં ધોળા દિવસે પણ સૂમસામ શાંતિ અને જાહેર માર્ગો સૂના પડ્યાં છે. એક પણ વ્યક્તિની ગામમાં અવર-જવર કરવામાં નથી આવી રહી. કોઈપણ તાકિદના પગલાં કે સૂચના હોય તો ગ્રામપંચાયત દ્વારા તે અંગેની માહિતી આપવા માટે માઈકના માધ્યમથી ગ્રામજનોને જણાવવામાં આવી રહી છે.

મોટીબાણુંગાર ગામમાં સ્વૈચ્છિક લૉકડાઉન આરંભાયા બાદ બીજા દિવસે ગામમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોના કોરોના ટેસ્ટ તેમજ વૈક્સિનની પ્રક્રિયા અવિરત જારી રાખવામાં આવી છે. ગ્રામજનો પણ આ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ આપી રહ્યાં છે. બીજી બાજુ ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત પછી વહિવટી તંત્ર કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નહીં હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ગ્રામજનોની જાગ્રુતતાને સલામ: માઇકથી કોરોના પોઝીટીવ દર્દીનું નામ થાય છે જાહેર

મોટીબાણુંગારમાં સ્વૈચ્છિક લૉકડાઉન શ કરવામાં આવ્યા બાદ આજે ત્રીજા દિવસે ગ્રામજનોની કોઈપણ પ્રકારની મુશ્કેલી હોય કે ગ્રામજનો દ્વારા દાખવવામાં આવતી તાકિદ અંગે ગ્રામપંચાયત દ્વારા માઈકના માધ્યમથી દરેક પ્રકારની જાણકારી ગ્રામજનોને આપવામાં આવી રહી છે. ગામની તમામ બાબતોને આ માઈક દ્વારા દરરોજ સાંજના સમયે ગ્રામજનોને જણાવવામાં આવી રહી છે. સાથો-સાથ આરોગ્યલક્ષી બાબતોને પણ ગ્રામજનો સમક્ષ દશર્વિવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS