અટલ સરોવર ખાતે મુકાયેલા ચકડોળમાં ગત સાંજે છ નાગરિકો ૧૦૦ ફૂટની ઊંચાઈએ ૨૦ મિનિટ સુધી લટકતા રહ્યા અને ચકડોળ ઓપરેટર ચકડોળ બંધ કરી નીકળી જતા ભારે હોબાળો મચ્યો હતો અંતે ફાયર બ્રિગેડએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામને સહી સલામત નીચે ઉતાર્યા હતા, આ મામલે તપાસનો આદેશ કરી અટલ સરોવરની સંચાલક એજન્સી ક્યૂબ કન્સ્ટ્રક્શનને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીએ જણાવ્યું હતું.
ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી
વિશેષમાં બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે સાંજે અટલ સરોવર ખાતે ફેરી વ્હિલ (ચકડોળ)માં બેઠા બાદ સહેલાણીઓ હજૂ બોગીમાં બેઠા હતા નીચે ઉતર્યા ન હતા ત્યાં જ ચકડોળ બંધ કરી જતા રહેતા છ સહેલાણીઓ ૧૦૦ ફૂટની ઉંચાઇએ બોગીમાં લટકી રહેતા અંતે આ મામલે ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરતા ૩૦ મીનિટ બાદ તમામ સહેલાણીઓને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા.
ઓપરેટર ચકડોળ બંધ કરી જતો રહ્યો
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અટલ સરોવર ખાતે આવેલ રાઇડ્સ ફેરી વ્હિલમાં ગઇકાલે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નિયમ મુજબ રાત્રીના ૧૧ વાગ્યા બાદ અટલ સરોવરમાં પ્રવેશ બંધ છે. ત્યારે ફેરી વ્હિલમાં પણ છેલ્લો ફેરો હોવાથી સહેલાણીને બેસાડવામાં આવેલ રાઇડ્સના ફેરા પૂર્ણ થતા ફેરી વ્હિલમાંથી મોટાભાગના પેસેન્જરો ઉતરી ગયેલ પરંતુ ૯ નંબરની બોગીમાં સવાર ચાર સહેલાણીઓ ૧૦૦ ફૂટની ઉંચાઇએ નિચે ઉતરવાની રાહ જોઇ રહ્યા હતા. તે દરમિયાન ફેરી વ્હિલનો ઓપરેટર લાઇટો અને ફેરી વ્હિલ બંધ કરી જતો રહેતા છ સેહલાણીઓ બોગીમાં લટકતા રહી ગયેલ જે પૈકી એક સહેલાણીએ આ બાબતની જાણ મોબાઇલ દ્વારા ફાયર વિભાગને કરતા ફાયર વિભાગે તાત્કાલીક ધોરણે અટલ સરોવરના સંચાલકોને આ બાબતથી વાકેફ કરી તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ
અટલ સરોવરમાં આવેલી રાઈડ્સમાં લોકો બેઠા હતા ત્યારે ઓપરેટરે અચાનક ૧૦૦ ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરી દીધું હતું અને ત્યાંથી જતો રહ્યો હતો. આ ગંભીર લાપરવાહીને કારણે રાઈડમાં બેઠેલા છ લોકો આશરે ૩૦ મિનિટ સુધી ૧૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં લટકી રહ્યા હતા. અધવચ્ચે અટવાઈ ગયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ મનપાના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું
તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેતા જવાબદાર ઓપરેટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો છે. જોકે, માત્ર ઓપરેટરને છૂટો કરવાથી સમસ્યાનો હલ આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. હાલ શહેરીજનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે રાઈડ્સનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટર સામે તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે? શું લોકોની સુરક્ષા સાથે ચેડાં કરનાર એજન્સી સામે કોઈ ફોજદારી કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું.
અહેવાલ રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવાની સુચના
અટલ સરોવર ખાતે ફેરી વ્હિલમાં ચાર સહેલાણીઓ લટકી ગયા બાદ સંચાલકો અને ફાયર વિભાગે તુરંત ફેરી વ્હિલ ચાલુ કરી ચારેય સહેલાણીઓને નિચે ઉતારીયા હતા અને ઓપરેટરની બેદરકારીની ગંભીરતાથી નોંધ લઇ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.. જયારે આ બાબતે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સંચાલકોને બોલાવી કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ શા માટે પગલા ન લેવા તે અંગેનો ખુલાસો પૂછતી શો-કોચ નોટીસ ફટકારી હતી. અટલ સરોવરમાં ફેરી વ્હિલ રાઇડ્સમાં ચાર વ્યક્તિ ફસાવાની ઘટનામાં ડે.કમિશનરને ત્વરિત પગલા લઇ કોન્ટ્રાક્ટરને શો-કોઝ નોટીસ ફટકારી છે અને ચાર વ્યક્તિના ફસાવવા પાછળનું કારણ સહિતનો જવાબ અને અહેવાલ રિપોર્ટ તૈયાર કરી સુપ્રત કરવાની સુચના આપવામાં આવી છે.