હાલારમાં પંચાયતોમાં પણ કેસરીયો ઝંઝાવાત

  • March 02, 2021 01:36 PM 

બપોરના 1-30 કલાક સુધીની સ્થિતિ પ્રમાણે પાલિકા-પંચાયતોમાં ભાજપને ફાયદો, કોંગીને નુકશાન: જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ઘોડો વીનમાં : સત્તા આંચકી લેવામાં સફળ થાય તેવા સંકેત : દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગીનો ઘોડો આગળ : વિક્રમ માડમના પુત્ર હારી ગયા : ડો. વિનુભાઇ ભંડેરી પણ પરાજીત : તાલુકા પંચાયતોમાં ધ્રોલ અને જોડીયા ભાજપે કબ્જે કરી, લાલપુરમાં ભાજપ આગળ : જામજોધપુરમાં કોંગીની જીત : કાલાવડમાં ભાજપને 8, કોંગીને 7, આપને 2 અને અપક્ષને એક, સત્તાની સાઠમારી થશે : સિક્કા ન.પા. કોંગીએ કબ્જે કરી, રાવલમાં વીપીપી આગળ, ખંભાળીયામાં ભાજપ આગળ છે : પંચાયતોમાં તાકાત વધારવામાં ભાજપ સફળ, કોંગીને ભારે નુકશાન : જામનગર તાલુકા પંચાયતની ગણતરી ભારે ધીમી : જામનગરમાં ટોળે-ટોળા ઉમટતાં એસ.પી. ને દોડી જવું પડ્યું

પાલિકા-પંચાયતોની બહુ ગાજેલી ચૂંટણીની મત ગણના આજે પ્રમાણમાં ધીમી ગતિએ થતાં આ લખાય છે ત્યારે બપોરે 1-30 કલાક સુધીમાં સ્પષ્ટ ચુકાદો આવ્યો નથી, પરંતુ જે રીતે ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે એ રીતે જોઇએ તો, પંચાયતોમાં ભાજપનો કેસરીયો ઝંઝાવાત ફરી વળતો દેખાઇ રહ્યો છે, ઓવર ઓલ પાછલી પંચાયતોની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો, ભાજપ તાકાત વધારવામાં સફળ થયું છે અને કોંગીને સીધેસીધું જબં નુકશાન થયું છે, જામનગર જિલ્લા પંચાયત કે જે કોંગીના કબ્જામાં હતી, તે આંચકી લેવામાં ભાજપ સફળ થાય તેવું દેખાય છે, તો બીજી તરફ દ્વારકા જિલ્લા પંચાયતમાં કોંગી આગળ છે, મોડી સાંજ સુધી પરિણામ સ્પષ્ટ થઇ જશે, મોટા માથાઓમાં ધારાસભ્ય વિક્રમ માડમના પુત્ર અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ડો. વિનુભાઇ ભંડેરીનો પરાજય થયો છે, એસ.પી. ને ખુદ મેદાનમાં ઉતરવું પડે એવી સ્થિતિ પણ સર્જાઇ હતી.

આ લખાય છે ત્યારે જામનગર અને દ્વારકા પાલિકા-પંચાયતોની ચૂંટણીના મળેલા ટ્રેન્ડ પ્રમાણે જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી જાહેર થયેલી 10 બેઠકોમાંથી છ બેઠક કબ્જે કરવામાં ભાજપ સફળ થયું છે, બસપાનો હાથી એક બેઠક કબ્જે કરીને જિલ્લા પંચાયતના ઇતિહાસમાં ખાતું ખોલાવવામાં સફળ થયો છે, હેમત ખવાને ટીકીટ નહીં આપવાની ભૂલ કોંગીને નડી ગઇ છે, 3 બેઠક કોંગ્રેસે જીતી છે, હજુ 14 બેઠકના પરિણામ આવવાના બાકી છે, એટલે સ્થિતિ બદલી પણ શકે છે, હાલ ભાજપ આગળ છે.

દ્વારકા જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયત માટે ધીમી મત ગણતરી થઇ હોવાથી બપોરના 1-30 કલાક સુધી અહીં 4 બેઠકો પર કોંગ્રેસે કબ્જે કર્યો છે, 3 બેઠક ભાજપે જીતી છે અને 15 બેઠકોનું પરિણામ આવવાનું બાકી છે.

નગરપાલિકાઓમાં સિક્કા ન.પા. મહદ્દઅંશે કબ્જે કરવામાં કોંગ્રેસ સફળ થયું છે, બહુમતી માટે માત્ર એક માથું ઘટે છે, દેવભૂમિ દ્વારકાની રાવલ નગરપાલિકામાં વીપીપીનો ઘોડો આગળ છે, તો બીજી તરફ ખંભાળીયા નગરપાલિકામાં ભાજપનો ઘોડો આગળ છે.

તાલુકા પંચાયતોમાં પણ પરિણામ માટે ભારે ઉત્તેજના હતી, ધ્રોલ અને જોડીયા તાલુકા પંચાયતો પર ભાજપે કબ્જો કરી લીધો છે, લાલપુર, કાલાવડમાં ભાજપ આગળ છે, જામજોધપુર તાલુકા પંચાયત કોંગીએ કબ્જે કરી છે, જ્યારે જામનગર તાલુકા પંચાયતની ગણતરી પણ ખૂબ ધીમી ચાલી રહી છે.

અત્રે નોંધનીય છે કે, ગત વખતે જામનગર જિલ્લા પંચાયત અને તમામ છ તાલુકા પંચાયત પર કબ્જો કરવામાં કોંગ્રેસ સફળ થઇ હતી, આ વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સ્થિતિ હાલ ડામાડોળ દેખાઇ રહી છે, બપોર બાદ સ્થિતિ પલ્ટી પણ શકે છે, તો તાલુકા પંચાયતોમાં ધ્રોલ અને જોડીયા પણ કબ્જે કરવામાં ભાજપ સફળ થઇ ગયું છે, કાલાવડ, લાલપુર કે જ્યાં ભાજપ આગળ છે જો તે કબ્જે કરવામાં ભાજપ સફળ થઇ જાય તો પંચાયતોમાં પણ કેશરીયો ઝંઝાવાત ફરી વળશે એવું દેખાઇ રહ્યું છે, અને સ્થિતિનું મુલ્યાંકન એવું દશર્વિે છે કે, ઓવરઓલ પંચાયતોમાં માત્ર પોતાની તાકાત વધારવામાં જ ભાજપ સફળ થયું નથી પરંતુ સત્તા કબ્જે કરવામાં પણ કેસરીયા બ્રિગેડ સફળ થતી દેખાય છે, બપોર બાદ તમામ પરિણામ સ્પષ્ટ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS