સાધુ બન્યો શૈતાન: તાંત્રિક વિધિથી યુવતિનું અપહરણ કરી દૂષ્કર્મ

  • June 23, 2021 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીકનો ચોંકાવનારો બનાવ: ભોગ બનનાર અને નરાધમને અમદાવાદથી અટકમાં લીધાં: જુનાગઢ, અમદાવાદ, રાજસ્થાન લઈ ગયો: યુવતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી

જામનગર નજીક આવેલા ગામમાં થોડાં મહિના પહેલાં સાધુના વેશમાં આવેલા શખસે પિતૃ અને અન્ય તાંત્રિક વિધિ કરી યુવતિ અને તેના પરિવારને મારી નાખવાની ધમકી આપીને યુવતિનું અપહરણ કરી જઈ જુનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં લઈ ગયો હતો. દરમિયાનમાં આરોપી અંગે વિગતો મળતાં જામનગર પોલીસે તપાસ કરી ભોગ બનનાર સાથે નરાધમને પકડી લીધો છે. આરોપી સામે અપહરણ અને દૂષ્કર્મની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર નજીક નારણપર વિસ્તારમાં એક યુવતિ ગૂમ થયાંની પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તેની વાડીએ સાધુમાં વેશમાં રહેતો શખસ પણ ભેદી રીતે લાપત્તા હોવાનું જણાતાં પંચકોશી ‘બી’ના પીએસઆઈ સી.એમ. કાટેલિયા અને તેમની ટૂકડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, મૉબાઈલ લૉકેશનના આધારે અમદાવાદ હોવાની વિગતો મળી હતી.

જામનગર પોલીસ દ્વારા તપાસ અમદાવાદ તરફ લંબાવવામાં આવી હતી અને ત્યાં એક ટૂકડી દોડી જઈ આરોપી જીતેન્દ્ર ઉર્ફે મેન્ટલગીરી પરમારની અટક કરી હતી. યુવતિ સાથે મળી આવી હતી અને બન્નેને જામનગર લાવવામાં આવ્યા હતાં. આરોપીની કોવિડ રિપોર્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે અને ભોગ બનનાર યુવતિની મૈડિકલ પરિક્ષણની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.

દરમિયાનમાં ભોગ બનનાર યુવતિ દ્વારા ગઈકાલે પંચકોશી ‘બી’માં મૂળ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ભાટકોટા ગામના જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરી ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર (ઉ.વ.42)ની વિદ્ધ આઈપીસી કલમ 376 (2) (એન), 365, 506 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી જીતુગીરી છ’એક મહિના પહેલાં ફરિયાદી ભોગ બનનારની વાડીએ તેમના પરિવારને પિતૃ નડતરની વિધિ માટે સાધુના વેશમાં આવ્યો હતો, બાદમાં તેઓની વાડીમાં અવાર-નવાર આવીને રોકાતો હતો. ફરિયાદી ભોગ બનનારને તેના પરિવારને તાંત્રિક વિધિ કરી, મારી નાખવાની ધમકી આપી તેની સાથે વાડીમાં મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

દરમિયાનમાં ગત્ તા.18.6.21 ના રોજ રાત્રિના ભોગ બનનારને તેના નાના ભાઈ તથા બા-બાપુજી તેમજ પોતાને મારી નાખવાની ધમકી આપી વાડીએથી ભગાડી અપહરણ કરી ગયો હતો. યુવતિને જામનગરથી લઈ જઈ જુનાગઢ, અમદાવાદ તેમજ રાજસ્થાન વગેરે જગ્યાએ લઈ રાજસ્થાન ખાતે આરોપીના સંબંધીના રહેણાંકે બે વખત  તેણીની મરજી વિરુદ્ધ દૂષ્કર્મ આચર્યું હતું.

ગત્ તા.18.6.21થી 22.6.21 દરમિયાન તથા ત્રણ માસ પહેલાં રાત્રિના સમયે બનેલા ઉપરોકત બનાવની તા.22ના રોજ પંચકોશી ‘બી’માં વિવિધત્ ફરિયાદ દાખલ થઈ છે, જેની તપાસ ચલાવવામાં આવી રહી છે. સાધુના વેશમાં શૈતાન બનેલા શખસની વધુ પૂછપરછ કરવા કોવિડ રિપોર્ટ અને ત્યારબાદ રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
તાંત્રિક વિધિના બહાને કાળું મોઢું કરનાર શખસ અંગેનો આ ચોંકાવનારો બનાવ બહાર આવતાં જામનગર પંથકમાં ચકચાર ફેલાઈ ગઈ છે. પોલીસ દ્વારા પુરાવા એકઠાં કરવા અને ભોગ બનનારને જ્યાં-જ્યાં લઈ ગયો હતો એ શહેરોમાં તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)