આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતદાનની પ્રક્રિયા મિશ્ર પ્રતિસાદ સાથે આગળ વધી રહી છે. સવારના સમયે મતદાનની ગતિ અપેક્ષા કરતા ધીમી રહેતા વિવિધ રાજકીય પક્ષોના શ્વાસ અધ્ધર થયા છે. બપોરે એક વાગ્યા સુધીમાં અંદાજે 37 ટકા જેટલું મતદાન નોંધાયું છે, જે ગરમી અને અન્ય પરિબળોને કારણે અપેક્ષા કરતા ઓછું માનવામાં આવી રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલશે.
આ ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો મેદાનમાં છે, જેમનું રાજકીય ભવિષ્ય આજે ઈવીએમમાં કેદ થશે. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી છે. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક બીએનજેડી પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો છે.
ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ જેટલા મતદારો નોંધાયેલા છે. આ તમામ મતદારો માટે 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા સરળ અને સુચારુ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ગરમીના માહોલને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથક પર મેડિકલ ટીમ તહેનાત રાખવામાં આવી છે, જેથી મતદારોને કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ થાય તો તરત સારવાર મળી શકે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે. તમામ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ઈવીએમ લઈ જતાં વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.
સવારથી જ મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોતા ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો સક્રિય બન્યા છે. 11 વાગ્યા સુધીમાં માત્ર 25 ટકા મતદાન થતા, જિલ્લા સ્તરેથી સંગઠન દ્વારા તમામ વોર્ડ પ્રમુખો અને કાર્યકરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ઘરે-ઘરે જઈને મતદારોને મતદાન મથક સુધી લાવે. બપોર પછી મતદાનની ટકાવારી વધે તે માટે રાજકીય પક્ષો હવે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
ઉમરેઠની આ પેટાચૂંટણીમાં પારદર્શિતા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પ્રથમ વખત એવું બન્યું છે કે તમામ 306 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઓડ ખાતે ખાસ જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી ચૂંટણી પંચના જનરલ ઓબ્સર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી દરેક બૂથની ગતિવિધિઓ પર રિયલ ટાઈમ નજર રાખી રહ્યા છે.
ચૂંટણી તંત્ર દ્વારા ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને તમામ 46 ગામોના મતદાન મથકો પર પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા મેડિકલ ટીમો પણ તૈનાત છે. વડીલો અને દિવ્યાંગ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ કોઈપણ મુશ્કેલી વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
હાલમાં સમગ્ર ઉમરેઠ પંથકમાં મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. ક્યાંય પણ કોઈ અનિચ્છનીય બનાવ કે ઘર્ષણના સમાચાર સામે આવ્યા નથી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ દરેક મથક પર ગોઠવી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સાંજ સુધીમાં મતદાનની ટકાવારી કેટલી ઉપર જાય છે અને ઉમરેઠનો જનતાનો મિજાજ કોની તરફેણમાં રહે છે.
ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને શાંતિપૂર્ણ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા 306 પોલિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ બે ડીવાયએસપી, ચાર પીઆઇ અને આશરે 500 પોલીસ અને હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સીઆરપીએફની ત્રણ કંપનીઓ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે.