ખંભાળિયા નજીક મકાનમાં ખાતર પાડતા તસ્કરો

  • October 17, 2023 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાત મોબાઈલ ઉસેડી ગયા


ખંભાળિયા - જામનગર હાઈવે પર વાડીનાર નજીક આવેલા ભરાણા ગામ પાસે એક ખાનગી કંપની નજીક ભાડાના મકાનમાં રહેતા મૂળ પંજાબ રાજ્યના તરનતારન જિલ્લાના મૂળ રહીશ એવા કુલદીપસિંહ ગુરમીતસિંહ શીખ નામના 25 વર્ષના યુવાન સાથે રહેતા અન્ય યુવાનોએ પોતાની રૂમમાં મોબાઈલ રાખી અને આ મકાનને તાળું મારીને ગયા બાદ આ સ્થળે કોઈ તસ્કરોએ ત્રાટકી, આ રહેણાંક મકાનમાં રાખવામાં આવેલા રૂપિયા 26,000 ની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.


જે અંગે વાડીનાર મરીન પોલીસે કુલદીપસિંહ શીખની ફરિયાદ પરથી અજાણ્યા તસ્કરો સામે આઈપીસી કલમ 380 તથા 454 મુજબ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


દ્વારકા, ઓખામાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા


ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં સમર્પણ પાસે રહેતા પરબત ઉર્ફે પબા નગાભાઈ ચાવડા નામના 40 વર્ષના શખ્સને દ્વારકામાં આવેલી ખોડીયાર ચેક પોસ્ટ પાસેથી જી.જે. 37 એમ. 1356 નંબરના બોલેરો વાહનને લઈને નીકળતા પોલીસે અટકાવી તેમાં ચેકિંગ કરતા આ વાહનમાંથી રૂપિયા 1,500 ની કિંમતના 15 બિયરના ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા એક લાખની કિંમતની બોલેરો સહિત કુલ રૂ. 1,01,500 નો મુદ્દામાલ કબજે કરી, આરોપી પરબત ઉર્ફે પબા ચાવડાની અટકાયત કરી, દ્વારકા પોલીસે ગુનો નોંધ્યો છે.


ઓખાની પેસેન્જર જેટી પાસેથી પોલીસે મૂળ ભુજ તાલુકાના માંડવી ખાતે રહેતા ધવલ ઉર્ફે ભાવેશ કમલભાઈ સેવક નામના 23 વર્ષના શખ્સ પાસેથી રૂપિયા 3,200 ની કિંમતની વિદેશી દારૂની આઠ બોટલ કબજે કરી, પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.


દ્વારકામાં પીધેલા વાહન ચાલકો ઝડપાયા


દ્વારકાના કોરાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા નગા ધના ચાવડા નામના 38 વર્ષના શખ્સને રૂપિયા 20 હજારની કિંમતના રોયલ એનફિલ્ડ બુલેટ પરથી તેમજ ટીવી સ્ટેશન વિસ્તારમાંથી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે રહેતા ભરત રામસંગભા માણેક નામના 22 વર્ષના શખ્સને રૂ. 20,000 ની કિંમતના મોટરસાયકલ પરથી કેફી પીધેલી હાલતમાં પોલીસે મોડીરાત્રીના સમયે ઝડપી લઇ, એમ.વી. એક્ટ તથા પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application