રાજકોટમાં એપ મારફત કાર સ્ટાર્ટ કર્યા બાદ ચોરી કરી નાસી છૂટનાર બેલડીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લઇ ત્રણ કાર સહિત .૧૧.૭૦ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો. અલગ અલગ શહેરોમાં રેકી કર્યા બાદ રેઢી પડેલ કારનો કાચ તોડી હાઈબ્રીડ ચુંબકથી લોક ક્રેક કરી ચોરી કરતા હતાં.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા દ્રારા મિલકત સંબંધી ગુનાઓ અને વાહન ચોરીના વણઉકેલાયેલા કેસો શોધી કાઢવા માટે ખાસ આપેલ સૂચનાથી એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એ. એસ.ચાવડા, એમ.એલ.ડામોર અને ચીરાગ જાદવની રાહબરીમાં અલગ અલગ ટીમો કાર્યરત હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ ચોહાણ, કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા અને જીલુભાઈ ગરચર સહિતના સ્ટાફે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ચોરીની ત્રણ કાર સાથે મુકેશ મોહનલાલ મેઘવાલ (ઉ.વ.૩૧),(રહે મેઘવાલ વાસ, પાલી, રાજસ્થાન) અને સદ્દામ ઉર્ફે છોટીયો યુસુફ ખા (ઉ.વ.૩૬,(રહે. આંગણવા પોલીસ સ્ટેશન, પીપાડ, જોધપુર, રાજસ્થાનને દબોચી .૧૧.૯૦ લાખની કિંમતની ત્રણ કાર કબજે કરી હતી.
આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેઓ ગુજરાતના અલગ–અલગ જિલ્લાઓમાંથી વાહનોની ચોરી કરતા હતા. સુરેન્દ્રનગર દસાડા પોલીસ, જામનગર સીટી બી–ડિવિઝન પોલીસ અને મહેસાણા ઐંઝા પોલીસ સ્ટેશન નોંધાયેલ કાર ચોરીના ગુના ડીટેકટ થયાં હતાં
આરોપીઓ રાત્રિના સમયે ચોરી કરવા નીકળતા અને કારની બારીના કાચ તોડી અંદર પ્રવેશતા હતા. ત્યારબાદ સ્ટીયરીંગ નીચે રહેલ વ્હીલ લોક લોહ ચુંબકથી તોડી નાખતા હતા. ગાડી ચાલુ કરવા માટે તેઓ સ્ટીયરીંગ નીચે આપેલા વાયર કનેકટ કરી બ્લુટુથ ડિવાઇસ પોતાના મોબાઈલ સાથે જોડતા હતા. મોબાઇલમાં રહેલી ડાયોઝોન પ્રો નામની એપ્લિકેશન દ્રારા ગાડીના સોટવેર સાથે કનેકટ કરી, નવી ચાવી પ્રોગ્રામ કરી ગાડી ચાલુ કરીને ફરાર થઈ જતા હતા