ક્રિકેટથી લઈને ફિલ્મી દુનિયા સુધીની સલીમ દુરાનીની યાદગાર સફર

  • April 03, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યોગાનુયોગ જામ રણજીતસિંહજી અને દુરાનીનું એક જ તારીખે નિધન: બે ફિલ્મોમાં પણ જાનદાર અભિનય આપ્યો

જામનગરના વતની અને ઑલ રાઉન્ડર સલીમ દુરાનીનું નિધન થયું છે ત્યારે લાખો દેશવાસીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેઓ ક્રિકેટ જગતનો સૌથી પહેલા અફઘાની ક્રિકેટર જે વર્ષો પહેલા ભારત તરફથી ટેસ્ટક્રિકેટ રમ્યા હતાં. તેમનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ કાબુલ (અફઘાનિસ્તાન)માં થયો હતો. તેમના જન્મ પછી સલીમના ક્રિકેટર પિતા આઠ મહિનામાં જ કરાંચી રહેવા આવ્યા હતાં.
સલીમ દુરાનીના પિતા અબ્દુલ અઝીઝ પોતે એક સારા વિકેટકીપર અને સારા ક્રિકેટર હતા. ૧૯૩૫માં નવાનગર(જામનગર)ની ક્રિકેટટીમ કરાંચી મેચ રમવા ગઈ હતી ત્યારે નવાનગરની ટીમના કેપ્ટન હતા મહારાજા પ્રતાપસિંહ તેઓએ સલીમ દુરાનીના પિતાની પ્રતિભાને પારખી લીધી. નવાનગર (જામનગર) પાછા આવીને મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહને અબ્દુલ અઝીઝને જામનગર બોલાવીને પોતાની ટીમના કાયમી સભ્ય બનાવવાની ભલામણ કરી હતી. અબ્દુલ અઝીઝને જામનગર બોલાવી તેમને જામનગરમાં પોલીસ ઇન્સ્પેક્ટરની નોકરી આપી હતી.
સલીમ દુરાનીના દાદા અને નાના બન્ને જામસાહેબના લશ્કરમાં હતા, સાથે-સાથે સલીમના દાદા સુકામેવાની દુકાન ધરાવતા, જેમના મુખ્ય અને કાયમી ગ્રાહક કાઠિયાવાડના મહારાજા હતા. અબ્દુલ અઝીઝને ૧૯૩૫-૩૬માં સી.કે. નાયડુની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની અન ઓફિશિયલ ટેસ્ટમેચ રમવાનો મોકો મળ્યો હતો.
૧૯૪૭માં ભારતના ભાગલા સમયે અબ્દુલ અઝીઝે પાકિસ્તાન રહેવાનું પસંદ કર્યું, જયારે સલીમની માતાએ સલીમ સાથે જામનગરમાં રહેવાનું પસંદ કર્યું. વિનુ માંકડ સલીમની માતાને માલતી કાકી કહેતા. જન્મે તેઓ જમોડી પણ તેના પિતાની ઈચ્છા તેને ડાબોડી બેટ્સમેન બનાવવાની હતી તેથી નાનપણમાં ઘરમાં ક્રિકેટની પ્રેકટીસ સમયે તેમનો જમણો હાથ બાંધી અને તેને રમવાની પ્રેકટીસ કરાવેલી.
આ ઉપરાંત સલીમની માતા વિકેટકીપર બનતી અને પિતા બોલર બનતાં હતાં અને તેઓ પ્રેક્ટિસ કરતાં હતાં અને ભારતીય ક્રિકેટટીમને એ જમાનાનો સફળ ડાબોડી બોલર અને સફળ ડાબોડી બેટ્સમેન સાંપડયો.
૧૯૫૩માં તેઓએ સૌરાષ્ટ્રની ટીમમાંથી રણજીટ્રોફી રમવાની શરૂઆત કરી, બીજા જ વર્ષે ૧૯૫૪માં સૌરાષ્ટ્રની ટીમ છોડીને ગુજરાતમાંથી રણજીટ્રોફી રમવાની શરૂઆત કરી હતી. ૧૯૫૬માં ઉદયપુરના મહારાજના ખાસ આમંત્રણે સલીમે રાજસ્થાનથી રણજીટ્રોફી રમવાની શરૂઆત કરી. ૧૯૬૦ના દસકામાં રાજસ્થાનની સાત વખત રણજીટ્રોફીના ફાયનલ સુધી પહોંચી દરેક વખતે મુંબઈ સામે હારી હતી.
છેક ૧૯૬૦માં ભારતની ક્રિકેટટીમના એક ઓલરાઉન્ડર સભ્ય તરીકે તેઓને રમવાનો મોકો મળ્યો. હજુ કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટમેચમાં સ્પિનર જસુ પટેલના અકલ્પનિય દેખાવના કારણે ભારતની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત ટેસ્ટમેચ જીતી હતી. જસુ પટેલે એ મેચમાં પહેલા દાવમાં ૯ વિકેટ સાથે આખીયે મેચમાં કુલ ૧૪ વિકેટ લીધી હતી. અચાનક જ ત્રીજી મેચના પ્રારંભે જસુ પટેલને ફૂડ પોઈઝનીંગ થવાના કારણે મેચમાંથી પડતા મુકાયા હતાં અને તેઓને પહેલી જાન્યુઆરી ૧૯૬૦ના દિવસે ટેસ્ટકેપ મળી.
