બોટાદથી યુવાનનું અપહરણ કરી મારમારી પગ ભાંગી નાંખનારા ચાર શખસોની શોધ

  • March 08, 2021 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ બામણબોરના વતની અને છેલ્લા ત્રણેક વર્ષથી ગોંડલમાં રહેતા કોળી યુવાનનું બોટાદમાંથી બામણબોર ગામના બે સહિત ચાર શખસોએ અપહરણ કર્યું હતું. બાદમાં યુવાનને બામણબોર પાસે જીઆઇડીસી વિસ્તારમાં લઈ જઇ લાકડી વડે બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા હતા. અને મોબાઈલમાં પણ તોડફોડ કરી હતી આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય શખસો સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ ઘવાયેલા યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ,ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં સોનલ બંગલો સામે રહેતો અને ડ્રાઈવીંગ કામ કરતો પ્રવીણ અમરશીભાઈ જેસાણી (ઉ.વ.૨૯)ગઈકાલ તેના વાહનમાં કોઈ ખરાબી સર્જાતા તેના કામ માટે બોટાદ ગયો હતો. જ્યાં એક ગેરેજે તે ઊભો હતો ત્યારે બામણબોર રહેતા જગા મુળજીભાઈ સુસરા અને નાથા સુસરા તેમજ તેની સાથેના બે અજાણ્યા શખસો અહીં ધસી આવ્યા હતા.


બાદમાં આ ચારેય શખસો યુવાનને ધમકાવી આંખે પાટા બાંધી લાલ કલરની કારમાં અપહરણ કરી રાજકોટ નજીક બામણબોર લાવ્યા હતા. જ્યાં જીઆઈડીસી વિસ્તારમાં તેને ગાળો દઈ, ધમકી આપી લાકડી અને પાઈપ વડે બેફામ મારમારી પગ ભાંગી નાખ્યા હતા. આ હુમલામાં ઘવાયેલા પ્રવીણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવીંગ કામ કરતો પ્રવીણ અગાઉ બામણબોરમાં આરોપીઓના ઘર નજીકનાં વિસ્તારમાં રહેતો હતો. જ્યાં ત્રણેક વર્ષ પહેલાં પ્રવીણ અને આરોપીઓ વચ્ચે કોઈ મહિલા સાથેના સબંધ મામલે માથાકૂટ થતાં ઝઘડો થયો હતો. બાદમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.દરમિયાન ગઈકાલ પ્રવીણ તેના વાહન રીપેરીંગ માટે બોટાદ જતા આરોપીઓએ ત્યાં ધસી ગયા હતા અને તેનું અપહરણ કરી માર માર્યો હતો. જેમાં તેનો મોબાઈલ પણ તૂટી ગયો હતો. આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે જગા, નાથા અને બે અજાણ્યા શખસો સામે અપહરણ, મારામારી, ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS