રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિક પોલીસની કામગીરી સામે વારંવાર સવાલો ઊભા થતા હોય છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનના બદલે ઉઘરાણા કરવામાં જ રસ હોય તેમ સતત વ્યસ્ત હોય છે. જેના કારણે અકસ્માતો સર્જાતા હોવાના આક્ષેપો પોલીસ સામે થતા હોય ત્યારે રાજકોટમાં સાત દિવસમાં જ સર્જાયેલા સાત જેટલા જીવલેણ અકસ્માત સંદર્ભે આમ આદમી પાર્ટી તેમજ ક્રિસ્ટલ મોલ નજીક બીએમડબલ્યુકારની ઠોકરે યુવકના મૃત્યુ અંગે પરિવારે ડીસીપી ઝોન 2ને આવેદનપત્ર પાઠવી આકરી રજૂઆત કરી હતી.
સ્કૂટર અકસ્માત થયેલ હાલતમાં પડેલું હતુ
ડીસીપીને રજુઆતમાં અરજદાર કેવલ નાથાણી દ્વારા જણાવાયું હતું કે, ગઈ તા.૧૦ના વહેલી સવારે આશરે ૨:૩૦ વાગ્યે તેમના નાનાભાઈ અભિષેકના મિત્ર હિરેન રાઠોડનો ફોન આવેલ કે તારા ભાઈ અભિષેકનું કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાસે અકસ્માત થયું છે. જેથી તેઓ એક્સિડન્ટવાળી જગ્યા પર પહોંચ્યા હતા. ત્યાં જોતા ભાઈ અભિષેકને રોડ પર સુવડાવેલ અને ત્યાં ૧૦૮ની ટીમ પણ હાજર હતી. રોડની સાઈડમાં તેમનો ભાઈ જે એક્સેસ સ્કૂટર લઈને ગયેલ તે સ્કૂટર અકસ્માત થયેલ હાલતમાં પડેલું હતુ.
પૂરપાટ ઝડપે કાર ચલાવી
તેમજ ત્યાં રોડ પર વચ્ચે એક બીએમડબલ્યુ કાર નં. GJ-03-NB-7301 પડી હતી અને જે કાર આગળના ભાગે બોનેટ તથા બમ્પરનો ભાગ અકસ્માતથી ક્ષતિગ્રસ્ત થયેલ હતો. તેમના ભાઈ અભિષેકને તેના એકસેસ સ્કૂટર સાથે કાર ચાલકે પૂરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી એક્સિડન્ટ કરી, ઠોકર મારી ઉડાડી દીધેલ અને તે એક્સિડન્ટના સ્થળથી દૂર સુધી ફંગોળાઈ ગયેલ હતો. જેમાં તેને થયેલ ગંભીર ઈજાઓને લઈ તબીબોએ મૃત જાહેર કરેલ હતો.
ગુનાની ગંભીરતાને નજર-અંદાજ કરવામાં આવી
બનાવમાં બીએમડબલ્યુના કાર ચાલક તથા તેમાં સવાર અન્ય લોકો કોણ હતા? તે વિષય પર જો કાલાવડ રોડના સીસીટીવી કેમેરાઓ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો યોગ્ય ગુનેગારોની ઓળખાણ થઈ શકે, પરંતુ બનાવ બાદ એક્સિડન્ટની ગંભીરતાને અવગણીને તપાસનીશ અધિકારી ગુનેગારોને છાવરાવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવું એફઆઈઆર પરથી ફલિત થાય છે. આવા ગંભીર ગુનામાં યોગ્ય કલમો ના લગાવી આરોપીને તુરંત જામીન મળી જાય તેવી હળવી કલમો લગાવી ગુનાની ગંભીરતાને નજર-અંદાજ કરવામાં આવી છે.
એક્સિડન્ટના ગંભીર કેસમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવેલ નથી
એક્સિડન્ટ કેસમાં સંડોવાયેલ આરોપીઓ વિશે પણ તપાસનીશ અધિકારીએ યોગ્ય જાણકારી આપી નથી કે આરોપી કોણ છે તે પણ આજ સુધી જણાવવામાં આવેલ નથી. તે ઉપરાંત એક્સિડન્ટ બાદ ફરિયાદી વિશેની તમામ જાણકારી મીડિયામાં પ્રસિદ્ધ થઈ ગયેલ છે પરંતુ એક્સિડન્ટ કરનારની ઓળખને તપાસનીશ અધિકારી સતત છૂપાવી રહ્યા હોય તેવુ જણાય છે. જેથી ગંભીર કેસમાં યેનકેન પ્રકારે આરોપીઓને છાવરવા ભરપૂર પ્રયાસો કરવામાં આવેલ છે. આ એક્સિડન્ટના ગંભીર કેસમાં તટસ્થ રીતે તપાસ કરવામાં આવેલ નથી તે એફઆઈઆર પરથી જણાઈ આવે છે.
