ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તારીખ 26થી શરૂ થવાની છે. હવે માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી પરીક્ષાની તૈયારીઓ ગઈકાલે રવિવારે રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. ધોરણ 10 ના પ્રશ્નપત્રો ગયા સપ્તાહે રાજકોટ આવી પહોંચ્યા પછી આજે તે સૌરાષ્ટ્રના જુદા જુદા ઝોનમાં મોકલવામાં આવ્યા હતા. ધોરણ 10 માં સૌરાષ્ટ્રના કુલ 2,52,092 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
પેપર વિતરણની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ ગઈકાલે 18 પૈકી સોળ ઝોનમાં જીપીએસથી સજ્જ એસટી બસમાં પોલીસ અને બોર્ડના અધિકારીઓની હાજરીમાં જે તે ઝોનમાં પેપર મોકલી દેવાયા હતા. આજે સવારે જામનગર અને રાજકોટ ઝોનમાં પેપર મોકલી દેવાયા છે અને તે સાથે ધોરણ 10 ના પેપર તમામ ઝોનમાં મોકલવાની કામગીરી પૂરી થઈ ગઈ છે.
પેપર લીક ન થાય તે માટે એસટી બસમાં જીપીએસસી સિસ્ટમ લગાવવામાં આવી છે અને તેનું મોનિટરિંગ સીધું ગાંધીનગર થી થઈ રહ્યું છે. આ ઉપરાંત એસટી બસમાં પોલીસ અને બોર્ડના અધિકારીઓને પણ બેસાડી દેવાયા હતા. પેપર જે તે ઝોનમાં પહોંચી ગયા પછી ત્યાં કંટ્રોલરૂમમાં રાખી દેવાયા છે અને આવા કંટ્રોલ રૂમની આસપાસ રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ધોરણ 12 ના પેપરો આજ સાંજ સુધીમાં આવી જશે અને તેનું પણ વિતરણ એકાદ દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ આવતીકાલથી રાજ્ય કક્ષાનો કંટ્રોલરૂમ ગાંધીનગર ખાતે શરૂ થઈ જશે અને ત્યાર પછી બુધવારથી જિલ્લા કક્ષાના તમામ કંટ્રોલ રૂમ ચાલુ થઈ જશે.
પરીક્ષાઓ હજુ ચાલુ થઈ નથી ત્યાં પેપર ચકાસણી માટેની વ્યવસ્થા પણ બોર્ડ દ્વારા ગોઠવી દેવામાં આવી છે. અધિકારી વર્તુળોના જણાવ્યા મુજબ કુલ 458 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને તેમાં 73,000 જેટલા શિક્ષકોને પેપર ચકાસણી માટેના ઓર્ડર અત્યારથી ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષાની વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ડાઉનલોડ કરતાની સાથે જ શિક્ષકોના ઓર્ડર પણ ડાઉનલોડ કરી રહ્યા છે અને સમગ્ર વ્યવસ્થામાં મોટાભાગે ઓનલાઇન સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.