સંસ્થાના ટ્રસ્ટી ગુણવંતભાઇ ભટ્ટના નેજા હેઠળ તમામ બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી, હોદેદારો અને કાર્યકરો શિલાપૂજનમાં જોડાશે
દ્વારકાપીઠના શંકરાચાર્યજી પૂ.સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના નેજા હેઠળ દરેડમાં આવેલ તક્ષશીલા પરશુરામ ધામ ખાતે આજે સાંજે ૫ વાગ્યે શીલાપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં જામનગરની તમામ બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણીઓ, હોદેદારો તેમજ અન્ય જ્ઞાતિના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે.
સંસ્થાના અગ્રણી સચીવ અને ટ્રસ્ટી ગુણવંતભાઇ એન.ભટ્ટના નેજા હેઠળ પરશુરામ ધામમાં પરશુરામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે અને આજે શીલાપુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શાસ્ત્રોકત વિધીથી પૂ.શંકરાચાર્યજીના આશીર્વાદથી જામનગર-લાલપુર રોડ પર આવેલ દરેડના તક્ષશીલા પરશુરામ ધામ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવશે.
છેલ્લા કેટલાક સમયથી જામનગરના તમામ બ્રહ્મસમાજના ઘટકો, અગ્રણીઓ, પ્રમુખો સાથે તક્ષશીલા સંકુલના અગ્રણીઓએ મીટીંગ કરીને શનિવાર એટલે કે આજે સાંજે યોજાનારા શીલાપુજનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી છે, આગામી દિવસોમાં કરોડો રુપિયાના ખર્ચે ભગવાન પરશુરામજીનું સૌરાષ્ટ્રમાં કયાંય ન હોય એવું ભવ્ય મંદિર બનનાર છે, આ ઉપરાંત આ સંકુલમાં આગામી દિવસોમાં પૂ.શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતીજી મહારાજનું નિવાસ સ્થાન પણ બનશે, હાલમાં આ સંકુલમાં એક સ્કુલ પણ ચાલી રહી છે અને એક ભવ્ય મંદિર પણ બન્યું છે.
આજ સવારથી શીલાપુજનના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે, તમામ જ્ઞાતિના લોકોને અને હોદેદારોને શીલાપુજનના આ મહત્વના કાર્યક્રમમાં બેસવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારબાદ સમુહમાં ભોજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે, આજે સાંજે પ્રમુખ બ્રાહ્મણો શાસ્ત્રોકત વિધીથી મંદિર નિર્માણ માટેની શિલાપુજનની વિધી કરાવશે ત્યારે જય પરશુરામનો નાદ ગુંજી ઉઠશે, છેલ્લા પાંચ-છ મહીનાથી આ મંદિર બનાવવા માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે, શંકરાચાર્યજી આ મંદિર વિશેની તમામ હકીકતો અને નકશા પણ બતાાવવામાં આવ્યા છે, હવે આજ સાંજથી ભવ્ય પરશુરામ મંદિરના નિર્માણનું કાર્ય શરુ થઇ જશે.