આજે સતત બીજા દિવસે સ્થાનિક શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત વધારા સાથે ખુલ્યા. સેન્સેક્સ 1162 પોઈન્ટના ઉછાળા સાથે 75,230ના સ્તરે ટ્રેડ થયો હતો જયારે નિફ્ટી ૩૭૫ પોઈન્ટના ઉછાળા સાથે 23,287ના સ્તરે ટ્રેડ થયો હતો. આ ઉત્સાહ વચ્ચે, આજે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ.5 લાખ કરોડથી વધુનો વધારો થયો.
એશિયન બજારોમાં પ્રવર્તતા ઉત્સાહ વચ્ચે, સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે અને શરૂઆતના કારોબારમાં દરેકમાં 1 ટકા થી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈટી સિવાયના તમામ ક્ષેત્રોના નિફ્ટી ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ સારી ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
એકંદરે, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ.4.83 લાખ કરોડનો વધારો થયો છે, જેનો અર્થ એ થયો કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ.4.83 લાખ કરોડનો વધારો થયો છે. ઓઇલના ભાવમાં નરમાઈ અને યુએસ-ઈરાન સંઘર્ષ સમાપ્ત થવાના સંકેતોથી બજાર તેજીમાં છે.
ગઈકાલે 24 માર્ચ, 2025 ના રોજ, બીએસઈ-લિસ્ટેડ તમામ શેરોનું કુલ માર્કેટ કેપ રૂ.4,22,78,312.77 કરોડ હતું. આજે 25 માર્ચ, 2025 ના રોજ બજાર ખુલતાની સાથે જ તે રૂ.4,27,61,317.78 કરોડ પર પહોંચી ગયું. આનો અર્થ એ થયો કે રોકાણકારોની મૂડીમાં રૂ.4,83,005.01 કરોડનો વધારો થયો છે.
સેન્સેક્સમાં લિસ્ટેડ 30 શેરોમાંથી 27 ગ્રીન ઝોનમાં છે. એમ એન્ડ એમ, બજાજ ફાઇનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટ સૌથી વધુ વધ્યા છે. બીજી તરફ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને ઇન્ફોસિસ જ આજે ઘટ્યા છે.