જામનગરના બંદરો પર મરીન કમાન્ડો અને પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા કડક ચેકિંગ-પેટ્રોલીંગ : કિનારાના ગામો પર જવાનો દ્વારા ચાંપતી નજર
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ હાલાર સહિતના સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાઓ ઉપર સુરક્ષા એજન્સીઓને સતર્ક બનાવી દેવામાં આવી છે. દુશ્મન દેશ પાકિસ્તાન સૌરાષ્ટ્ર- કચ્છના દરિયા કિનારાની નજીક હોવાથી જામનગર, દ્વારકા સહિતના સૌરાષ્ટ્ર કચ્છના સમગ્ર સાગર કિનારા ઉપર જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના બેડી બંદર વિસ્તારમાં મરીન કમાન્ડો અને મરીન પોલીસ સહિતની ટુકડીઓ દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી ઉપરાંત કિનારાના ગામો પર જવાનો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ રેન્જ વિસ્તારમાં આવતા જામનગર, દ્વારકા અને મોરબી જિલ્લા સહિતના દરિયા કિનારાઓ ઉપર અલગ અલગ સુરક્ષા એજન્સીઓને તહેનાત કરાવાઈ છે. જેના અનુસંધાને જામનગરના બેડી મેરિન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ દરિયાઈ પટ્ટીની સુરક્ષા અંગે સતર્કતા રાખવામાં આવી રહી છે, અને તમામ સ્થળે ચેકિંગ ઉપરાંત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
જામનગર જિલ્લાના દરિયા કિનારાઓમાં લેન્ડિંગ પોઇન્ટ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને દરિયા કિનારાના નજીકના ગામોમાં સુરક્ષા જવાનો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જેના અનુસંધાને જામનગરના જુના બંદર પર લાંગરેલી અલગ અલગ ફિશિંગ બોટ વગેરેમાં પણ બેડી મરીન પોલીસ સ્ટેશનની ટિમ ઉપરાંત એલસીબી, એસ ઓ જી, મરીન કમાન્ડો અને હોમગાર્ડ સહિતના જવાનોની સંયુક્ત ટુકડી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
જામનગર મરીન પોલીસ દ્વારા દરીયાઇ પટ્ટીની સુરક્ષા વધુ સધન બનાવવામાં આવી છે, ચેકપોસ્ટ પર ચેકીંગ અને પેટ્રોલીંગ કરવામાં આવી રહયુ છે. કિનારાના ગામોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લેન્ડીંગ પોઇન્ટ પર પેટ્રોલીંગ અને માછીમારો બોટોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, સાવચેતીના ભાગપે જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.