સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે કોવિડ ટ્રીટમેન્ટ માટે પીડિયાટ્રિક અને એડલ્ટ ક્રિટિકલ કેર યુનિટ્સ વધાર્યા

  • May 22, 2021 10:53 AM 

મુંબઈમાં કોવિડ-19ના કેસમાં આવેલા વધારા સામેની તૈયારીના ભાગરૂપે, સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ (આરએફએચ) દ્વારા પુખ્તવયના તથા બાળકોની સારવાર માટેની તૈયારીઓને તેજ બનાવી દીધી છે, જેનાથી મહારાષ્ટ્ર સરકાર અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના પ્રયાસોને પણ મોટો ટેકો મળશે.

બાળકો અને કિશોરોમાં કોવિડ -19 કેસોમાં તાજેતરમાં થયેલા વધારાને જોતાં, આરએફએચ તેના પીડિયાટ્રિક અને બાળકોની સારવાર માટેની વિશેષ સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા હાલ વરલી ખાતે આવેલા નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે 650 પથારીઓ ધરાવતી કોવિડ કેર ફેસિલિટીનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ 650 પથારીઓમાંથી 100 પથારીઓ લક્ષણો નહીં ધરાવતા બાળકો માટે અને 20 પથારીઓ આઇસીયુ માટે તૈયાર કરવામાં આવી છે. આઇસીયુ સુવિધા ધરાવતી પથારીઓવયસ્ક અને બાળકો માટે જરૂરી વેન્ટિલેટર્સ, મોનિટરિંગ ડિવાઇસીસ, ડાયાલિસિસ સપોર્ટ અને ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધાઓથી સજ્જ છે.

તબીબો, નર્સ અને નોન-મેડિકલ તજજ્ઞો સહિતની ફ્રન્ટલાઇન વર્કર્સ સાથેની 500 સભ્યોની ટીમ દર્દીઓની સતત સારવાર અને સુવિધાઓનું ધ્યાન રાખે છે. આ સુવિધામાં ટેલિ-આઇસીયુ કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જેનાથી ચોવીસ કલાક ઇન્ટિગ્રેટેડ મેડિકલ મેનેજમેન્ટ અને ક્રોસ-સ્પેશિયાલિટી કન્સલ્ટેશન કરવામાં આવી રહ્યું છે. પથારીઓ, મોનિટર્સ, પીડિયાટ્રિક તથા એડલ્ટ વેન્ટિલેટર્સ અને અન્ય તબીબી સાધનોનો તમામ ખર્ચ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. એનએસસીઆઇ ખાતે દાખલ કરવામાં આવતાં તમામ દર્દીઓની સારવાર આરએફ દ્વારા તદ્દન નિઃશુલ્ક કરવામાં આવે છે.

રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક-અધ્યક્ષા શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “મુશ્કેલીના આ સમયમાં અમારી સંવેદના એવા લોકો અને તેમના પરિવારજનો સાથે છે જે ઊંડા દુઃખ, નુકસાન અને વેદના સહન કરી રહ્યા છે. કોવિડ-19 કટોકટીમાં ભારતના પ્રયાસોને મજબૂત બનાવવા માટે અમારાથી જે કંઈ થઈ શકતું હોય તે તમામ પ્રયાસો અમે સતત કરતાં રહીશું. કોવિડ-19 કેસ વધવાનો જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે તેમાં વયસ્કો અને ખાસ કરીને બાળકોની સારસંભાળ લેવી એ અત્યારના સમયની તાતી જરૂરિયાત છે. રિલાયન્સ ફાઉન્ડેશન એનએસસીઆઇ ખાતે અને અમારા દ્વારા સંચાલિત કોવિડ કેર સુવિધાઓમાં પથારીઓ, સંસાધનો અને ઓક્સિજન પુરવઠો વધારવા માટે સતત પ્રયાસો કરતું રહેશે. અમૂલ્ય જિંદગીઓ બચાવવા માટે નિઃસ્વાર્થપણે, થાક્યા વગર અને બહાદુરીપૂર્વક સેવા આપતાં ફ્રન્ટલાઇન વર્કર્સને સલામ કરું છું. આપણે સાથે મળીને આ પડકારનો સામનો કરી શકીએ છીએ અને સામનો કરી લઈશું.”

આરએફએચ દ્વારા બ્રાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ધ ટ્રાયડન્ટ હોટલ ખાતે માઇલ્ડ, મોડરેટ અને એસિમ્ટોમેટિક દર્દીઓની સારવાર માટે બીએમસીની માર્ગદર્શિકા સાથે સુસંગત 100 પથારીઓની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ સુવિધામાં કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા માટેની સુવિધાનો પણ સમાવેશ થાય છે.

આરએફએચ દ્વારા શહેરમાં કોવીડ-19 પડકારનો જવાબ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વર્ષે માર્ચ મહિનામાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલ ખાતે 225 પથારીઓની ભારતની પહેલી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં મદદ કરી હતી. આ 225 પથારીઓમાં 20 આઇસીયુ સહિતની 100 પથારીઓનું સંચાલન આરએફએચ દ્વારા કરવામાં આવે છે. ક્રિટિકલ કેર સેવાઓનું સંચાલન 45 આઇસીયુ બેડ સુધી વિસ્તારી દેવામાં આવ્યું છે. આ હોસ્પિટલ ખાતે આરએફએચ દ્વારા 2500 દર્દીઓની સારવાર કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS