રીબડા પાસે કારાખાનને નિશાન બનાવનાર તસ્કર ટોળકી ઝડપાઇ

  • April 18, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રીબડા પાસે આવેલા સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં બે કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રૂ.૧.૨૦ લાખની મત્તા ઉસેડી લીધી હતી.જે અંગે સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રીના રિક્ષામાં આવેલી ત્રિપુટીએ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું દેખાયું હતું. દરમિયાન ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી આ ચોરીમાં ત્રણ શખસોને ઝડપી લઇ તેની પાસેથી રિક્ષા ચોરાઉ બાઇક સહિત ૩.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આરોપીની પુછપરછ કરતા રીબડામાં થયેલી ચોરી ઉપરાંત બાઇક ચોરી અને અન્ય એક ચોરી સહીત ત્રણ ગુનાની કબુલાત આપી હતી.


રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતા વેપારી પારસ સુરેશભાઈ મકવાણા દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે રીબડા પાસે સમૃદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં શ્રી ગંગા ફોર્જીગ નામનું કારખાનુ યુનિટ અશોકભાઇ સાથે ભાગીદારીમાં શરૂ કર્યું છે જેનું કામ ચાલુ છે.


કારખાનામાં ફિટીંગ કરવાનો સમાન મંગાવ્યો હોય તા. 5/4/2025 ના રાત્રે કારખાનામાં મશીનરીની ફીટીંગ કરવાનો ખોલતા તેમાં મશીનની પીન, ગેર,સ્લાઇડર ગેરની કંગની, મોટર, સબમર્સીબલ કેબલ, વાયર સ્વીચ સહિતનો સામાન અહીં મૂકી રાત્રિના 11:00 કારખાનું બંધ કરી રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે 9:30 વાગ્યે કારખાને આવતા કારખાને આ સામાન જોવા મળ્યો ન હતો અને તેની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાના એક બે દિવસ પૂર્વે બાજુમાં આવેલા નરેન્દ્રભાઈના કારખાનામાં પણ તસ્કરોએ ઘૂસી 600 કિલો જેટલી વજનની લોખંડની પ્લેટ ચોરી કરી ગયા હતા.


આમ રાત્રિના રિક્ષા લઈ આવેલા 3 અજાણ્યા શખસોએ ફરિયાદીના કારખાનામાંથી અલગ અલગ સામાન સહિત કુલ રૂપિયા 1 લાખની મત્તા તથા બાજુમાં આવેલા કારખાનામાંથી લોખંડની પ્લેટ 600 કિલો કિંમત રૂપિયા 20,000 મળી કુલ 1.20 લાખની મત્તા ચોરી કરી ગયા અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


આ અંગે ગોંડલ તાલુકા પોલીસના થાણા અધિકારી ડો.નવિન ચક્રવતી તથા ટીમ તપાસ શરૂ કરી હતી દરમિયાન એવી બાતમી મળી હતી કે રીબડા વિસ્તારમાં ચોરી કરેલ લોખંડના મુદ્દામાલ એક સીએનજી રીક્ષા ભરી ગોંડલ તરફ વેચવા આવનાર છે. જેથી પોલીસે ભોજપરા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સીએનજી રીક્ષા અને એક બાઈકમાં નીકળેલા ત્રણને પોલીસે અટકાવી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


ઝડપાયેલા આ શખસોના નામ મુન્ના લાખાભાઈ વાળા (ઉ.વ 53 રહે. સુલતાનપુર હાલ કોઠારીયા રોડ, રાજકોટ), સંજય સાગરભાઇ પરમાર (ઉ.વ 19 રહે. કોઠારીયા રોડ, રાજકોટ) અને ગોવિંદ ઉર્ફ તોતળો રમેશભાઈ પરમાર (ઉ.વ 20 રહે. ગોંડલ) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપી પાસેથી લોખંડના સાધનો, સીએનજી રીક્ષા બાઈક સહિત કુલ રૂપિયા 3.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા આ શખસોની પૂછતાછ કરતા રીબડા ઉપરાંત વાંકાનેર સિટીમાં નોંધાયેલ બાઈક ચોરી તથા આજથી 20 એક દિવસ પહેલા શાપર વેરાવળ શીતળા માતાજીના મંદિર સામેના રોડ પર કારખાનામાંથી 300 કિલો લોખંડની ચોરીની કબુલાત આપી હતી.

આ કામગીરીમાં એએસઆઈ કુંદનભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, રૂપકભાઈ બોહરા, જીતેન્દ્રભાઈ વાળા, રમેશભાઈ વાવડીયા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, સંજયભાઈ મકવાણા, ભગીરથભાઈ વાળા અને રણજીતભાઇ ધાધલ સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application