રાજકોટ માર્કેટ યાર્ડમાં છઠ્ઠા દિવસે હડતાલ; રોજનું રૂપિયા 100 કરોડનું ટર્ન ઓવર ઠપ્પ

  • May 12, 2025 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે સતત છઠ્ઠા દિવસે કમિશન એજન્ટ્સની હડતાલ યથાવત રહેતા હરાજી સહિતના કામકાજ ઠપ્પ રહ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં ફૂલેકું ફેરવીને ફરાર થયેલા ઢોલરીયા બંધુ પાસેથી પૈસા પરત ન મળે ત્યાં સુધી યાર્ડમાં હડતાલ યથાવત રાખીને હરરાજી નહીં થવા દેવા કમિશન એજન્ટ્સ મક્કમ છે. હાલ સીઝનમાં પ્રતિ દિવસનું રૂ.૧૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા છ દિવસમાં કુલ ૬૦૦ કરોડનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે. દરમિયાન આજે નિર્ણાયક બેઠક મળનાર છે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે, આજે સતત છઠ્ઠા દિવસે કમિશન એજન્ટ્સની હડતાલ યથાવત રહી છે જેના કારણે આજે પણ હરાજી નહીં થતા વેપાર ધંધા બંધ રહ્યા હતા. ખેડૂતો કમિશન એજન્ટ્સ મારફતે જ યાર્ડ સુધી આવતા હોય જ્યાં સુધી કમિશન એજન્ટ્સ ખેડૂતોને ન બોલાવે ત્યાં સુધી કામકાજ શરૂ થાય તેવા સંજોગો જણાતા નથી. આજે કમિશન એજન્ટ્સની મિટિંગ મળનારી છે તેમાં થનારા નિર્ણય ઉપરથી આવતીકાલે યાર્ડમાં હરાજી થશે કે નહીં તે નક્કી થશે.

અત્રે ઉલ્લેખનીય ઢોલરીયા બંધુ પાસે અનેક કમિશન એજન્ટ્સના નાણાં ફસાયા હોય અને કુલ રૂ.૧૭.૧૯ કરોડ જેવી માતબર રકમ લેણી થતી હોય આ મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર સમક્ષ રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવ્યા બાદ ઢોલરીયા બંધુ પોલીસના સકંજામાં તો આવી ગયા છે પરંતુ કમિશન એજન્ટ્સને તેમની લેણી રકમ હજુ સુધી સુધી પરત મળી ન હોય યાર્ડમાં હડતાલ યથાવત રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application