અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે સમગ્ર વિશ્વના શેરબજારો પર દેખાઈ રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી બાદ રોકાણકારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. પરિણામે અમેરિકાથી લઈને જાપાન સુધીના મોટા શેરબજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 800 અંક તુટ્યો છે જેના પગલે નાના અને મધ્યમ રોકાણકારોની ચિંતા વધી પડી છે. નિફ્ટીમાં પણ 250થી વધુ પોઈન્ટનો કડાકો જોવાયો છે. જેના લીધે પાવર ગ્રીડ,ટાટા સ્ટીલ, એચ ડીએફ સી બેંક, અદાણી પોર્ટસ જેવી દિગ્ગજ કંપનીઓના શેર્સ તૂટ્યા છે.
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે. ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગને લઈને ચિંતા વધી રહી છે. વિશ્વના મોટા ભાગનું કાચું તેલ આ જ માર્ગથી પસાર થાય છે. જો આ માર્ગ પર અવરોધ ઊભો થાય તો વિશ્વભરમાં ઇંધણની ભારે અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલે તો તેલના ભાવ વધુ વધી શકે છે.
અમેરિકન બજારોમાં પણ ભારે દબાણ જોવા મળ્યું છે. ડાઉ જોન્સ, એસ એન્ડ પી પાંચસો અને નાસ્ડેક જેવા મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ નીચો રહ્યો છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા હોવાથી શેરબજારમાં વેચવાલી વધી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધુ વધશે તો વિશ્વ અર્થતંત્રને મોટો ઝટકો લાગી શકે છે. શેરબજાર ઉપરાંત સોનાં, કાચા તેલ અને અન્ય કોમોડિટી બજારોમાં પણ ભારે અસ્થિરતા સર્જાઈ શકે છે. હાલમાં વિશ્વભરના રોકાણકારોની નજર અમેરિકા અને ઈરાનની આગામી કાર્યવાહી પર ટકેલી છે.
ક્રુડ ઓઈલના ભાવ 112ને પાર
કાચા તેલના ભાવ ૧૧૧ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ભારત પર પણ આ વૈશ્વિક સંકટની અસર પડી શકે છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું કાચું તેલ આયાત કરે છે. તેથી તેલના ભાવ વધતા પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાની શક્યતા વધી ગઈ છે. સાથે જ મોંઘવારીમાં વધારો થવાનો પણ ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રૂપિયામાં પણ દબાણ જોવા મળી રહ્યું છે અને ડોલર સામે તેની કિંમત ઘટવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.