સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે, આ કિંમતી ધાતુઓ દરરોજ સસ્તી થઈ રહી છે. આજે અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ટ્રેડિંગ શરૂ થતાં જ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા. ચાંદીના વાયદાના ભાવ રૂ. 2.22 લાખ પર પહોંચ્યા હતા, જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ રૂ. 1.44 લાખ પર પહોંચી ગયો હતો. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં રૂ.3,824 અને સોનામાં 2,306 રૂપિયાનો કડાકો બોલ્યો છે.
કોમોડિટી બજાર ખુલતાની સાથે જ ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો થયો હતો. ત્રીજી જુલાઈની સમાપ્તિ તારીખ ધરાવતી ચાંદી પાછલા ટ્રેડિંગ દિવસે 2,25,834 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ઝડપથી ઘટીને બંધ થઈ હતી અને તે આજે ખુલતા જ 2,22,010 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી. આનો અર્થ એ થયો કે એક કિલો ચાંદીના ભાવમાં એક જ ઝાટકે 3,824 રૂપિયાનો ઘટાડો થયો છે.
આ અઠવાડિયે, ચાંદીના વાયદાના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને આનો અંદાજ એ હકિકત પરથી લગાવી શકાય છે કે માત્ર ત્રણ દિવસમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 10,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. હકિકતમાં, ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, શુક્રવારે એક કિલો ચાંદીનો ભાવ 2,33,185 રૂપિયા હતો, જે 11,175 રૂપિયા ઘટીને 2,22,010 રૂપિયા થઈ ગયો છે.
ફ્યુચર્સ ટ્રેડિંગમાં માત્ર ચાંદી જ નહીં, પરંતુ સોનાના ભાવમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એમસીએક્સ ગોલ્ડ રેટ પર નજર કરીએ તો, ખુલતાની સાથે જ તેમાં લગભગ 1.50 ટકાનો ઘટાડો થયો હતો. પાંચમી ઓગસ્ટના રોજ સમાપ્ત થતા 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પાછલા ટ્રેડિંગ દિવસે રૂ.1,46,529 હતો, જે ઘટીને રૂ.1,44,223 પ્રતિ 10 ગ્રામ થયો છે. આનો અર્થ એ થયો કે સોનું રૂ. 2,306 પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે.
જો આપણે આ અઠવાડિયે સોનાના ભાવમાં ઘટાડાને ધ્યાનમાં લઈએ તો ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂ.1,47,203 પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 24 કેરેટ સોનાનો ભાવ બંધ થયો હતો. વર્તમાન ભાવની તુલનામાં, તે રૂ.2,980 પ્રતિ 10 ગ્રામ સસ્તો થયો છે. માત્ર એમસીએક્સ ફ્યુચર્સ ટ્રેડિંગમાં જ નહીં, પરંતુ સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ દરરોજ ઘટી રહ્યા છે. બંને કિંમતી ધાતુઓ હવે તેમના જીવનકાળના ઉચ્ચતમ સ્તર કરતાં નોંધપાત્ર રીતે સસ્તા ભાવે ઉપલબ્ધ છે.