રાજકોટ યાર્ડમાં સાત દિવસથી ચાલતી હડતાલ સમેટાઇ; કાલથી હરાજી થશે

  • May 13, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં રૂ.૧૭.૨૦ કરોડનું ફુલેકુ ફેરવીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા ટ્રેડિંગ વાળા ઢોલરીયા બંધુ ન પકડાય અને ૧૩૦થી વધુ કમિશન એજન્ટની લેણી રકમ પરત ન મળે ત્યાં સુધી યાર્ડમાં અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છેલ્લા સાત દિવસથી હડતાલ ચાલી રહી હતી, દરમિયાન પોલીસે ઢોલરીયા બંધુને દબોચી લેતા તેમજ કમિશન એજન્ટના નાણાં પરત આપવાની વ્યાપારી ધોરણે ખાતરી મળતા આજે બપોરે મળેલી મિટિંગમાં હડતાલ સમેટી લેવા નિર્ણય કરાયો હતો. કાલથી હરાજી સહિતના કામ શરૂ થઈ જશે.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ્સ એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીએ જણાવ્યું હતું કે કમિશન એજન્ટ્સને તેમના ફસાયેલા નાણાં પરત મળવાની ખાતરી મળતા આજે બપોરેથી હડતાલ સમેટી લેવાઇ છે અને આવતીકાલથી હરાજી સહિતના કામકાજ રાબેતા મુજબ થશે. હાલ ફક્ત દુકાને પડેલ માલનું વેચાણ કરવાનું હોય આજે સાંજે ચાર વાગ્યાથી દુકાને પડેલ માલને ફેરવાઇ કરવા દેવામાં આવશે. આવતીકાલથી હરરાજી સહિતનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. સૌપ્રથમ પડતર રહેલ માલની હરરાજી કરવામાં આવશે ત્યારબાદ યાર્ડ દ્વારા જણસીઓની આવક શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવશે. યાર્ડ દ્વારા આવકની જાહેરાત ન થાય ત્યાં સુધી તમામ જણસીની આવક સંપૂર્ણપણે બંધ રહેશે તેમજ આવેલ માલને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેની સર્વેને નોંધ લેવા જાણ કરાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application