ધ્રોલ તાલુકાના રોજીયા ગામની સીમમાં એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે, તાજેતરમાં ખેત મુજર યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી તેની પત્નીને આઘાત લાગ્યો હતો અને ભેદી રીતે ગુમ થયા હતા, જે બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી, દરમ્યાન લાપતા બનેલ યુવતિએ પણ કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યાની વિગતો સામે આવતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે. પતિ-પત્ની વચ્ચે બોલાચાલી-ઝઘડો થયા બાદ પતિના આત્મઘાતી પગલા બાદ તેણીએ પણ પગલુ ભર્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા ખેડૂત લગધીરસિંહ જાડેજાની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની શ્રમિક પરિવારના રાહલીબેન ગોરધનભાઈ વસુનીયા (ઉંમર વર્ષ ૧૯) અને તેના પતિ ગોરધનભાઈ વશુનીયા (ઉંમર વર્ષ ૨૨) કે જેઓ છેલ્લા કેટલાક સમયથી વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા હતા દરમિયાન ગત ૩૦.૧૦.૨૦૨૫ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં શ્રમીક મહિલા રાહલીબેન અને તેના પતિ ગોરધનભાઈ બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેથી ગોરધનભાઈને મનમાં લાગી આવતાં તેણે મગફળીના ગોડાઉનમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
રાહાલીબેનને જાણ થતાં તેણીએ ગોરધનભાઈને નીચે ઉતાર્યા હતા, પરંતુ પોતાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી પોતે ગભરાઈ ગઈ હતી, અને એકાએક ગાયબ થઈ ગઈ હતી જે બનાવ બાદ રાહલીબેનના ભાઈ દ્વારા પોલીસને જાણ કરી હતી અને ધ્રોળ પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી હતી જેથી પોલીસ ટુકડી રાહલીબેનને શોધી રહી હતી. જે દરમિયાન વાડીના કુવામા તેણીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. તેણીએ પણ આઘાત લાગ્યો હોવાથી વાડીના કૂવામાં પોતે પણ આપઘાત કરી લીધો હતો.
આ્ર બનાવ મામલે ધ્રોલ ખાતે ખેતમજુરી કરીને રહેતા રાહલીબેનના ભાઈ ચીરલીયા ભાગડાભાઈ બામણીયા રોજિયા ગામે દોડી આવ્યા હતા, અને આ અંગે પોલીસને જાણ કરતાં પીઆઇ એચ.વી. રાઠોડ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. આ બનાવને લઈને ધ્રોલ પંથકમાં પણ પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં ભારે ગમગીની સાથે અરેરાટી પ્રસરી ગઈ છે.