ગરીબોને મફતમાં અનાજની યોજના: આંધળો વણે.. વાછડો ચાવે જેવી

  • May 01, 2024 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમાજના ગરીબ વર્ગના લોકોને બે ટાઈમ પૂરતું ભોજન મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ભૂતકાળમાં શ્રી અન્નપૂણર્િ યોજના ચાલુ કરવામાં આવી હતી. થોડા વર્ષો અગાઉ આ યોજના બંધ કરીને તેનું વિલીનીકરણ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (એનએફએસએ) યોજનામાં કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સમય કાળથી એનએફએસએ આ યોજના અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં કરોડો પરિવારને ઘઉં ચોખા સહિતની ચીજવસ્તુઓ મફતમાં આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ખરેખર જે લોકો ગરીબ છે અને બે ટંકનું ખાવાના પણ ફાફા છે તેવા લોકોને જ મળતો હોય તો ખરેખર તે ઘણું સારું ગણી શકાય. પરંતુ છેલ્લા થોડા સમયથી આ યોજનામાં સરકાર દ્વારા અપાતું અનાજ બારોબાર કાળા બજારમાં ધકેલી દેવામાં આવતી હોવાની ચોકાવનારી ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી છે અને આ ફરિયાદો નું પ્રમાણ દિવસો દિવસ વધતું જાય છે. સરકારે યોજના ચાલુ રાખી તેના લીકેજ બુરી દેવા માટે કડક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ગુજરાત સરકારના પુરવઠા પ્રધાન કુવરજીભાઈ બાવળીયાએ વિધાનસભાના ફ્લોર પર આપેલી આંકડાકીય માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ વડોદરા નવસારી ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ સાબરકાંઠા બનાસકાંઠા, સુરત અને પાટણ જિલ્લામાંથી સરકારી અનાજનો 14,54,726 કિલો માલ પકડાયો છે. જેની કિંમત રૂપિયા 2,57,31,986 થવા જાય છે. પુરવઠા નિગમ જ્યારે માલ પકડે ત્યારે તેની બજાર કિંમતના બદલે સરકારી કિંમત ગણે છે અને તેથી કિંમતના મામલે જે આંકડાકીય માહિતી વિધાનસભામાં રજૂ કરવામાં આવી છે તે ઘણી ઓછી છે અને વાસ્તવમાં બજાર કિંમત ઘણી વધારે હોય છે.

ગુજરાતમાં એનએફએસએ યોજના અંતર્ગત 72 લાખ પરિવારોને મફતમાં અનાજ આપવામાં આવે છે અને ત્રણ કરોડ 54 લાખ લોકો ને તેનો લાભ મળે છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન 68 લાખ મેટ્રિક ટન અનાજ આ મુજબ મફતમાં આપવામાં આવ્યું છે. લાભાર્થીઓની કુલ સંખ્યા ત્રણ કરોડ 82 લાખ 84 હજાર કરવાનો સરકારનો ટાર્ગેટ છે અને આ માટે માસિક આવક 10,000 ની મયર્દિા હતી તે વધારીને 15 હજાર કરવામાં આવી છે. બજેટમાં આ માટે ગુજરાત સરકારે 675 કરોડની જોગવાઈ કરી છે.

પુરવઠા નિગમના અમુક અધિકારીઓ અને સસ્તા અનાજના વેપાર સાથે સંકળાયેલા લોકો આ આંકડો અને જિલ્લાના નામ ઘણા ઓછા હોવાનું જણાવે છે. રાજકોટ જિલ્લામાં જેતપુર જસદણ વિછીયા કાળા બજારમાં સરકારી અનાજ ધકેલી દેવા માટે જાણીતા છે અને ત્યાંથી ભૂતકાળમાં લાખો રૂપિયાના માલ પકડાયા પણ છે.

સરકારી અનાજનો જથ્થો કાળા બજારમાં ધકેલી દેવા માટે એકમાત્ર વેપારીઓ કે પુરવઠા નિગમના ભ્રષ્ટાચારી અમુક અધિકારીઓ જ જવાબદાર નથી. પરંતુ આ માટે આખી ચેઈન ચાલે છે. ગરીબ વર્ગના લોકોને બીપીએલ અંત્યોદય અને એનએફએસએ મારફતે અનાજ આપવામાં આવે છે. 10 કિલો ઘઉં, 5 કિલો ચોખા વ્યક્તિદીઠ આપવામાં આવતા હોવાથી અમુક પરિવાર માટે આ જથ્થો ઘણો વધારે થઈ જાય છે અને તેથી વધારાનો માલ બારોબાર વેચી દેવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં અને જેતપુર તાલુકામાં છકડો રીક્ષામાં આવો માલ ખરીદવા માટે અજાણ્યા લોકો નીકળતા હોય છે અને અનાજના બદલામાં રોકડ રકમ અથવા તો ચીજ વસ્તુઓ આપતા હોય છે. આ બધી જ બાબતો જાહેર થઈ ચૂકેલી છે અને પોલીસના ચોપડે પણ ફરિયાદો બોલે છે.

સરકારી અનાજનો જથ્થો કાળા બજારમાં ધકેલી દેવામાં બીજી ભૂમિકામાં સસ્તા અનાજના અમુક વેપારીઓ આવે છે. બોગસ નામથી ખોટા ફિંગર પ્રિન્ટ અને આધારકાર્ડના દુરઉપયોગથી બોગસ રેશનકાર્ડ જનરેટ કરી તેનો માલ ખાઈ જવામાં આવે છે. જ્યારે આવા કિસ્સા બહાર આવે અને પુરવઠા વિભાગ આવા રેશનકાર્ડ બ્લોક કરે ત્યારે ગરીબોના નામે વિરોધ કરી સરકારને બદનામ કરવાના સંગઠિત પ્રયાસો પણ થતા હોય છે.

ગરીબો માટેની આ યોજનામાં જ્યારે લાભાર્થી કે તેનો પરિવાર અન્ય જગ્યાએ માઈગ્રેટ થાય ત્યારે સ્વાભાવિક રીતે જ સસ્તા અનાજની દુકાનોએથી તે માલ ઉપાડતો નથી. જ્યારે બેંકમાં અમુક સમય ગાળા સુધી કોઈ પ્રકારનો ટ્રાન્જેક્શન ન થાય તો આવા બેન્ક એકાઉન્ટ ડોરમેટ કરી દેવામાં આવતા હોય છે. તેવી રીતે પુરવઠા વિભાગ લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતા હોય તેવા રેશનકાર્ડ સાઇલેન્ટ કરી દેતી હોય છે અને લાભાર્થી કે તેનો પરિવાર ફરી આધાર પુરાવા રજૂ કરે તો આવા કાર્ડ ચાલુ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે રેશનકાર્ડ બંધ થઈ જાય છે ત્યારે ફરી ગરીબોના ખભા પર બંદૂક મૂકી સરકાર સામે વિરોધના ભડાકા કરવામાં આવતા હોય છે. એનએફએસએ ની આ સમગ્ર યોજના મધ્યાન ભોજન યોજના જેવી જ છે. યોજના સારી છે, પરંતુ તેના જે લૂપહોલ છે તે બંધ થાય તો ખરેખર વાસ્તવિક લાભાર્થીને તે ફાયદાકારક થાય તેવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application