ભારતીય શેરબજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. વૈશ્વિક દબાણ અને પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખૂલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ જોવા મળ્યો હતો, જેના પરિણામે ચારેબાજુ વેચવાલીનો માહોલ રહ્યો હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે આજે સ્થાનિક શેરબજારમાં વધુ એક ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1261 પોઈન્ટ ડાઉન થયો હતો જે 76,403ના સ્તરે ટ્રેડ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટ્યો હતો જે 23,813ના સ્તરે ટ્રેડ થયો હતો.
આ ઘટાડાને કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ.4 લાખ કરોડનો ઘટાડો થયો છે. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૬ શેર ઘટીને ખુલ્યા. આ ઘટાડાનો સૌથી મોટો ભોગ આઈટી શેરો રહ્યા, જેમાં એચસીએલ ટેક અને ઇન્ફોસિસના શેર ૨ ટકાથી વધુ ઘટ્યા. સન ફાર્મા અને ટીસીએસના શેરોમાં પણ ૧ ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો. વધુમાં, આઈસીઆઈસીઆઈ બેંક, પાવરગ્રીડ, ભારતી એરટેલ, બીઈએલ અને ટેક મહિન્દ્રાના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો. તેનાથી વિપરીત, એસબીઆઈ, મહિન્દ્રા અને મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલિવર અને ઇન્ડિગોના શેરમાં વધારો જોવા મળ્યો.
દરમિયાન, દેશની સૌથી મૂલ્યવાન કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આજે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવા માટે તૈયાર છે. આ જાહેરાત પહેલા, કંપનીના શેરમાં નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈ પર, કંપનીનો શેર પાછલા સત્રમાં રૂ. ૧,૩૪૩.૧૦ પર બંધ થયો હતો અને આજે રૂ. ૧,૩૪૨.૯૫ પર ખુલ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં, તે ઘટીને રૂ. ૧,૩૩૪.૨૦ પર પહોંચી ગયો, જે લગભગ ૦.૫ ટકા ઘટ્યો. જાન્યુઆરીમાં પહોંચેલી ટોચથી આ શેર હવે લગભગ ૧૫ ટકા ઘટી ગયો છે.