જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવા માટે મહાનગર પાલિકા નહીં એસ્ટેટ શાખા દ્વારા પ્રતિદિન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરના ખાસ કરીને વોર્ડ નંબર -૫ સહિતના વિસ્તારો તથા અન્ય મુખ્ય માર્ગો પર અવિરત દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી રેકડી પાથરણાવાળાઓને દૂર કરાવવામાં આવી રહ્યા છે, અન્યથા તેઓના માલ સામાન જપ્ત કરવામાં આવી રહ્યા છે. જેનો આજે સ્ટ્રીટ વેન્ડરોએ વિરોધ દર્શાવ્યો હતો અને મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પહોંચ્યા હતાં, જ્યાં ડીએમસીને આવેદનપત્ર પાઠવી આ કનડગત અટકશે નહીં, તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા રહેવાના કારણે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દબાણ હટાવ ઝુંબેશ ધરી રહી છે અને કેટલાક રેકડી પાથરણાં વાળાઓના માલ સામાન પણ જપ્ત કરી લેવામાં આવે છે, જેમાં સ્ટાફ દ્વારા સ્ટ્રીટ વેન્ડર સાથે દૂર વ્યવહાર કરવામાં આવે છે, તેવા આક્ષેપ સાથે સ્ટ્રીટ વેન્ડરો રેલી સ્વરૂપે મનપાની કચેરીએ પહોંચ્યા હતાં અને ડીએમસીને આવેદનપત્ર આપી તમામને શાંતિથી ધંધો કરવા દે અને જે લોકો ટ્રાફિકને અડચણ રૂપ નથી અને વર્ષોથી વ્યવસાય કરી રહ્યા છે, તેવા લોકોને ધંધો કરવા દેવામાં આવે, તેવી માંગણી કરવામાં આવી હતી.
તંત્રની આ કાર્યવાહી અવીરત ચાલુ રહેશે, અને રેકડી પથારાના ધંધાર્થીઓને કામ ધંધો નહીં મળે, તો રોજગારીનો મોટો પ્રશ્ન બની રહેશે અને અનેક પરિવારને આજીવિકા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, તેમ જણાવી સ્ટ્રીટ વેન્ડરોના હિતમાં નિર્ણય કરવા માંગણી કરવામાં આવી છે.