BREAKING NEWS

જામનગર : રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ નવું રૂપ કયારે ધારણ કરશે ?

  • December 10, 2025 01:07 PM 

જામનગર શહેરની મઘ્યમાં આવેલ સુભાષ શાકમાર્કેટ જર્જરીત અવસ્થામાં હતી તેને કારણે કોર્પોરેશને આ માર્કેટને નવી બનાવવાની કાર્યવાહી હાથમાં લીધી, જો કે બે-ત્રણ બજેટથી અમો સુભાષ શાક માર્કેટ નવી બનાવીશું તેવા શાસકોએ ગાણા ગાયા પરંતુ કોઇ ખાસ નીતિ ન હોવાના કારણે હજુ સુધી નવી શાકમાર્કેટ બનાવવાની શરૂઆત થઇ નથી, થોડા સમય પહેલા થોડુ બાંધકામ તોડી પડાયું અને માર્કેટને સીલ કરી દેવાઇ, પરંતુ ત્યારબાદ ટેન્ડરીંગ પ્રક્રિયામાં આટલો બધો વિલંબ શા માટે ? જાણકારોના જણાવ્યા મુજબ અત્યારે ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ નવાઇની વાત તો એ છે કે, સુભાષ શાક માર્કેટ કેવી બનશે તેનો આખરી ચીતાર હજુ સુધી નકકી થયો નથી. ગરીબ ગાલાધારકોને હટાવી દઇને માર્કેટ બંધ કરી દીધી છે તો પછી શા માટે આ પ્રોજેકટ ઉપર ઘ્યાન આપવામાં આવતું નથી ? તેવો પ્રશ્ર્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે. 


ભૂતકાળમાં રાજાશાહી વખતમાં સુભાષ શાક માર્કેટનું નિર્માણ થયું હતું, શહેરની મઘ્યમાં આ માર્કેટ બનાવી હોવાથી લોકો તેનો લાભ પણ લેતા હતાં, સમયાંતરે આ માર્કેટ ખસેડવા માટે પણ ચર્ચા-વિચારણા અને મીટીંગો થઇ હતી, એક સમય તો એવો આવ્યો હતો કે, સુભાષ શાક માર્કેટને જામનગર શહેરની બહાર ખસેડવી જોઇએ તેવો કેટલાકનો મત હતો, પરંતુ આ કાર્યવાહી અભેરાઇએ ચડાવી દેવામાં આવી હતી. 


શાસકો જયારે નવા વર્ષનું બજેટ બનાવે છે ત્યારે મસમોટી જાહેરાતો કરે છે, દા.ત. સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચારેક વર્ષ સુધી હેડ કવાર્ટર પાસેની જમીનમાં બનશે તેવી વાત વહેતી કરી અને આખરે હોટલ વિશાલ પાસે આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું નકકી થયું, એવી જ રીતે સુભાષ શાક માર્કેટની એવી સ્થિતિ હતી કે, જર્જરીત છે તેથી આ માર્કેટને ડીમોલીશ કરવાની કાર્યવાહી શા માટે ઝડપી બનાવવામાં આવી નથી. 


કોર્પોરેશનના વર્તુળો જણાવે છે કે, સુભાષ શાકમાર્કેટને ડીમોલીશ કરવા માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલી રહી છે અને આ પ્રક્રિયા પુરી થયા બાદ આખી માર્કેટને તોડી પાડવામાં આવશે અને ત્યારબાદ નવી માર્કેટ બનાવવાની કામગીરી શરૂ થશે.


