BREAKING NEWS

વાજબી ભાવના દુકાનદારોની હડતાળનો અંત, જામનગરમાં આજથી દુકાનો ખુલી

  • November 05, 2025 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજયમાં વાજબી ભાવના દુકાનદારોની માંગણી સ્વીકારાતા હડતાળનો અંત આવતા જામનગરમાં આજથી દુકાનો ખુલી છે. હડતાળના પગલે શહેર-જિલ્લાના ૪૦ દુકાનદારોએ આપેલા રાજીનામા પરત ખેંચ્યા છે. ગોડાઉન પરથી માલ દુકાન સુધી પહોંચતા રાશનનું વિતરણ લાભાર્થીઓને કરાશે. શહેર-જિલ્લામાં ૩૫૬ દુકાનો ૩ દિવસ બંધ રહેતા કાર્ડધારકોમાં દેકારો બોલી ગયો હતો. 

 

જામનગર સહીત રાજયભરના રાશનકાર્ડ ધારકોને નવેમ્બર મહીનાના અનાજના જથ્થાની ફાળવણી સરકાર દ્રારા કરવામાં આવી છે. પરંતુ વ્યાજબી ભાવના દુકાનદારોના પડતર પ્રશ્નો લાંબા સમયથી ન ઉકેલાતા ૧ નવેમ્બરથી ફેર પ્રાઇઝ એસોસીએશન દ્રારા રાજયવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવી છે. આથી શનિવારે વાજબી ભાવના દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ કર્યો હતો. રાજયવ્યાપી હડતાળમાં જામનગર શહેર-જિલ્લાના ૩૫૬ વાજબી ભાવના દુકાનદારો જોડાયા છે. આથી શહેર-જિલ્લાના તમામ ૨,૧૩,૭૪૯ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ બંધ રહેતા દેકારો બોલી ગયો હતો.


એસોસીએશના રાજયના મુખ્ય હોદેદારાની  અન્ન-પુરવઠા સચિવ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં હોદેદારોએ ઉગ્ર રજૂઆતો કરતા સચિવ બેઠક છોડી ચાલ્યા જતા બેઠક નિષ્ફળ રહી હતી. આથી સોમવારે પણ હડતાળ યથાવત રહેતા જામનગર શહેર-જિલ્લાના તમામ ૩૫૬ વાજબી ભાવના દુકાનદારોએ દુકાનો બંધ રહી હતી. મંગળવારે હડતાલના પગલે શહેર-જિલ્લાના વાજબી ભાવના ૪૦ દુકાનદારોએ રાજીનામા આપ્યા હતાં. જો કે, મંગળવારે સાંજે વાજબી ભાવના દુકાનદારોની કમીશન સહીતની ૧૭ માંગણી સંતોષાતા હડતાળનો અંત આવ્યો હતો.

​​​​​​​ આ અંગે જામનગર જિલ્લા ફેર પ્રાઇઝ એસોસીએશનના ઉપપ્રમુખ મનજીભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે, રાજયવ્યાપી હડતાળના પગલે જામનગર શહેર-જિલ્લામાં પણ વાજબી ભાવના દુકાનદારોએ શનિવારે દુકાનો બંધ રાખી હતી. પરંતુ મંગળવારે પડતર પ્રશ્નો ઉકેલાતા હડતાલ સમેટાઇ છે. આથી શહેર-જિલ્લાના ૪૦ દુકાનદારોએ આપેલા રાજીનામા પરત ખેંચાયા છે. હડતાળ સમેટાતા આજથી વાજબી ભાવના દુકાનદારો દ્રારા ચીઠ્ઠી અને ચલણ જનરેટ કરવામાં આવશે. ગોડાઉનથી માલ દુકાનો સુધી પહોંચતા આજ અથવા આવતીકાલથી રાશનનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application