મીઠાપુરમાં સામાન્ય બાબતનું મનદુઃખ રાખી, યુવાનની કરપીણ હત્યા

  • May 27, 2021 10:14 AM 

ત્રણ શખ્સો સામે હત્યા સબબનો ગુનો નોંધાયો

ઓખા મંડળ ખાતે ગત સાંજે એક રીક્ષા ચાલક યુવાન સાથે બોલાચાલીનો ખાર રાખી, ત્રણ શખ્સો દ્વારા હથિયારો વડે જીવલેણ હુમલો કરી, હત્યા નીપજાવવાના બનાવે ભારે ચકચાર પ્રસરાવી છે. આ સંદર્ભે ડી.વાય.એસ.પી. સહિતના પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ આદર્યો છે.

સમગ્ર ઓખામંડળ ચકચારી બનેલા આ હત્યા પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઈવિંગ કરતા લાલાભા આલાભા માણેક નામના આશરે 35 વર્ષીય હિન્દુ વાઘેર યુવાનને થોડા સમય પૂર્વે તેઓના ઘરની દીવાલ પાસે બેસવા બાબતે આ વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઇ હતી.

આ પછી ગઈકાલે બુધવારે સાંજના સમયે લાલાભા માણેક સુરજકરાડી વિસ્તારમાં આવેલી એક ચાની હોટલ ખાતે ચા પીતો હતો ત્યારે, આ સ્થળે સુરજકરાડીના રહીશ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતીયા, હમુસર ગામના રહીશ ભુપતભા આધાભા માણેક અને ગોરીંજા ગામના રહીશ વિજય કારૂભા સુમણીયા નામના ત્રણ શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.

જીવલેણ હથિયારો સાથે ધસી આવેલા ત્રણેય આરોપીઓએ જૂની બાબતનો ખાર રાખી, લાલાભા માણેકની પાછળથી ઘાતક હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા લાલાભાના માથાના ભાગે, ગાલના ભાગે તથા કાન નીચે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ફસડાઈ પડયા હતા. આ જીવલેણ હુમલાથી ગંભીર રીતે ઈજાઓના કારણે તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. હત્યા નિપજાવી આરોપીઓ હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા.

આ બનાવ બનતા અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. આ પ્રકરણના અનુસંધાને મીઠાપુર પોલીસે મૃતકના મોટાભાઈને દેવુભા આલાભા માણેક (ઉ.વ. 39, રહે. ગાયત્રીનગર- આરંભડા) ની ફરિયાદ પરથી ઉપરોક્ત ત્રણેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 302, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી વિવિઘ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ નિર્મમ હત્યાના બનાવ અંગે તપાસનીશ પી.એસ.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા લાલાભા માણેકના મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં, હત્યારાઓની સગડ મેળવવા માટે ડોગ સ્કવોડ તથા એફ.એસ.એલ. નિષ્ણાતોની સેવા પણ લેવામાં આવી રહી છે, હત્યાના આ બનાવે મીઠાપુર સમગ્ર ઓખામંડળમાં ભારે ચર્ચા જગાવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)