BREAKING NEWS

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકે નવી તારીખ નાખી 10 વર્ષ જુના જર્નલ પોતાના નામે ચડાવ્યા

  • February 03, 2026 09:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંગ્રેજી ભવન અવારનવાર વિવાદમાં આવતો હોય છે અને આવા વિવાદમાં તેના અધ્યાપક કમલ મહેતા પણ ઘણી વખત ચમકી જતા હોય છે. આ અધ્યાપક સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકઝીક્યુટીવ કાઉન્સિલના જ સભ્ય ડોક્ટર નિદત બારોટે ફરિયાદ કરતા ભારે ચકચાર ફેલાવા પામી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવ અને મહેકમ અધિકારીને સંબોધીને આધાર પુરાવા સાથે કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાય મુજબ ડોક્ટર કમલ મહેતા દ્વારા પ્રકાશિત સંશોધન પત્રો અને અન્ય પ્રકાશનની યાદી આરટીઆઇના માધ્યમથી મને મળી છે અને તે ચકાસતા ઉડીને આંખે વળગે તેવી બાબત એ જાણવા મળે છે કે કમલ મહેતાએ 2014 થી 2022 દરમિયાન દર વર્ષે એક એક મળીને કુલ 9 સંશોધન પત્રો 'વિદ્યાલયન' નામના ઓનલાઇન જર્નલમાં પ્રસિદ્ધ કરાવ્યા છે. પ્રથમ દ્રષ્ટિએ આ તમામ પેપર 2014 થી 2022 દરમિયાન પ્રસિદ્ધ થયા હોય તેવું જણાય છે પરંતુ પીડીએફ ડોક્યુમેન્ટની પ્રોપર્ટી જોવામાં આવે તો આ બધા જ પેપર તારીખ 30 ડિસેમ્બર 2024 ના રોજ એક જ દિવસે અપલોડ કરવામાં આવ્યા છે અને તેનો આધાર વિદ્યાયનની વેબસાઈટ પરથી મળી શકે છે.

ચોકાવનારી વાત એ છે કે ઘણા એવા જર્નલ છે કે જેમાં ઇન્ડેક્સમાં કમલ મહેતાનું નામ જોવા મળતું નથી. કારણ કે જર્નલ જ્યારે પ્રસિદ્ધ થયું ત્યારે તેમનું પેપર ન હતું અને પાછળથી પેપર અપલોડ કર્યા હતા તેથી તેમનું નામ ઇન્ડેક્સમાં ક્યાંય જોવા મળતું નથી.

2015માં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક પેપરમાં 2018 નો રેફરન્સ લેવામાં આવેલ છે. સંદર્ભ 2018 નો હોય તો 2015માં પ્રસિદ્ધ થયેલા પેપરમાં તે રેફરન્સ તરીકે કેવી રીતે આવી શકે ? આ પેપરને અપલોડ કર્યાના આધાર તરીકે આ ઉદાહરણ સંપૂર્ણ બંધ બેસે છે તેમ પણ નિદત બારોટે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે.

સૌથી વધુ ચોકાવનારી બાબત તો એ છે કે 2015 માં પ્રસિદ્ધ થયેલ સંશોધન પત્રમાં નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ છે. મહત્વની વાત તો એ છે કે 2015માં નવી શિક્ષણનીતિ અમલમાં પણ આવી ન હતી અને આવવાની છે તેવી કોઈ વાતો પણ સંભળાતી ન હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આઇકયુએસી દ્વારા દર વર્ષે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કમિટીને મોકલવાનો થતો રિપોર્ટ બનાવેલો હોય છે. જેને એકયુએઆર કહેવામાં આવે છે. દરેક અધ્યાપકે પોતે કરેલ સંશોધન સંબંધી વિગતો આપવાની હોય છે અને તેના આધારે યુનિવર્સિટી દ્વારા મૂલ્યાંકન માટે એસએસઆર તૈયાર કરવામાં આવે છે. કમલ મહેતાના કિસ્સામાં 2014 થી 2022 સુધીના આ પેપરનો ઉલ્લેખ એક્યુએઆરમાં કરવામાં આવેલ છે કે કેમ ?તેની પણ તપાસ થવી જોઈએ. કોઈપણ પ્રોફેસર માટે સિનિયર પ્રોફેસરનું પ્રમોશન મેળવવા ખોટા ઈરાદાથી જૂની તારીખમાં સંશોધન પત્રો છપાવવા, તેની વિગત યુનિવર્સિટીમાં રજૂ કરી પ્રમોશન મેળવવાનો પ્રયાસ કરવો તે બાબત અતી ગંભીર અને ક્રિમિનલ ગુનો છે. ખોટી રીતે વધારાનો આર્થિક લાભ લેવા માટે રાજ્ય સરકાર સામે કરવામાં આવેલું સમજણપૂર્વકનું ષડયંત્ર છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાંથી કમલ મહેતાની તાત્કાલિક નિમણૂક સ્થગિત કરવી જોઈએ અને શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application