ભાગીદારીમાં કંપની શરૂ કરી જમાઈનો સસરાના 85.59 લાખ પચાવવા પ્રયાસ

  • February 27, 2025 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
માણાવદરમાં રહેતા વેપારી વૃદ્ધે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધોરાજીમાં રહેતા પોતાના પૂર્વ જમાઈ અને રાજકોટમાં મવડી કણકોટ રોડ પર રહેતા શખ્સ વિરુદ્ધ છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધે જમાઈ સહિત બે શખસો સાથે ભાગીદારીમાં રાજકોટમાં કંપની શરૂ કરી હતી. બાદમાં બેંકે લોનની વસુલાત માટે કંપનીની મિલકત વેચી બાકીની રકમ કંપનીના ખાતામાં જમા કરી હતી. દરમિયાન જમાઈ અને અન્ય આરોપીએ મળી વૃદ્ધની ખોટી સહીવાળું તેમનું રાજીનામું તૈયાર કરી કંપનીના ડિરેક્ટર તરીકે જમાઈએ આરાધનામું મંજૂર કર્યું હતું. આમ કંપનીના બેન્ક એકાઉન્ટમાં રહેલા વૃદ્ધના રૂપિયા 85.59 લાખ પચાવવાનો પ્રયાસ કર્યો હતો જે અંગે વૃદ્ધે આ ફરિયાદ નોંધાવી છે.


છેતરપિંડી-વિશ્વાસઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, માણાવદરમાં આનંદ પાર્ક બસ સ્ટેન્ડ પાછળ એસબીઆઈ કોલોનીમાં રહેતા પોપટલાલ રણછોડભાઈ પટેલ (ઉ.વ 71) નામના વૃદ્ધે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પૂર્વ જમાઈ અરવિંદ નરશીભાઈ સોજીત્રા(રહે. ચિસ્તીયા મુસ્લિમ કોલોની પાછળ, સ્ટેશન પ્લોટ, ધોરાજી) અને બીપીન મોહનભાઈ માવાણી (રહે. ક્રિસ્ટલ હેવન, મવડી-કણકોટ રોડ, રાજકોટ) ના નામ આપ્યા છે.


વૃદ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ માણાવદરમાં મીતડી રોડ પર કુલદીપ જીનીંગના પ્રોપરાઇટર તરીકે કપાસ ખરીદ વેચાણનો વેપાર કરે છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમની દીકરી ઝૂલીના લગ્ન આરોપી અરવિંદ સોજીત્રા સાથે ૪/૫/૨૦૦૧ ના થયા હતા ત્યારબાદ તારીખ 3/8/2020 ના બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા.


દીકરીના લગ્ન થયા બાદ અગાઉ જમાઈ અરવિંદ અને તેમની દીકરી અમદાવાદ રહેતા હતા બાદમાં રાજકોટમાં રહેવા આવી ગયા હતા. અરવિંદને જુનો પ્રિન્ટ પ્રોસેસિંગનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ તે બંધ થઈ જતા જમાઈને ધંધામાં આગળ લાવવા માટે ફરિયાદીએ અરવિંદ અને અન્ય આરોપી બીપીન એમ ત્રણેય સાથે મળી ઇ- સ્ક્રીન ઇમ્પ્રેશન નામની કંપની 16/7/2014 ના શરૂ કરી હતી. જેમાં ફરિયાદી તથા બંને આરોપીઓ ડિરેક્ટર તરીકે હોય ફરિયાદીનો 33.33 ટકા,અરવીંદનો 33.33 ટકા તથા બીપીન 33.34 ટકા હિસ્સો હતો. ફરિયાદીએ કંપનીમાં કટકે કટકે કુલ 43.59 લાખનું રોકાણ કર્યું હતું.


અરવિંદ અને બિપિન ધંધો યોગ્ય રીતે સંભાળી ન શકતા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ગોંડલ શાખા 29/2/2024 ના લોનની વસુલાત માટે મોર્ગેજ કરેલ મિલકતની હરાજી કરી વસુલાત કરી હતી. જે વસુલાત બાદ વધતી રકમ કંપનીના ખાતામાં જમા કરી હતી. જે બાબતે ફરિયાદી અને ગોંડલ માં આવેલી બેંકની બ્રાન્ચે જતા બેંક મેનેજર દ્વારા ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું કે, લોનની વસુલાત કર્યા બાદ વધતી રકમ રૂપિયા 75 લાખ એસબીઆઇની મેઇન બ્રાન્ચમાં જમા પડી છે. સાથોસાથ મેનેજરે એમ પણ કહ્યું હતું કે, ઇ- સ્ક્રીન ઇમ્પ્રેશન કંપનીના અન્ય ડિરેક્ટરો અહીં આવ્યા હતા ત્યારે તમે કંપનીમાંથી ડિરેક્ટરપદેથી રાજીનામું આપી દીધું છે તેવી વાત કરી હતી.


જેથી ફરિયાદી આ બાબતે તેમના વકીલનો સંપર્ક સાધી બેંકને લીગલ નોટિસ મોકલી માહિતી માંગતા માલુમ પડ્યું હતું કે, તેમના નામનું રાજીનામું તૈયાર કરાયું હતું. જેમાં ડિરેક્ટર તરીકે રહેલા તેમના જમાઈએ જ આ રાજીનામું મંજૂર પણ કરી નાખી તેમને કંપનીમાંથી દૂર કરી કંપનીમાં પાસેથી તેમની લેણી નીકળતી રકમ રૂ.35 લાખ તથા વ્યક્તિગત રીતે આપેલ રૂપિયા 7 લાખ તેમજ કંપનીમાં કરેલ રોકાણ મળી કુલ રૂપિયા 85.59 લાખ પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે આ અંગે જમાઈ સહિત બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


સસરા સાથે ઠગાઇ કરનાર અરવિંદ સામે આર્મ્સ એકટ સહિતના બે ગુના

સસરા સાથે છેતરપિંડી કરનાર અરવિંદ સામે વર્ષ ૨૦૧૪ માં આર્મ્સ એકટનો ગુનો નોંધાયો હતો.તેમજ થોડા વર્ષ પૂર્વે રાજકોટના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાઇ ચૂકયો છે.ફરિયાદીએ વૃધ્ધે જણાવ્યું હતું કે તેમના જમાઇને દારૂ પીવાની કુટેવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application