સુરેન્દ્રનગરના પાટડીમાં પિતા ઉપર પુત્રનો છરી વડે હુમલો

  • March 05, 2021 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના નવરંગપુરા ગામે પિતાથી અલગ રહેતી માતા સાથે આવેલા પુત્રએ મિલ્કતમાં ભાગ લેવા બાબતે પિતાના ઘેર આવી હુમલો કર્યો હતો અને આક્રોશમાં આવીને છરી વડે પિતા પર ઘાતક હુમલો કરતા પિતા ગંભીર રીતે ઘાયલ થયા છે.


પિતા-પુત્રના લોહીના સંબંધને લજવતા આ ચકચારીભર્યા કેસની પ્રાપ્ત વિગતોનુસાર વિષ્ણુભાઇ ભગવાનભાઇ જોટાણીયા ( ૪૮ વર્ષ ) પોતાના માતા-પિતા સાથે રહી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિષ્ણુભાઇ જોટાણીયાના પત્નિ રેખાબેન સાથે એમને બનતું ન હોવાથી તેઓ એમના પુત્ર અક્ષય વિષ્ણુભાઇ જોટાણીયા સાથે અલગ રહે છે. વિષ્ણુભાઇ જોટાણીયા ખેતીકામ અર્થે ખેતરમાં ગયા હતા. ત્યારે એમની પત્નિ રેખાબેન જોટાણીયા અને પુત્ર અક્ષય જોટાણીયા એમના નવરંગપુરાના ઘેર આવી વિષ્ણુભાઇના માતા-પિતા સાથે મિલ્કત વારસાઇમાં ભાગ લેવા બાબતે ઉગ્ર બોલાચાલી કરતા હતા. જે અંગેની ખેતરે જાણ થતા વિષ્ણુભાઇ જોટાણીયા તાકીદે ઘેર આવ્યા હતા. નવરંગપુરા ઘેર આવ્યા બાદ અક્ષય જોટાણીયા અને તેના માતા રેખાબેન જોટાણીયાએ વિષ્ણુભાઇ સાથે ઉગ્ર બોલાચાલી કરી મિલ્કતમાં ખોટી રીતે ભાગ માંગણી કરતા વિષ્ણુભાઇએ કોઇપણ જાતનો ભાગ આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાયેલા પુત્ર અક્ષય જોટાણીયાએ માતા રેખાબેન જોટાણીયાની હાજરીમાં જ પોતાના પિતા વિષ્ણુભાઇ જોટાણીયા પર નેફામાંથી ધારદાર છરી કાઢી ઘાતક હુમલો કર્યો હતો. છરી વિષ્ણુભાઇના ડાબા હાથના બાવડાની આરપાર છરી મારતા એમને છાતીના ડાબા પડખે પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ હુમલા દરમિયાન બાજુમાં રહેતા કાળુભાઇ મોહનભાઇ આવી જતા એમણે બંનેને છોડાવ્યા હતા. ઘેરથી જતા જતા પણ માતા રેખાબેન અને પુત્ર અક્ષયે પોતાના સગા બાપને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. એટલામાં નવરંગપુરા ગામમાં રહેતા ઘનશ્યામભાઇ નરશીભાઇ અને હરીભાઇ ઇશ્વરભાઇ સહિતના પાડોશીઓ એમને પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે એમને નાજૂક તબીયતના લીધે બહારગામ રીફર કર્યા હતા. આથી એમને વધુ સારવાર અર્થે વિરમગામ શીવ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ બનાવ અંગે પાટડીના નવરંગપુરા ગામના વિષ્ણુભાઇ ભગવાનભાઇ જોટાણીયાએ મહેસાણા જીલ્લાના કડી ખાતે રહેતી પોતાની પત્નિ રેખાબેન અને પુત્ર અક્ષય જોટાણીયા વિરૂદ્ધ પાટડી પોલિસ મથકે ફરીયાદ નોંધાવતા પાટડી પોલિસે ફરાર માતા-પુત્રને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલિસ મથકના પીએસઆઈ વી.એન.ચૌધરી ચલાવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS