અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક શાંતિ કરાર બાદ, વૈશ્વિક વેપાર અને ઉર્જા પુરવઠાની જીવાદોરી ગણાતા ‘હોર્મુઝની ખાડી’ (Strait of Hormuz) ને ફરીથી ખોલવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. આ જળમાર્ગ બંધ થવાના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તેલ અને ગેસનું મોટું સંકટ ઊભું થયું હતું, કારણ કે યુદ્ધ પહેલાં ભારત પોતાની જરૂરિયાતનું આશરે ૪૬ ટકા કાચું તેલ આ જ રસ્તેથી મંગાવતું હતું.
હવે જ્યારે બંને દેશો વચ્ચે ડીલ થઈ ગઈ છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ભારતમાં ગેસ અને તેલનો સપ્લાય ક્યારથી અને કેવી રીતે સંપૂર્ણપણે સામાન્ય થશે? આંતરરાષ્ટ્રીય સ્તરના ૩ મહત્વના અહેવાલો (Reports) ના આધારે આખી પરિસ્થિતિનું વિશ્લેષણ નીચે મુજબ છે.
ઈરાન સાથે સમજૂતી થયા બાદ આ માર્ગને ખોલવા માટે સૌથી પહેલા અમેરિકા હોર્મુઝની બહાર લગાવેલી પોતાની દરિયાઈ નાકાબંધી હટાવશે. ત્યારબાદ, ઈરાન દ્વારા સમુદ્રના પેટાળમાં બિછાવવામાં આવેલી ખતરનાક બારૂદી સુરંગો (Sea Mines) ને સાફ કરવાનું ઓપરેશન શરૂ કરવામાં આવશે. ભારતમાં સપ્લાય ક્યારે નિયમિત થશે તે અંગેની સ્થિતિ આ ૩ અહેવાલો સ્પષ્ટ કરે છે:
બ્લૂમબર્ગનો અહેવાલ: કતાર ૬૦ દિવસમાં સપ્લાય સામાન્ય કરશે
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતમાં એલએનજી (LNG ગેસ) સપ્લાય કરનારા મુખ્ય દેશ ‘કતાર’ દ્વારા રાસ લાફાનથી ગેસ નિકાસ કરવાની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ માટે ફારસની ખાડીમાંથી તેલ ટેન્કરોને રાસ લાફાન બંદર પર બોલાવવામાં આવ્યા છે. કતારનો લક્ષ્યાંક આગામી ૬૦ દિવસની અંદર ગેસ સપ્લાયની પ્રક્રિયાને યુદ્ધ પૂર્વેની સ્થિતિ એટલે કે એકદમ સામાન્ય સ્તર પર લાવવાનો છે.
પેન્ટાગનનો અહેવાલ: સુરંગો સાફ કરવામાં ૧૮૦ દિવસ લાગશે
અમેરિકી સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગન’ દ્વારા વ્હાઇટ હાઉસને સોંપવામાં આવેલા ગુપ્ત અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે, હોર્મુઝની ખાડીના પેટાળમાં ભારે માત્રામાં દારૂગોળો બિછાવેલો છે. સમુદ્રમાં દર એક મીટર પર એક કિલો બારૂદ હોવાનો અંદાજ છે. આ ભયાનક સુરંગોને સંપૂર્ણપણે શોધીને નષ્ટ કરવામાં આશરે ૬ મહિના એટલે કે ૧૮૦ દિવસ જેટલો લાંબો સમય લાગી શકે છે.
૩૦ દિવસમાં ખુલશે રસ્તો, નાના જહાજો રવાના
બીજી તરફ ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો ઈરાન સંપૂર્ણ સહયોગ આપશે તો આગામી ૩૦ દિવસની અંદર આ દરિયાઈ રસ્તો વાહનવ્યવહાર માટે સુરક્ષિત કરી શકાશે. હાલમાં નાના કદના તેલ ટેન્કરો આ માર્ગ પરથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યા છે. ભારતનું ‘દિશા’ (Disha) નામનું તેલ ટેન્કર અત્યારે ઓમાન પાસે હાજર છે, જે હોર્મુઝમાંથી પસાર થવા માટે સજ્જ છે. આનો અર્થ એ થયો કે તેલ અને ગેસનો સપ્લાય શરૂ થઈ ચૂક્યો છે.
હવે સીધું ઈરાન પાસેથી તેલ ખરીદી શકાશે
અમેરિકા સાથેની આ મહા-ડીલ બાદ ઈરાન પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. આનાથી ઈરાન માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ખુલ્લેઆમ તેલ વેચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. હાલમાં ઈરાન પાસે આશરે ૧૦૦ કરોડ બેરલ તેલનો વિશાળ ભંડાર સ્ટોકમાં હાજર છે.
અત્યાર સુધી અમેરિકી પ્રતિબંધોના ડરથી ભારત ઈરાન પાસેથી સીધું તેલ ખરીદી શકતું નહોતું, પરંતુ હવે ભારત માટે સસ્તું તેલ ખરીદવાનો મોટો વિકલ્પ ખૂલી ગયો છે. ઈરાન પોતાના જૂના તેલ ટેન્કરોનો ઉપયોગ કરીને પણ ભારતને ઝડપથી કાચું તેલ મોકલી શકે છે, એટલે કે ભારતે તેલ પુરવઠો મેળવવા માટે હોર્મુઝની ખાડી સંપૂર્ણપણે સાફ થાય ત્યાં સુધી રાહ જોવી નહીં પડે. જોકે, આ બધું આગામી દિવસોમાં ડીલની શરતોના યોગ્ય પાલન પર નિર્ભર રહેશે.