BREAKING NEWS

નવા વર્ષમાં ધુમ્રપાન કરનારાઓને ઝટકો,સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગશે

  • January 01, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા વર્ષની શરૂઆત સાથે જ દેશભરના સિગારેટ પીતા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે સિગારેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયના આદેશ અનુસાર, આ નવી એક્સાઇઝ ડ્યુટી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે.

નવી વ્યવસ્થા હેઠળ સિગારેટની લંબાઈના આધારે એક્સાઇઝ ડ્યુટી નક્કી કરવામાં આવી છે. જેમાં પ્રતિ હજાર સિગારેટ પર રૂ. 2050થી લઈને રૂ. 8500 સુધીનો કર વસૂલવામાં આવશે. આ નવી એક્સાઇઝ ડ્યુટી હાલ લાગુ 40 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઉપરાંત વસૂલવામાં આવશે, એટલે કે સિગારેટ પર કુલ કરનો ભાર વધુ વધશે.

હાલમાં ભારતમાં સિગારેટ પર કુલ અંદાજે 53 ટકા જેટલો ટેક્સ લાગુ છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા સૂચવાયેલા 75 ટકા કરતા ઘણો ઓછો છે. કેન્દ્ર સરકારનું માનવું છે કે નવી એક્સાઇઝ ડ્યુટીથી આ તફાવત ઘટશે અને તમાકુના ઉપયોગથી થતું આરોગ્ય સંબંધિત નુકસાન ઘટાડવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2024માં સરકારે સેન્ટ્રલ એક્સાઇઝ સુધારા બિલ 2025ને મંજૂરી આપી હતી. આ બિલ હેઠળ સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર લાગતા કામચલાઉ કરને સમાપ્ત કરી કાયમી કર વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી હતી. નવી એક્સાઇઝ ડ્યુટી આ જ કાયદાકીય સુધારાના આધારે વધારવામાં આવી છે.

સરકારના આ નિર્ણયથી સિગારેટની કિંમતોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેના કારણે દેશભરના કરોડો ધુમ્રપાન કરનારાઓના ખિસ્સા પર સીધી અસર પડશે. સરકારનો હેતુ વધુ કર વસૂલ કરીને તમાકુનું સેવન ઘટાડવાનો છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ઘટાડો લાવી શકાય. નવી નીતિના પરિણામે તમાકુ ઉત્પાદનોના વેચાણમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application