ઉંમર, ધંધો જાણી જોઈને ખોટો લખ્યો
આ ઉપરાંત એફઆઈઆરમાં ફરીયાદીની ઉંમર, ધંધો જાણી જોઈને ખોટો લખેલ છે. ફરિયાદી પ્લાયવુડનો ધંધો કરે છે પરંતુ એફઆઈઆરમાં તેમને પોલીસ કર્મચારી દર્શાવેલ છે. તેમજ એક્સિડન્ટ કરનાર વાહનના નંબરો પણ જાણી જોઈને અલગ-અલગ લખાયેલ છે. જેથી અકસ્માતના બનાવની તટસ્થ તપાસનીશ અધિકારી દ્વારા યોગ્ય અને તટસ્થ તપાસ કરાવી, તેમજ મનઘડંત એફઆઈઆર રદ કરી નવેસરથી એફઆઈઆર કરવી અને ઉપરાંત ક્ષતિગ્રસ્ત એફઆઈઆર તૈયાર કરનાર તપાસ અધિકારી તથા કર્મચારી વિરૂદ્ધ ખાતાકિય પગલા લઈ સમાજમાં દાખલો બેસાડવા તેની સામે શિક્ષાત્મક પગલા લેવાની પણ આક્રમક રજુઆત કરી હતી.

ટ્રાફિક બ્રાન્ચની અણ આવડતના કારણે જીવલેણ અકસ્માત સર્જાઈ છે: આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી દ્વારા રજુઆતમાં રાજકોટમાં ટ્રાફિકનો પ્રશ્ન ટ્રાફિક બ્રાન્ચની અણ આવડતના કારણે વિકટ બન્યો છે. ટ્રાફિક ગ્રાન્યના સ્ટાફને પુરી નિષ્ઠા સાથે કાર્યરત કરવા આપી જાણ કરીયે છીએ, ટ્રાફિક સમસ્યાના કારણે છેલ્લા સાત દિવસમાં સાત માનવ જીંદગી માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં પરિવારનો આધાર સ્થંભ તો કોઇએ પરિવારનો આશાસ્પદ ગુમાવ્યા છે. પોલીસ કમિશનર વિસ્તારમાં છેલ્લા સાત દિવસમાં સર્જાયેલા સાત જીવલેણ અકસ્માત પાછળ ટ્રાફિક બ્રાન્ચ જવાબદાર છે ટ્રાફિક સમસ્યા ઉકેલવા વોર્ડનને હવાલો સોપવામાં આવ્યો હોય તેમ તમામ ચોકમાં ટ્રાફિક વોર્ડન જોવા મળે છે તેઓ ટ્રાફિક નિયમન કરાવવાના બદલે મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાથી શહેરના તમામ ચોકમાં ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની છે. તેમ છતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડીને ટ્રાફિક સમસ્યા અંગે કોઇ નક્કર કાર્યવાહી કરતા ન હોવાથી કાયદો અને વ્યવસ્થા કથડી ગયા છે. તેમ ટ્રાફિક સમસ્યા અતિશય વિકટ બની ગઇ છે. રાજકોટની ટ્રાફિક સમસ્યા અંગે ટ્રાફિક બ્રાન્ચ સમયસર સજાગ નહી બને તો ના આમ આદમી પાર્ટીએ જલદ આંદોલન કરવાની ફરજ પડશે.
અકસ્માતમાં સાત દિવસમાં સાત વ્યક્તિઓનો લેવાયો ભોગ
કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાસે બી એમ ડબલ્યુ કારે અડફેટે લેતા અર્જુન પાર્કના અભિષેક નાથાણી, કુવાડવા જીઆઇડીસી પાસે બાબુભાઈ લામકા, આણંદપર નજીક વિદ્યાર્થી કેવલ, લોહા નગરમાં શાંતાબેન નાવરિયા, આલાપગ્રીન સીટી પાસે ગિરીશચંદ્ર ટાંક, યુનિવર્સિટી રોડ પર માતાની નજર સમક્ષ દીકરીનું, વિજય પ્લોટ માં રાજન મકવાણા ના અકસ્માતમાં મૃત્યુ થયા હતા.