ખંભાળિયાના નિંભર નગરપાલિકા તંત્રને આકરો ડોઝ: કર્મચારીઓને દોડતા કરાયા

  • March 20, 2021 09:50 AM 

અનેક બાબતે ગેરરીતિની બુ: કર્મચારીઓમાં દોડધામ

ખંભાળિયા નગરપાલિકાનું તંત્ર ગેરવહીવટ તથા ભ્રષ્ટાચારના મુદ્દે અગાઉ અવારનવાર વિવાદ સાથે ચર્ચામાં બની રહ્યું હતું. પાલિકામાં લોકોના ટલ્લે ચડતા કામો તથા વિકાસ કાર્યોમાં નિરસતા તેમજ કર્મચારીઓમાં નિષ્ઠાના અભાવ નગરજનોની ઊડીને આંખે વળગતા હતા. ત્યારે ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટાયેલા કેટલાક તરવરિયા અને નિષ્ઠાવાન સભ્યોએ નગરપાલિકાનું ગોબરું બની ગયેલું તંત્ર સુધારવાની કવાયત હાથ છે.

ખંભાળિયા નગરપાલિકાનું જેસીબી મશીન કોઈ ચોક્કસ કારણોસર છેલ્લા ઘણા સમયથી બીમાર હતું. પરંતુ નવનિયુક્ત સભ્ય દ્વારા ચોક્કસ પ્રકારની કાર્યવાહી તથા આડકતરી ચિમકીથી બંધ પડેલું આ મશીન એકએક સજીવન થઈ ગયું હોય તેમ કામ કરવા પુનઃ મેદાનમાં આવી ગયું હતું.!!!

આટલું જ નહીં, ગંદકી પર કાબુ મેળવવા નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ સામાન્ય મુદ્દે તથા કર્મચારીઓની નિષ્ઠાના અભાવે બંધ રહેતા આ અંગે સભ્ય દ્વારા ઇન્ચાર્જ ચીફ ઓફિસરને જાણ કરાતા આ બંધ રહેલા કેમેરા એક-બે દિવસમાં કાર્યરત કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.

શહેરમાં ત્રાસરૂપ મચ્છરોના ઉપદ્રવ સામે દવાનો છંટકાવ, કચરાના નિકાલ વિગેરે બાબતને પ્રાધાન્ય આપવા સહિતના મુદ્દે સભ્યોની જાગૃતિ હાલ લોકોને ઉડીને આંખે વળગે તેવી બની રહી છે. આ સાથે ભ્રષ્ટાચારથી ખદબદતી ખંભાળિયા નગરપાલિકામાં વિકાસ કાર્યો હવે વેગ પકડશે તેવું ચિત્ર હાલ ખડું થયું છે.

વિવિધ પ્રકારની 'બિમારીઓ' ધરાવતી ખંભાળિયા નગરપાલિકાને ચોક્કસ પ્રકારની 'સારવાર'ના આકરા ડોઝ હાલ અનિવાર્ય બની રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS