સબમરીનથી થશે ડુબેલી દ્વારકાના દર્શન

  • December 27, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મઝગાવ ડોક સાથે રાજય સરકારની સમજુતી: આગામી જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ સમીટમાં સતાવાર જાહેરાત થવાની શકયતા: શિવરાજપુર બીચનું સંચાલન પણ ખાનગી કંપનીને સોંપાશે

વર્ષો પહેલા દરિયામાં ડુબેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકાના દર્શન હવે થઇ શકશે તેવો પ્રયાસ રાજય સરકાર કરી રહી છે, અરબી સમુદ્રમાં યાત્રીક સબમરીન ચલાવવાની સરકારે તૈયારી દાખવી છે અને હવે દરિયામાં ૩૦૦ ફુટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે. જો કે આ અંગેની સતાવાર જાહેરાત આગામી જાન્યુઆરી ૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્ટ સમીટમાં કરવામાં આવશે તેઓ સંકેત પણ રાજયના કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ આપ્યો છે અને આ સમગ્ર યાત્રા માટે લોકો રોમાંચ અનુભવશે, મઝગાવ ડોક સાથે ગુજરાત સરકારે સમજુતી પણ કરી લીધી છે અને એક વખતમાં ૨૪ યાત્રી અને ૬ ક્રુ મેમ્બર સબમરીનમાં જઇ શકશે.
આગામી જાન્યુઆરી માસમાં સરકાર દ્વારા વાયબ્રન્ટ સમીટ યોજવામાં આવશે અને આ સમીટમાં રાજયમાં અનેકવિધ પ્રોજેકટોની જાહેરાત કરવામાં આવશે જેમાં શિવરાજપૂર બીચ કે જે દ્વારકા નજીક છે તેના સંચાલનની જવાદબારી ખાનગી કંપનીને સોંપવા સરકારે તૈયારી બતાવી છે, થાઇલેન્ડ અને ગોવા બીચની જેમ શિવરાજપુર બીચ હોટસ્પોટ બને તે માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. દરિયાકાંઠાનો વિકાસ, બીચ કીનારે વોક, સાયકલ ટ્રેક, વોટર સ્પોર્ટસ, કેમ્પીંગ સાઇટસ, વોટર ગેલેરી, ફુડ કોર્ટ, બુટીક અને બીચ કિનારે રિસોર્ટ તેમજ થીમ પાર્કનું પણ નિર્માણ થશે તેમ જણાય છે.
જે સબમરીનથી દ્વારકાના દર્શન થવાના છે તેનું વજન લગભગ ૩૫ ટન જેવું રહેશે અને ૨૪ પ્રવાસીઓ આરામથી મુસાફરી કરી શકે જેમાં બે પાયલોટ, બે ડ્રાઇવર, એક ગાઇડ અને એક ટેકનીશ્યન સાથે રહેશે, કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેકટને પહેલા પણ મંજુરી આપી દેવામાં આવી છે, દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને વિકસાવવા માટે સરકારે તૈયારી બતાવી છે, કાશી વિશ્ર્વનાથ, મહાકાલ, કેદારનાથ, સોમનાથ કોરીડોર અને દ્વારકા કોરીડોરને પણ વિકસાવવામાં આવશે.
આ ઉપરાંત બેટ દ્વારકામાં અરબી સમુદ્રમાં દેશના પ્રથમ મોટા કેબલ બ્રિજનું નિર્માણ થયું છે, જેનું ઉદઘાટન જાન્યુઆરી મહીનામાં થશે, આ સબમરીન માટે બેટદ્વારકાની પાસે એક જેટી પણ નિર્માણ પામશે, સબમરીનમાં એરક્ધડીશન, મેડીકલ કીટ, કુદરતી રોશનીની સુવિધા પણ રહેશે, યાત્રીકો પાણીના નીચેના વાતાવરણને જોઇ શકે તે માટે તૈયારી પણ કરાઇ છે, ઉપરાંત દુરસંચાર વ્યવસ્થા, વીડીયો કોન્ફરન્શની વ્યવસ્થા અને સબમરીનમાં બેસીને સ્ક્રીન પર દરિયાઇ હલચલ જોઇ શકાશે.
સબમરીનમાં લગભગ બે થી અઢી કલાક યાત્રા કરાવવામાં આવશે જો કે તેની ટીકીટ મોંઘી હોવાનું જાણવા મળે છે, જો કે આ ટીકીટમાં રાજય સરકાર સબસીડી જાહેર કરે તેવી શકયતા છે.
***
યાત્રીઓની સુરક્ષાઓનું ઘ્યાન રખાશે
સબમરીનમાં બેસેલા યાત્રીકોને પુરતા પ્રમાણમાં ઓકસીજન મળે તે માટે ઓકસીજન માસ્ક, સ્કુબા ડ્રેસ એજન્સી દ્વારા જ આપવામાં આવશે, યાત્રીકોને કોઇપણ જાતની મુશ્કેલી ન પડે તેનું ખાસ ઘ્યાન રખાશે, સબમરીનમાં બેસેલા ૨૪ પ્રવાસીઓનું સતત ઘ્યાન રખાશે, એટલું જ નહીં સબમરીનમાં એક ગાઇડ અને એક ટેકનીશ્યન પણ રહેશે, જો કે સબમરીનનું વજન ૩૫ ટન હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application