તરધડીમાં ફેકટરીમાં ૭ લાખ રોકડ સાથે તિજોરીની ચોરી

  • April 17, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રહેતા વેપારીની જામનગર રોડ પર તરઘડી ગામ પાસે ચાની ભૂકીની ફેક્ટરીમાં રોકડ રૂપિયા 7 લાખ સાથે કબાટમાં રહેલી તિજોરી જ તસ્કર ચોરી કરી ગયા અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફેક્ટરીના સીસીટીવી ફૂટેજ ચકાસતા રાત્રીના સ્ત્રીના વેશમાં એક અજાણ્યો પુરુષ મોઢે બુકાની બાંધી અહીં આવી ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું દેખાયું હતું. જેથી આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.દરમિયાન પોલીસે મોરબીના શખસને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.


ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ગિરિરાજ હોસ્પિટલની બાજુમાં સાંઈનગર સોસાયટીમાં રહેતા રમણીકભાઈ વાલજીભાઈ સાંણદિયા (ઉ.વ 57) દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને તરઘડી ગામે જામનગર હાઇવે પર ઉમિયા ટી પ્રાઇવેટ લિ. નામની ફેકટરી આવેલી છે. જેમાં ચાની ભૂકીનું પેકિંગ કરી વેચાણ કરે છે. આ ફેક્ટરીમાં 45 જેટલા કર્મચારીઓ કામ કરે છે.


ગઈ તારીખ 14/4 ના તેઓ ફેક્ટરીએ રાબેતા મુજબ કામ પતાવી સાંજના ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે એટલે કે તા. 15 ના સવારના આઠેક વાગ્યે ફેક્ટરીના એકાઉન્ટન્ટ નિકુંજભાઈ સરધારીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ઓફિસ તથા જનરલ ઓફિસમાં બધી વસ્તુ વેરવિખેર પડી છે અને તમારી ઓફિસમાં રાખેલ તિજોરી લોખંડની સાંગળી(મોટી કોશ) વડે કાઢી ગયેલ છે અને અહીં સાંગળી પણ પડી છે જેથી ફરિયાદી તુરંત રાજકોટથી અહીં ફેક્ટરીએ પહોંચ્યા હતા.


ફેક્ટરીએ પહોંચી તપાસ કરતા ઓફિસમાં તિજોરી રાખી હોય જેમાં રોકડ રૂપિયા 7 લાખ રાખી હતી તે સાથેની તિજોરી ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું તેમજ ઓફિસમાં રહેલ બધા કબાટ ખુલ્લા હતા. ત્યારબાદ અહીંના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સ્ત્રીના વેશમાં એક પુરુષ મોઢે બુકાની બાંધી રાત્રિના સવા બાર વાગ્યા આસપાસ ફેક્ટરીમાં આવતો હોવાનું નજરે પડ્યું હતું. ત્યારબાદ તેણે ઓફિસ ખોલી તેમાં કબાટમાં ફીટ કરેલ લોખંડની તિજોરી જેમાં રોકડ રૂપિયા 7 લાખ હતા તે તિજોરી કબાટમાં ફીટ કરી હતી તે લોખંડની સાંગાણી વડે કાઢી ચોરી કરી ગયો હતો જે અંગે વેપારી દ્વારા પડધરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application