BREAKING NEWS

ચાંદીમાં રૂ.5000નો ઉછાળો, સોનું પણ મોંઘુ થયું; જાણો આજનો લેટેસ્ટ ભાવ

  • May 25, 2026 05:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક બજારમાં ચાલી રહેલી મોટી હલચલ અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા સમીકરણોની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર જોવા મળી રહી છે. સપ્તાહના પહેલા જ ટ્રેડિંગ દિવસે (સોમવારે) ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજીનો કરંટ જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે હવે એક વ્યાપક શાંતિ કરાર થવાની આશા વધી ગઈ છે, જેના કારણે સોના અને ખાસ કરીને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. આજના કારોબારમાં ચાંદીના ભાવમાં ૧.૫ ટકાથી વધુનો અને સોનાના ભાવમાં આશરે ૦.૪૦ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે.


ચાંદીના ભાવમાં રૂ.૫,૦૪૨નો રેકોર્ડ વધારો

ઔદ્યોગિક માંગ અને વૈશ્વિક સંકેતોને કારણે આજે ચાંદીના રોકાણકારો માટે ચાંદી કાપવાનો દિવસ સાબિત થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આગામી ૩ જુલાઈના રોજ ડિલિવરી માટેની ચાંદીનો ભાવ શુક્રવારના બંધ ભાવ રૂ.૨,૭૧,૮૪૬ની સામે રૂ.૪,૮૩૭ના વધારા સાથે ખુલ્યો હતો. આજના લાઇવ ટ્રેડિંગ દરમિયાન ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ દીઠ રૂ.૨,૭૬,૮૮૮ના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો હતો, જ્યારે નીચલા સ્તરે તે રૂ.૨,૭૫,૪૨૮ રહ્યો હતો. આમ, પાછલા સત્રની સરખામણીએ જોવામાં આવે તો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ.૫,૦૪૨નો તોતિંગ વધારો ઝીંકાયો છે, જેના કારણે ચાંદી ખરીદનારા ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ વધશે.


સોનાના ભાવમાં પણ રૂ.૮૨૧નો ઉછાળો

બીજી તરફ, સુરક્ષિત રોકાણ માટે હંમેશાં પહેલી પસંદ ગણાતા સોનાના ભાવ પણ આજે તેજીના રથ પર સવાર જોવા મળ્યા હતા. સોમવારે સવારે આગામી ૫ જૂનની ડિલિવરી વાળું સોનું રૂ.૪૭૧ના વધારા સાથે રૂ.૧,૫૯,૧૫૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ખુલ્યું હતું, ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવ વધીને રૂ.૧,૫૯,૫૦૦ના ઇન્ટ્રાડે હાઇ સ્તર પર પહોંચી ગયા હતા. એક સમયે સવારે ૦૯:૪૧ વાગ્યા સુધીમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ.૬૨૧ વધીને રૂ.૧,૫૯,૩૦૦ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એકંદરે જોતાં, પાછલા બંધ ભાવની સરખામણીએ આજના દિવસે સોનામાં પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ.૮૨૧નો મોટો વધારો નોંધાયો છે.


બુલિયન બજારની સ્થિતિ

નોંધનીય છે કે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ઉપરાંત હાજર બજાર (બુલિયન માર્કેટ)માં પણ ભાવ મજબૂત રહ્યા છે. ગયા અઠવાડિયે શુક્રવારે દિલ્હીના બુલિયન માર્કેટમાં સપ્તાહના અંતિમ દિવસે સામાન્ય નરમાઈ જોવા મળી હતી, જ્યાં ૯૯.૯ ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ રૂ.૬૦૦ ઘટીને રૂ.૧,૬૪,૯૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે હાજર ચાંદીનો ભાવ રૂ.૨,૭૧,૦૦૦ પ્રતિ કિલોગ્રામ પર સ્થિર અને યથાવત રહ્યો હતો. સામાન્ય રીતે શનિવાર અને રવિવાર એમ બે દિવસ MCX અને બુલિયન માર્કેટ બંનેમાં સત્તાવાર રીતે કારોબાર બંધ રહેતો હોય છે, જેથી સોમવારે બજાર ખુલતાની સાથે જ વૈશ્વિક બજારની બે દિવસની અસર એકસાથે જોવા મળી છે. નિષ્ણાતોના મતે, જો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટો સકારાત્મક રહેશે, તો આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં હજુ પણ વધુ તેજી કે ફેરફાર જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News