દેવભૂમિ દ્વારકામાં મંદિર સુરક્ષા અર્થે પોલીસ કચેરીને ખુલ્લી મુકતા રાજ્યના પોલીસ વડા

  • September 04, 2021 10:53 AM 

દ્વારકા મંદિરની સુરક્ષા સાથે શિવરાજપુર બીચની સુરક્ષાને પણ પ્રાધાન્ય અપાસે: આશિષ ભાટિયા

વિશ્વ વિખ્યાત દ્વારકાધીશ મંદિરની સુરક્ષા અર્થે રાજ્યના પોલીસ વડા દ્વારા મંદીર નજીક શુક્રવારે ડીવાયએસપી કચેરીને ખુલ્લી મુકવામાં આવી હતી. દ્વારકાધિશ મંદિર પાસે ધીરુભાઈ અંબાણી માર્ગ પર સ્થિત મંદિર સુરક્ષા કચેરીના સંકુલમાં પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને મંદિર સુરક્ષા અર્થે વિવિધ પ્રકારની સુવિધાઓ સજ્જ કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દ્વારકાધીશ મંદિર માટે ડીવાયએસપી કચેરીને ગઇકાલે શુક્રવારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે પશ્ચિમના છેવાડાના વિસ્તાર એવા દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિર ઉપરાંત હાલ વિશ્વના નકશા ઉપર અલગ પ્રતિભા સાથે ઉભરી આવેલા શિવરાજપુર બિચ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેથી અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે પ્રવાસીઓ પણ ખાસ મુલાકાત લ્યે છે. મંદિર સાથે શિવરાજપુર બીચની સુરક્ષાને પ્રાધાન્ય આપવા સાથે અહીંની પોલીસ કચેરીને ખાસ કરીને લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

આ લોકાર્પણ પ્રસંગે રાજકોટ રેન્જના ડીઆઇજી સંદિપકુમાર  તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી સાથે જોડાયા હતા જેમનું હોટેલ એસોસિએશન નિર્મલભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, વિગેરે દ્વારા ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

નવનિર્મિત આ પોલીસ કચેરી કે જેની મુખ્ય જવાબદારી ડીવાયએસપી સમીર સારડાને સોંપવામાં આવી છે, આ લોકાર્પણ દરમ્યાન તેમની સાથે ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, નીલમબેન ગોસ્વામી તથા સ્થાનિક પી.આઈ. પી.બી. ગઢવી અને બી.એચ. ટાટમીયાએ પણ જોડાઈ અને રાજ્ય પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર સુરક્ષા કચેરીને શાસ્ત્રોક્ત વિધિથી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મ સમાજની ઉપસ્થિતિમાં લોકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી પી.આઈ., પી.એસ.આઈ સહિતના સ્ટાફની અલગ અલગ ઓફિસ વિગેરેની સુવિધાઓ પ્રાપ્ય બની રહેશે.

આ કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ગઈકાલે દ્વારકાના સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્રના રેન્જ આઈ.જી. સંદીપસિંહ, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર એમ.એન. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા વિગેરે સાથે પણ કાયદો અને વ્યવસ્થાને લગતી અલગ-અલગ બેઠક યોજી હતી. એટલું જ નહીં, દ્વારકાધીશ મંદિર પરિસરની ખાસ મુલાકાત લઈને તેમણે જાત નિરીક્ષણ પણ કર્યું હતું.

જન્માષ્ટમી ઉત્સવની સરાહના કરતા પોલીસ વડા આશિષ ભાટિયા

જન્માષ્ટમી પર્વ નિમિત્તે તાજેતરમાં દ્વારકાધીશ મંદિર ખાતે દર્શનની નમૂનેદાર વ્યવસ્થા તથા સુરક્ષા અંગેની તમામ કામગીરીની રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ સરાહના કરી, આ તમામ કામગીરી બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા મંદિર વ્યવસ્થાના ડી.વાય.એસ.પી. સમીર સારડાને અભિનંદન આપી, અને શુભેચ્છાઓ પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS