પશ્ર્ચિમી સમુદ્રમાં શ્રીજી શિપિંગ શહેનશાહ: યુએસએલ સાથે સોદો

  • May 29, 2021 01:46 PM 

સૌરાષ્ટ્રના શિપિંગ ક્ષેત્રના ઈતિહાસની બીગ ડીલ: નાના બંદર થશે પુનર્જીવીત : જાણીતી યુએસએલ કંપનીના શિપિંગ ક્ષેત્રના તમામ સાધન સરંજામ ખરીદી લીધાં: હવે યુએસએલ શિપિંગ ક્ષેત્રે કામ નહીં કરે: મુંબઈ ખાતે બન્ને કંપનીના વડાઓ વચ્ચે ડીલ પર લાગી મહોર: શિપિંગના ધંધામાં અશોક લાલ અને જીતુ લાલની કંપનીનો હનુમાન કૂદકો

દરિયાઈ પરિવહન ક્ષેત્રે ખાસ કરીને પશ્ર્ચિમી દરિયાના નાના બંદરોના વિકાસના દ્રષ્ટિકોણથી અને આ દરિયાઈ પટ્ટી પર જાણીતા લાલ પરિવારનું શ્રીજી શિપિંગ શહેનશાહ બન્યું છે, જાણીતી એવી બીજી દરિયાઈ પરિવહન ક્ષેત્રે કામ કરતી યુએસએલ કંપનીના શિપિંગ ક્ષેત્રના તમામ સાધન સરંજામની બીગ ડીલ થઈ ગઈ છે. આ તમામ સાધન સરંજામ શ્રીજી શિપિંગે ખરીદી લીધાં છે અને હવેથી પશ્ર્ચિમના દરિયામાં અદાણી કંપનીને બાદ કરતા શ્રીજી શિપિંગ એવું નામ બની ગયું છે જે વન મેન આર્મીનું કામ કરશે, શિપિંગની દુનિયામાં અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલની સફળતાની આ હરણફાળ માનવામાં આવે છે.

જામનગરના ઈતિહાસમાં ઘણી વખત નાની-મોટી ડીલ બિઝનેસ ક્ષેત્રે થતી રહે છે, પરંતુ ખાસ કરીને દરિયાઈ પરિવહનના ક્ષેત્રમાં વર્તમાન સંજોગોમાં બે કંપની મોખરે હતી જેમાં એક વર્ષો જૂની યુએસએલ એટલે કે, યુનાઈટેડ શિપર્સ કંપની અને બીજી શ્રીજી શિપિંગ આ સિવાય પણ કદાચ બીજી નાની કંપનીઓ નાના-નાના કામ કરતી હશે પરંતુ મોટું વર્તુળ આ બન્ને કંપનીઓ ધરાવતી હતી અને એમ પણ કહી શકાય કે, મોટા કામ વચ્ચે આ બન્ને કંપનીઓમાં હરિફાઈ પણ રહેતી હશે.

હવે સિનારિયો આખો બદલાઈ ગયો છે અને યુએસએલ કંપનીના શિપિંગ બિઝનેસને શ્રીજી કંપનીએ અંકે કરી લીધો છે, આ મોટી ડીલ ફાઈનલ થઈ ગઈ છે અને આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ હવે યુએસએલ કંપનીના શિપિંગ ક્ષેત્રને કલોઝ કરીને તેના તમામ સાધન સરંજામ શ્રીજી શિપિંગને આપી દેવાના રહેશે.

લગભગ પાંચે’ક દિવસ પહેલાં મુંબઈ ખાતે શ્રીજી શિપિંગના કતર્હિતર્િ અને સમાહતર્િ અશોકભાઈ લાલ તેમજ યુએસએલ કંપનીના માલિકો વચ્ચે બેઠક થઈ હતી, યુએસએલના માલિકો દુબઈથી મુંબઈ આવ્યા હતાં અને શિપિંગ ક્ષેત્રના ડીલ પર ચચર્-િમંત્રણા બાદ આખરી મહોર લાગી હતી એવું જાણવા મળ્યું છે.

યુનાઈટેડ શિપર્સ કંપની દરિયાઈ પરિવહન ક્ષેત્રે મોટું કામ કરતી હતી અને વર્ષો જૂની હોવાથી આ કંપની પાસે શિપિંગ ક્ષેત્રના ઘણાં મોટા પ્રમાણમાં સાધન સરંજામ હોવાથી આ ડીલનો આંક પણ ઘણો મોટો હશે એવું પણ માનવામાં આવે છે. જો કે, આ સંબંધે હાલની તકે શ્રીજી શિપિંગ તરફથી અને યુએસએલ તરફથી પણ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

આમ તો દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં શ્રીજી શિપિંગનો વર્ષોથી ડંકો વાગે છે અને ખાસ કરીને અનુભવી એવા અશોકભાઈ લાલની મુખ્ય દેખરેખ હેઠળ એમના લઘુબંધુ જીતુભાઈ લાલ અને પરિવારની યંગ બ્રિગેડ મિતેષ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ સહિતનો લાલ પરિવાર દ્વારા કંપનીને ચલાવવામાં આવી રહી છે.

આ પરિવાર એક તરફ રાજકીય રીતે પણ એટલો જ જાણીતો છે, પૂર્વ મંત્રી સ્વ.હરિદાસભાઈ જીવણદાસ લાલ (બાબુલાલ)ના બન્ને પુત્ર અશોકભાઈ અને જીતુભાઈએ રાજકીય આલમમાં પણ એટલી જ પકડ જાળવી રાખી છે અને લગભગ વિધાનસભાની ચૂંટણી વખતે આ પરિવાર કોઈપણ પક્ષમાંથી મેદાનમાં હોય જ છે. તો લોકસભાની ચૂંટણીમાં પણ લાલ પરિવારની ભૂમિકા ચાવીપ રહે છે.

બીજી તરફ શિપિંગના ક્ષેત્રમાં પણ દિન-પ્રતિદિન શ્રીજી કંપનીએ મોટા કોન્ટ્રાક્ટ હસ્તગત કરીને પરિવહન ક્ષેત્રે વિશ્ર્વસનિયતા પ્રાપ્ત કરી છે આ દરમિયાન યુએસએલ જેવી મોટી કંપનીના શિપિંગ ક્ષેત્રને અંકે કરીને શ્રીજી શિપિંગે પશ્ર્ચિમી દરિયામાં પોતાનું વર્તુળ એટલું મોટું કરી નાખ્યું છે કે, હવે જામનગર ક્ષેત્રે કોઈ કંપની એમના મુકાબલામાં રહી નથી.

શિપિંગ ક્ષેત્રના વર્ષો જૂના એક જાણકારે ‘આજકાલ’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, શ્રીજી શિપિંગ અને યુએસએલની ડીલ સૌરાષ્ટ્રના નાના-નાના બંદરો માટે પુનર્જીવિત કરવા સમાન બની રહેશે અને નાના બંદરોનો સ્વાભાવિક છે કે વિકાસ થવાનો છે.

દા.ત. કોઈપણ મોટી કંપનીને પોતાનો મોટો જથ્થો દરિયાઈ પરિવહન ક્ષેત્રે મોકલવાનો હોય તો તેને હાલમાં ચોક્કસ બંદર ઉપર જવું પડે અને ત્યાંથી પોતાનો માલ મોકલવો પડે, આ સંજોગોમાં વેપારીને તો સૌથી ફાયદાકારક બાબત એ જ રહે કે નજીકમાં નજીક બંદર પરથી પોતાનો માલ મોકલી શકે, શ્રીજી શિપિંગના માધ્યમથી નાના બંદરો પરથી પણ વેપારીઓ પોતાનો માલ દેશ-વિદેશમાં દરિયાઈ માર્ગે મોકલી શકશે તે નજરિયાથી આ ડીલ નાના બંદરોને અત્યંત લાભદાયક નિવડશે અને એમને ફરીથી જીવતા કરશે, આટલું જ નહીં દેશ વિદેશ માલ મોકલતા વેપારીઓને પોતાનો માલ દુર દુકના બંદરો પર પહોંચાડવાની ટ્રાન્સપોર્ટેશનની જરીયાત પણ મહંદહંશે ઘટી જશે.

ડીલની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે, યુએસએલ કંપની આમ તો દેશમાં ઘણાં બધા વ્યવસાય ધરાવે છે, પરંતુ આ કંપનીએ પોતાના શિપિંગ ક્ષેત્રને શ્રીજી સાથેની ડીલ પછી ક્લોઝ કરી દેવાનો નિર્ણય કરી લીધો હોય એવું લાગે છે. કારણ કે, કરાર મુજબ હવે યુએસએલ કંપની શિપિંગ ક્ષેત્રે કામ કરશે નહીં. આ સિવાયના આ કંપનીના બીજા કામકાજ ચાલુ રહેશે અને કંપની પણ યથાવત્ છે.

જામનગર જિલ્લાના ઈતિહાસમાં શિપિંગના બિઝનેસમાં આ સૌથી બીગ ડીલ થઈ હોવાના કારણે સ્વાભાવિક રીતે નોંધપાત્ર છે અને સૌરાષ્ટ્રના જે તમામ નાના બંદરો છે તેના માટે પણ એક સારા સમાચાર સમાન છે.

આ અહેવાલો બહાર આવ્યા બાદ કંપનીના વડા અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ સહિતના લાલ પરિવારને ચારે’ય તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS