સોરી મોડો પડ્યો કહેવું કે થેંકયુ તમે રાહ જોઈ કહેવું?

  • December 26, 2023 11:34 AM 

નાના બાળકની ભૂલ હશે અને તમે જો તેને સોરી બોલવાનું કહેશો તો તે મહામુશ્કેલીએ સોરી બોલશે. તેને તો સોરી બોલવું જ ન હોય પણ તમારાં દબાણને કારણે કમને મજબૂરીથી તે સોરી બોલશે અને તે પણ બને તેટલું અસ્પષ્ટ. માત્ર બાળકોને જ સોરી બોલવામાં દાખડો નથી પડતો, મોટાંને પણ એટલો જ પડે છે, એ બહાર દેખાવા દેતાં નથી. કેટલાક માણસો એવા હોય છે જે કયારેય સોરી નથી જ બોલતા. તમને તમારી આજુબાજુ આવા ઘણા મળ્યા હશે. ઘણા એવા હોય જે વાતવાતમાં સોરીસોરી કરતા જ રહે છે. કોઈની માફી માગવી, દુભવ્યા હોય તો ક્ષમા માગી લેવી તેને ખૂબ વખાણવામાં આવે છે પણ સાવ એવું યે નથી. ક્ષમા આપવી સર્વથા પ્રશંસનીય છે પણ માફી માગતા રહેવાના નુકસાન પણ છે, ફાયદો તો આખી દુનિયા આપણને ગણાવતી જ રહે છે.
મને બહુ ગમતી ઓશોની એક વાત છે. મહાવીર યારે રસ્તે ચાલતાં એક કીડીને બચાવે છે ત્યારે કીડીને બહુ ફરક નથી પડતો, મહાવીરને પડે છે અને મહાવીરને જે ફરક પડે છે એ જ કિંમતી છે. કીડીનું તો આયુષ્ય જ થોડા દિવસનું જ છે, કદાચ બીજી જ મીનિટે તે કોઈ અન્ય માણસ કે પશુના પગ નીચે કચડાઈ મરશે અથવા કોઈ ચકલીનું ભોજન બની જશે. મહાવીરે તેને જોઈને પગ ઉપાડી લીધો એની તો કીડીને ખબર પણ ન હોય. મહાવીરને જાગૃતિ હોય કે મારાથી આ કીડીને મારી શકાય નહીં’. મહાવીરના અંતરમાં જે કરુણાનો ધોધ વહે તે તેમને મહાવીર બનાવે છે. આવું જ સોરી બોલવા માટે પણ છે. સાર્થક સોરી ત્યારે જ કહેવાય યારે તેનાથી સામેના દુભાયેલા વ્યકિતને જેટલો ફરક પાડે તેના કરતાં તમને વધુ ફરક પડે, આ ઉત્તમ ક્ષમાયાચના છે.
સોરી કહેવાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. ઔપચારિક, માત્ર શબ્દો પુરતી જ માફી, સંબધં કે ભૂલ સુધારી લેવા માટેની ગણતરીપૂર્વકની માફી અને ત્રીજી અન્યને દુભાવ્યાનું દુ:ખ અંતરમાં ઉપજે અને તેના લીધે મગાતી માફી. અંગ્રેજો જે માંગે છે એ ઔપચારિક માફી છે.


  બ્રિટનમાં જો અંગ્રેજો સાથે સતત પનારો પાડવાનો થાય તો તમારા મનમાં સૌથી પહેલું જે નોંધાય તે સતત એપોલોઝાઈઝ થવાની તેમની ટેવ. દરેક વાકયમાં માફી મગાઈ જ હોય. શરૂઆત જ માફી માગવાથી થાય. આ ત્યાંનો સામાન્ય શિષ્ટાચાર છે. માફી માગવી એ તેમની એટિકેટ માત્ર છે. પણ એમને આટલી બધી માફી માગતા જોઈને આપણને દયા આવી જાય. આવી માફીને સાંભળનાર પણ માત્ર વાકયમાં વપરાતા અનિવાર્ય શબ્દો ગણીને અવગણી નાખે છે. અંગ્રેજોની માફી સાંભળીને અમારા જેવો કાઠિયાવાડી જીવડો તો ચકરાઈ જ જાય. કાઠિયાવાડમાં તો એવા ઘણા છે જેના માટે માફી માગવી એટલે મરી જવા જેટલી નાનમ ગણાય. પોતાની ભૂલ હોય તો પણ એપોલોજી માગવાની વાત જ નહીં. ભૂલ સ્વીકારવાની જ નહીં ને. અગાઉ એવું માનવામાં આવતું અને ધરાર મનાવવામાં આવતું કે માફી માગવી એ સર્વોત્તમ સદગુણ છે. એટલે કેટલાંક કલ્ચરમાં સતત માફી માગતા રહેવું એ અનિવાર્ય એટિકેટ બની ગયું. હવે મનોવિજ્ઞાનીઓએ પ્રતિપાદિત કરવા માંડ્યું છે કે વધુ પડતી માફી માગવાથી ઘણાં નુકસાન થાય છે અને એનાથી બચવું જોઈએ. સામાન્ય રીતે વધુ પડતું સોરી બોલનાર વ્યકિત પોતે વધુ સારી છે એવું દેખાડવા માગતી હોય છે. કોઈ રસ્તામાં ઉભું હોય અને તેને ગુસ્સો આવતો હોય તો પણ તે સોરી કહીને પેલાને બાજુએ હટવાનું કહેશે. વ્યવસાયના સ્થળે આપણે સામેવાળાને વહાલા લાગવા માટે આવું કરતાં હોઈએ છીએ.


હવે તો સોરી કહેવાના સ્થાને કેવા સંજોગોમાં કેવાં વાકયો વાપરવા એ પણ શીખવાડવામાં આવે છે. ’સોરી હું મોડો પડ્યો’ એમ કહેવાને બદલે ’થેંકયુ તમે રાહ જોઈ’ એવું કહેવાનું ચલણ વધી રહ્યું છે. વર્ક પ્લેસ પર સામાન્ય રીતે વપરાતાં સોરી વાકયને રીપ્લેસ કરતાં વાકયો પ્રચલિત થવા માંડું છે. આવું કરવાનું કારણ એ છે કે સતત સોરી બોલવાથી તમારા આત્મગૌરવને અજાણપણે ઠેસ પહોંચે છે. એનાથી ખોટો અપરાધભાવ પેદા થાય છે. વારંવાર સોરી બોલનારને બિન કાર્યક્ષમ અને નબળા ધારી લેવામાં આવે એવું પણ બને. તેને લોકોને સારું લગાડવાનો પ્રયાસ કરનાર વ્યકિત તરીકે પણ જોવામાં આવે છે. આવા લોકોની છાપ સોરી બોલતા રહેવાથી સુધરવાને બદલે કયારેક બગડે પણ છે. જો તે વ્યકિત સોરી બોલતો હોય તો છાપ નમ્ર અને વિવેકી વ્યકિતની પડે છે પણ જો તે માત્ર બોલવા ખાતર બોલતો હોય તો તેની છાપ સારી રહેતી નથી.


પોતાના લાભ માટે મગાતી માફી સ્વાર્થી ક્ષમા છે. વ્યવસાયના સ્થળ કે સંબંધોમાં કોઈની સાથે રિલેશન ન બગડે તે માટે અથવા પોતાને ફાયદો થાય તે માટે આવી માફી માગવામાં આવતી હોય છે. તેમાં ભૂલનો અહેસાસ કે દુ:ખ જેવું કશું હોતું નથી, એ કોરા શબ્દો હોય છે. જેનો ઉપયોગ ફાયદા માટે કરવામાં આવે છે. આવી માફી માગનારાઓના મનમાં ખોટું થઈ ગયાનો પસ્તાવો હોતો જ નથી, તેમાં માત્ર ગણતરી જ હોય. આવી માફી દિલથી નહીં દિમાગથી માગવામાં આવે છે. એ નથી માગનારમાં કોઈ પરિવર્તન કરતી કે નથી આપનારના અંતર સુધી પહોંચતી.
જેને ઉત્તમ ક્ષમા કહી શકાય એવી માફી તમારા પોતાના માટે માગવામાં આવે છે. સામેની વ્યકિત દુભાઈ છે, તેની માફી માગવામાં નહીં આવે ત્યાં સુધી મારા હૃદયમાં શૂળ ભોંકાતાં રહેશે, પીડા થતી રહેશે એવી અનુભૂતિ જેને થાય તે સાર્થક માફી માગે છે. તેનાથી સામેની વ્યકિતના ઘા ભરાય છે, તેને સારું લાગે છે, તે એવું સમજે છે કે આ માણસને ખરેખર દિલગીરી થઈ છે એ બધા ફાયદા તો ખરા જ, સૌથી મોટો ફાયદો એના પોતાના અંતરમાં ટાઢક વળે તે છે. તેને સંતુષ્ટી થશે, તેના માંહ્યલો રાજી થશે. આવી કરુણાભીની માફી માણસને અંદરથી પરિવર્તીત કરી નાખે છે. એની ભૂલો ધોવાઈ જાય છે.
​​​​​​​
માફી માગવાની એવી પણ રીતો છે જે માફી નથી હોતી, માફીના નામે સામેવાળાને વધુ દુ:ખ પહોંચાડનાર શબ્દો હોય છે. તેમાં સોરી બોલાયું હોવા છતાં તે તીરની જેમ સામેવાળાના દિલમાં ખૂંચે છે. તમે સોરી પછી પણ લગાડો તો આવું થશે. સોરી પણ તમે મને આવું કરવા મજબુર કર્યેા. આ માફી નથી, જવાબદારી સામેવાળા પર નાખી દેવાની ટ્રીક છે. તમે કહો કે સોરી, તમે મારી વાતને ખોટી રીતે લીધી છે. આ પણ તે સામેના વ્યકિતની લાગણીને દુભાવનાર છે અથવા તમે કહો કે સોરી, મને ખબર નહોતી કે તમને ખોટું લાગી જશે. આ પણ ટોકિસક સોરી છે. જો માફી માગવી જ હોય તો તે પૂરા દિલથી માગવી. એમાં કોઈ શરતો ન હોય, એમાં કોઈ ખૂલાસા ન હોય, કોઈ આરોપ ન હોય. સોરી, હું ખોટો હતો એવું ટૂંકુ વાકય સામેની વ્યકિતનું દુ:ખ તાત્કાલિક ઓછું કરી નાખનાર સાબિત થાય. મેં તમારી લાગણી દુભાવી છે એવું સ્વીકારી લેવું પણ માફી માગ્યા સમાન જ છે.
માફી શબ્દોથી મગાતી જ નથી, એ ભાવથી મગાય છે. તમારા દિલમાં જે ભાવ હોય તે સામેની વ્યકિત સુધી પહોંચે એ જ મહત્વનું છે. અને સહુથી વધુ મહાત્વનું એ છે કે એ સોરી તમને થોડા બદલનાર હોવી જોઈએ. તમને શાતા આપનાર હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application