ભીડ એકત્ર થતી હોય તેવી રેસ્ટોરન્ટ, દુકાન કે સ્ટોરને સીલ કરવા કડક આદેશ

  • November 21, 2020 12:23 PM 616 views

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કરફ્યુ નથી છતાં કરફ્યુ જેવા આદેશ કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે દુકાનો કે સ્ટોર પર ભીડ એકત્ર થતી હોય તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેર બહારના કુડાસણ, સરગાસણ અને રાયસણ વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોને આચારસંહિતાના ભંગ બદલ સીલ મારી દેવામાં આવ્યા છે.
દિવાળીના તહેવારો દરમ્યાન કોરોના જાણે કે જતો રહ્યો હોય તેમ સરકારી તંત્રએ છૂટછાટ વધારી દીધી હતી પરંતુ હવે કોરોના પોઝિટીવના કેસો વધતાં ફરીથી નિયંત્રણો લાદી દીધાં છે. જિલ્લાના કોવિડ પ્રભારી અધિકારીએ જિલ્લા કલેક્ટર અને સબંધિત વિભાગો સાથે બેઠક કરીને ભીડ  ભેગી થતી હોય તેવી દુકાનો, રેસ્ટોરન્ટ અને સ્ટોરને સીલ મારવાની કાર્યવાહીનો આદેશ કર્યો છે.
એસજી હાઇવે, કુડાસણ, સરગાસણ સહિત ન્યુ ગાંધીનગર વિસ્તારની હોટલ-દુકાનોમાં કોવિડના નિયમોનો ભંગ થતો હોઇ જિલ્લા પ્રભારી અધિકારીએ કલેક્ટરને ઠપકો આપ્યો હતો. આ ઉપરાંત માસ નહીં પહેરનાર બેજવાબદાર સામે પણ દંડાત્મક પગલાં ભરવા માટે પોલીસ તંત્રને ખાસ ઝુંબેશ શરૂ કરવા સુચના આપવામાં આવી છે.
અમદાવાદમાં વધી રહેલા સંક્રમણને પગલે રાત્રી કરફ્યું તેમજ ભીડ ભેગી થતી હોય તેવી દુકાનો, શો રૂમ, હોટલ, રેસ્ટોરન્ટ સીલ કરવાના પગલાં ભરવામાં આવ્યા બાદ હવે ગાંધીનગરમાં કોવિડના નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. સોશ્યલ ડિસ્ટન્સીંગ અને ફરજીયાત માસ્કના નિયમોનું પાલન થતું ન હોય તેવા એકમો સીલ કરવા સુધીના પગલાં ભરવા માટે પ્રભારી અધિકારીએ જિલ્લા કલેક્ટરને આદેશ કર્યો છે.


કોવિડના પ્રભારી અધિકારી દ્વારા આપવામાં આવેલી સુચના બાદ પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને જાહેર સ્થળોએ માસ્ક વગર ફરતાં તેમજ સોશ્યલ ડીસ્ટેન્સીંગ નહીં જાળવી જાહેરનામાંનો ભંગ કરનાર બેજવાબદારોને પોલીસે દંડ ફટકારવાની કામગીરી શરૂ કરી છે. આ ડ્રાઇવને કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં કરફ્યુનો અમલ છે તેવો અમલ ગાંધીનગરમાં શરૂ થયો છે. પોલીસ અધિકારીએ કહ્યું છે કે લારી-ગલ્લા ધારકો અને દુકાન-હોટલના માલિકો નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફરીથી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો


ગાંધીનગર શહેરી વિસ્તારમાં વધતાં જતાં કોરોનાના સંક્રમણને પગલે કોર્પોરેશન સાબદુ થયું છે. આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સંબંધિત તંત્રને સુચનાઓ આપી દેવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારમાં રહેતા નાગરિકોને કોવિડને લગતી વિગતવાર માહિતી મળી રહે તે હેતુથી ગાંધીનગર મહાપાલિકા ખાતે હેલ્પલાઇન નંબર ૮૧૪૧૮ ૦૦૭૫૧ ચાલુ કરવામાં આવ્યો છે. જેના પરથી કોરોનાને લગતી તમામ માહિતી જેવી કે ટેસ્ટ સેન્ટર, સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડની સંખ્યા, હોમ આઇસોલેશન દરમિયાન રાખવાની કાળજી જેવી માહિતી જાહેર જનતા ફોન, એસએસએમ અથવા વીડીયો કોલથી મેળવી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application