થોડા સમય પહેલા સુભાષ શાક માર્કેટ પણ મ્યુ.કમિશ્નર અને પદાધિકારીઓને આવેદનપત્ર આપીને તાત્કાલીક સુભાષ શાક માર્કેટ બનાવવાની કામગીરી શરૂ કરવા રજૂઆત કરી હતી, એમાં એવી પણ રજૂઆત હતી કે, હાલમાં જે ગાલાધારકો પાસે ગાલો હતો તેમને ફરીથી આ નવી માર્કેટ બને ત્યારે શાક માર્કેટનો ગાલો ફાળવવો. હાપા માર્કેટીંગ યાર્ડમાં હરરાજીની કામગીરી તો થાય છે, ખેડુતોને વધુ નુકશાન થાય છે, કારણ કે હાપા માર્કેટીંગ યાર્ડના જરૂરી શાકના ઉચ્ચા ભાવ મળતા નથી, પરંતુ ત્યાંથી શાકમાર્કેટ શાક આવે અને ત્યારબાદ રેકડીધારકો અને દુકાનધારકો શાક વેંચે, એટલે કે દા.ત.૧૦ રૂપિયાના રીંગણા દલાલો અને અન્ય કમીશન વટાવતા રીંગણા રૂ.૪૦માં મળતા હોય છે, એટલે કે ગ્રાહકોને સીધો ફાયદો નથી ત્યારે હવે તાત્કાલીક ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને આ કામગીરી ઝડપી કરવી જોઇએ. 

​​​​​​​


સુભાષ શાક માર્કેટ નવી બનશે તો પણ ટ્રાફિક સમસ્યા નહીં ઘટે

જામનગર શહેરની મઘ્યમાં વર્ષોથી રાજાશાહી વખતથી સુભાષ શાક માર્કેટ આવેલી છે, હવે એ જર્જરીત થતાં નવી શાકમાર્કેટ બનાવવાની કાર્યવાહી કાચબાની ગતિએ ચાલી રહી છે, ત્યારે જો નવી શાક માર્કેટ આ જગ્યા ઉપર બને તો સવારે જે ટ્રાફિક સમસ્યા થાય છે તેનો કોઇ ઉકેલ આવશે નહીં એ પણ હકીકત છે. કેટલાક લોકો અને રાજકીય અગ્રણીઓ સુભાષ શાક માર્કેટનું સ્થળ બદલવા માંગણી કરે છે કે જેથી અવારનવાર ઉદભવતી ટ્રાફિક સમસ્યા દુર થઇ શકે, પરંતુ આ અંગે સતાધીશોએ યોગ્ય ઉકેલ લાવવો જોઇએ. 


ટેન્ડર પ્રક્રિયા ઝડપી બનાવીને સુભાષ શાક માર્કેટ બનાવવાની કામગીરી શરૂ કરવી જોઇએ

કેટલાય વર્ષોથી સુભાષ શાક માર્કેટ તોડીને નવી બનાવીશું તેવા અભય વચનો શાસક પક્ષના પદાધિકારીઓ આપી રહ્યા છે, બજેટમાં પણ આની વિધીસર જાહેરાત થઇ ચૂકી છે, પરંતુ હજુ સુધી જુની શાક માર્કેટ તોડવામાં આવી નથી, એવી વાત બહાર આવી છે કે, હાલમાં ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યારબાદ તોડપાડની કામગીરી કરાશે, પરંતુ આ નવી શાક માર્કેટમાં કેટલા ગાલા રહેશે ? કઇ પ્રકારની વ્યવસ્થા હશે તે અંગે કોર્પોરેશન દ્વારા કોઇપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. ​​​​​​​


સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં ગંદકીથી રહેવાસીઓ તોબા-તોબા

સુભાષ શાકમાર્કેટ પાસે સવારે ૫ વાગ્યાથી શાકની લે-વેચ શરૂ થઇ જાય છે, મોટે-મોટેથી લોકો બરાડા પણ પાડતા હોય છે, આજુબાજુના લોકો ખુબ જ કંટાળી ગયા છે, ખરાબ શાક અને વધેલો કચરો સુભાષ શાક માર્કેટ પાસે ઠાલવવામાં આવે છે, એટલે અતિ દુર્ગંધ પણ આવે છે, શહેરની વચ્ચોવચ્ચ આ પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવામાં જામ્યુકોનું તંત્ર નિષ્ફળ ગયું છે તે હકીકત છે, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઇએ. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application