૧૯૬૧-૬૨ની ઘરઆંગણાની ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં દુરાનીના શાનદાર પ્રદર્શને કલકત્તા અને મદ્રાસમાં ખેલાયેલી અનુક્રમે ચોથી અને પાંચમી ટેસ્ટમેચ ભારત જીતી ગયુ અને સાથેસાથે સૌપ્રથમ વખત ભારતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતી લીધી *જેનો શ્રેય દુરાનીને આપવો રહ્યો. કલકત્તા ટેસ્ટમાં દુરાનીએ ૮ વિકેટ મેળવી અને મદ્રાસ ટેસ્ટમાં ૧૦ વિકેટ મેળવી હતી.
વર્ષ ૧૯૭૧માં પોર્ટ ઓફ સ્પેઇનના મેદાનમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર મેળવેલા ઐતિહાસિક વિજયમાં દુરાનીનો મોટો ફાળો રહ્યો, બીજા દાવમાં અણીના સમયે દુરાનીએ લોઇડ અને સોબર્સ બંનેની વિકેટ સસ્તામાં ઝડપી લીધી જેના કારણે ભારત વેસ્ટ ઇન્ડિઝ સામેની એ મેચ જીતી ગયુ અને વેસ્ટ ઇન્ડિઝ સામે સૌ પ્રથમ સિરીઝ પણ જીતી ગયું.
સલીમ દુરાનીના પરગજુ સ્વભાવના કારણે ભારતીય ક્રિકેટરોએ તેમને પ્રિન્સનું બિરુદ આપેલું, ડ્રેસિંગરૂમમાં અને મેદાન પર ક્રિકેટરો તેમને પ્રિન્સના નામે જ બોલાવતા. ૧૯૭૨-૭૩ની ચોથી ટેસ્ટમાં દુરાનીને ટીમમાંથી પડતા મૂકાયા હતાં. ત્યારબાદ નો દુરાની, ના નો ટેસ્ટના બેનર બાદ તેમનો ટીમમાં સમાવેશ કરવો પડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના જમાનામાં રમતી વખતે મેદાનમાં જે ટેન્ટમાંથી વી વોન્ટ સિક્સરની માંગણી થતી એ ટેન્ટમાં અચૂક સિક્સર લગાવતા અને એ જ કારણે પ્રેક્ષકોમાં તે માનીતા બની ગયા હતા. જયારે એમને લાગ્યું કે હવે ક્રિકેટમાં આપણો ગજ નહિ વાગે ત્યારે તેણે ફિલ્મોમાં નસીબ અજમાવ્યું.
**
દુરાની જમણેરી બેટધર હતા પરંતુ પિતાએ ડાબોડી બનાવ્યા
સલીમ દુરાની લેફટ હેન્ડ બેટસમેન અને લેફટ આર્મ બોલર હતાં પરંતુ ખુબ ઓછા લોકો એ વાત જાણતા હશે કે તેઓ વાસ્તવમાં જમણેરી હતાં પરંતુ તેમના પિતાએ ખાસ તેમનો હાથ બંધાવીને ડાબોડી બેટધર તરીકે પ્રેકટીસ કરાવી હતી અને આખરે તેઓ લેફટ હેન્ડ બેટધર તથા લેફટ આર્મ બોલર તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટ પણ રમ્યા હતાં.
**
બે વખત લગ્નના બંધને બંધાયા: એક પુત્રી છે
સલીમ દુરાની અને ટીમ ઇન્ડીયાના પ્રિન્સે જીવનમાં બે લગ્ન કર્યા હતાં જયારે તેઓ મુંબઇમાં હતાં ત્યારે રેખા સાથે પહેલા લગ્ન કર્યા હતાં અને દાંપત્ય જીવનથી તેમને સરીતા નામની એક પુત્રી અવતરી હતી, આ પછી લગ્નજીવનમાં ભંગાણ પડયો હતો અને રેખાબેન પુત્રી સાથે અલગ થયા હતાં, જો કે છેલ્લે સુધી સલીમ દુરાની એમની પુત્રીને અચુક મળતા હતાં, આ પછી ડો.મંજુબેન ભાટીયા સાથે દુરાનીએ બીજા લગ્ન કર્યા હતાં, બંને લગ્ન મુંબઇ થયા હતાં, કારણ કે રાજસ્થાન બાદ તેઓ બોલીવુડમાં આવ્યા પછી મુંબઇમાં સારો એવો સમય રહ્યા હતાં, એમણે બંને લગ્ન ગુજરાતી પરીવારમાં કર્યા હતાં. મુંબઇના ખાર જીમખાના વિસ્તારમાં મંજુબેન સાથે તેઓ આલીશાન ઘરમાં રહેતા હતાં.
**
પટોડી, વિનુ માંકડ, વિજય માંજરેકર, પોલી ઉમરીગર, જયસિન્હા, ચંદુ બોરડે, ફારુક એન્જીનિયર જેવા મહાન ક્રિકેટરો સાથે રમ્યા
સલીમ દુરાનીએ ભારતીય ક્રિકેટ ઇતિહાસના મહાન ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યું હતું, મનસુરઅલી ખાન પટોડી કે ટીમ ઇન્ડીયાના કેપ્ટન હતાં તે સમયે તેઓ ક્રિકેટ રમ્યા હતાં અને વિનુ માંકડ, વિજય માંજરેકર, પોલી ઉમરીગર, જય સિન્હા, ચંદુ બોરડે, ફારુક એન્જીનિયર, પ્રસન્ના જેવા ક્કિેટરો એમના સાથી રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application